સોના- ચાંદીમાં રેકોર્ડ તેજી છતાં સરકારે ટેરીફ વેલ્યુમાં કરેલો ઘટાડો
મુંબઈ : દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યાના સમાચાર મળ્યા હતા. એક તરફ વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આવી છે ત્યારે બીજી તરફ ભારત સરકારે ટેરીફ વેલ્યુમાં ઘટાડો કરતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. દિલ્હીથી મળેલા સમાચાર મુજબ સોનામાં આવી ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામના ડોલરના સંદર્ભમાં ૮૫૭થી ઘટી ૮૫૫ ડોલર થઈ છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૧૦૩૮થી ઘટી ૧૦૧૬ ડોલર કરાયાના સમાચાર મળ્યા હતા. આના પગલે દેશમાં આયાત થતા સોના- ચાંદી પરની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં તેટલા પ્રમાણમાં પીછેહટ થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.