દેવું કરી ઘી પીઓ... દેશના પરિવારો પર દેવાનું ભારણ ડિસેમ્બરમાં વધી રેકોર્ડ બ્રેક ટોચે પહોંચ્યું
Household debt: દેશમાં પરિવારો પર દેવાનો બોજો સતત વધી ડિસેમ્બરમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. ડિસેમ્બર, 2023માં ભારતીય પરિવારો પર દેવુ જીડીપીના 40 ટકા નોંધાયો છે, બીજી બાજુ બચતમાં પણ ઘટાડો થયો હોવાનું મોતિલાલ ઓસ્વાલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ગત મહિને જારી રિપોર્ટમાં ઘરેલુ દેવું, અનસિક્યોર્ડ પર્સનલ લોનમાં વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે સિક્યોર્ડ ડેટ, કૃષિ લોન અને બિઝનેસ લોનની માગ પણ વધી છે.
ઘરેલુ બચત 5 ટકા ઘટી
અગ્રણી ફાઈનાન્સિયલ સર્વિસિઝ ફર્મ મોતિલાલ ઓસ્વાલની રિપોર્ટ અનુસાર, ડિસેમ્બરમાં ઘરેલુ બચત જીડીપીના 5 ટકા સુધી ઘટી છે. જે તેનુ સૌથી નીચુ સ્તર છે. આ લેવલ નાણાકીય સંકટનો સંકેત આપે છે. ગત નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં ઘરેલુ બચત જીડીપીના 10.8 ટકા સાથે નજીવી વધી હતી. જે અગાઉના 2022-23 વર્ષમાં 10.5 ટકા હતી. જો કે, નાણાકીય જવાબદારીઓ જીડીપીના 5.5 ટકા સામે વધી જીડીપીના 5.8 ટકા નોંધાઈ છે.
પરિવારો પર દેવુ વાર્ષિક ધોરણે વધ્યું
નાણાકીય વર્ષ 2022-23માં પરિવારોનું વાર્ષિક દેવુ જીડીપીના 5.8 ટકા સાથે વધ્યું હતું. જે આઝાદી બાદ બીજી વખત સૌથી વધુ નોંધાયુ છે. જ્યારે ઘરેલુ બચત 2022-23માં દસ વર્ષની ટોચે પહોંચી છે. કુલ બચત જીડીપીના 18.4 ટકા સાથે છ વર્ષના તળિયે નોંધાઈ. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, દેશની ગ્રોસ ડોમેસ્ટિક સેવિંગ્સ ઘટી જીડીપીના 30.2 ટકા થઈ છે. જે 2013-14 અને 2018-19ની 31-32ની રેન્જ કરતાં ઘટી છે.
દેવામાં વધારા પાછળનું કારણ
દેવામાં વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ આવકના સ્રોતમાં નોંધનીય વૃદ્ધિ ન થવાનું છે. આવકો ઘટી છે. જ્યારે વપરાશ ધ્યો છે. પરિણામે બચત ઘટી દેવામાં વધારો થયો છે. નાણાકીય બચતો અને નાણાકીય જવાબદારીઓ વચ્ચે સંતુલન જળવાઈ ન રહેતાં ઘરેલુ ચોખ્ખી નાણાકીય બચત (એચએચએનએફએસ) ઘટી છે. ખાનગી વપરાશ અને ઘરેલુ રોકાણ ગ્રોથ પણ ઘટ્યો છે. બીજી બાજુ સરળતાથી લોન-ફાઈનાન્સ થતુ હોવાથી લોકો દેવુ કરીને પણ ખર્ચાઓ કરતાં ખચકાટ અનુભવી રહ્યા નથી.
પરિવારો હવે નાણાકીય સંપત્તિની જાળવણી અને ખરીદી અગાઉ કરતાં ઓછી કરે છે. લોકો હવે રિયલ એસેટ્સ, ગોલ્ડ, વ્હિકલ્સ સહિતની ખરીદી લોન મારફત કરી રહ્યા છે.
કોર્પોરેટ રોકાણો વધવાનો આશાવાદ
લોકસભા ચૂંટણી 2024ના કારણે કોર્પોરેટ રોકાણો વધવાનો આશાવાદ છે. વાસ્તવિક રોકાણો 2024-25માં ધીમા ધોરણે વધશે. બીજી બાજુ ઘરેલુ બચતોમાં કોઈ સુધારો જણાઈ રહ્યો નથી, કારણકે, આગામી સમયમાં લોકોના વપરાશ અને ખાનગી રોકાણો વધશે.