એક કરતાં વધુ ડિમેટ એકાઉન્ટ રાખવાથી ફાયદો કે નુકસાન? જાણો સેબીનો નિયમ શું કહે છે
Benefits Of Demat Account: શેરબજાર તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ડિમેટ એકાઉન્ટ હોવુ જરૂરી છે. સ્ટોક માર્કેટમાં શેર્સના ટ્રેડિંગ અને મ્યુચ્યુઅલ ફંડમાં ફાળવવામાં આવતાં યુનિટ્સ ડિમટિરિયલાઈઝ્ડ એકાઉન્ટ અર્થાત ડિમેટ એકાઉન્ટમાં જમા થાય છે. આઈપીઓ માટે પણ ડિમેટ એકાઉન્ટ હોવુ જરૂરી છે.
ઘણા લોકો શેર્સમાં ટ્રેડિંગ તેમજ ખાસ કરીને આઈપીઓ માટે એક કરતાં વધુ અરજી કરવા એક કરતાં વધુ ડિમેટ એકાઉન્ટ ખોલાવે છે. પરંતુ શું તે યોગ્ય છે કે, પછી તેના નુકસાન પણ છે. આવો જાણીએ...
એક કરતાં વધુ એકાઉન્ટ ખોલાવી શકાય?
માર્કેટ રેગ્યુલેટર સેબીએ હાલ ડિમેટ એકાઉન્ટ મુદ્દે કોઈ માર્ગદર્શિકા જાહેર કરી નથી. હાલ યુઝર એક કરતાં વધુ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકે છે. જેના પર કોઈ રોક નથી. ડિમેટ એકાઉન્ટ ખોલાવવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડની જરૂર પડે છે.
આ પણ વાંચોઃ વિદેશ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા માગો છો? આ બાબતોને ધ્યાનમાં રાખશો તો થશે ફાયદો
લાભ
એક કરતાં વધુ ડિમેટ એકાઉન્ટ હોવાનો કોઈ ખાસ ફાયદો થતી નથી. પરંતુ સમસ્યાઓ સર્જાય છે. એક સાથે અનેક એકાઉન્ટ મેનેજ કરવુ મુશ્કેલ બને છે. જુદા-જુદા બ્રોકરેજ ફર્મનું ડિમેટ એકાઉન્ટ ખોલાવો છો તો, તમે તેના ચાર્જિસની જુદી-જુદી સુવિધાઓનો લાભ લઈ શકો છો. લોંગ ટર્મ ટ્રાન્જેક્શન અને શોર્ટ ટર્મ ટ્રાન્જેક્શન માટે બે અલગ ડીમેટ એકાઉન્ટનો લાભ થાય છે. જેથી બે જુદા-જુદા લક્ષ્યાંકો માટે જુદા-જુદા એકાઉન્ટ સરળતાથી હેન્ડલ કરી શકાય છે. પરંતુ ઘણી વખત માર્કેટની અફરાતફરીમાં શેર્સની લે-વેચ મુદ્દે અસમંજસ પણ ઉભી થાય છે.
નુકસાન
એક કરતાં વધુ ડિમેટ એકાઉન્ટ હોવાથી જાળવણી ખર્ચ વધી જાય છે. બ્રોકરેજ ફર્મ ટ્રેડિંગ માટે ટ્રાન્સફર ફી વસૂલે છે. એક કરતાં વધુ એકાઉન્ટ હોવાથી ટ્રાન્સફર ફીનો ખર્ચો વધી જાય છે. તેમજ એક સાથે બંને એકાઉન્ટના શેર્સને ટ્રેક કરવા અને લે-વેચ કરવી મુશ્કેલ બને છે.