જીએસટીના માસિક-ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાની તારીખ બે દિવસ લંબાવાઈ
- જીએસટી જમા કરાવવાની તારીખ 22 જાન્યુઆરી કરવામાં આવી
- માસિક રિટર્ન 13મી જાન્યુઆરી સુધી અને ત્રિમાસિક રિટર્ન 15મી જાન્યુઆરી સુધી ફાઈલ કરવાની છૂટ આપી
અમદાવાદ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાને માંડ ૪૮ કલાર બાકી હતા ત્યારે જીએસટીનું પોર્ટલ ઠપ થઈ જતાં મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા વેપારીઓેને સુવિધા આપવના ઇરાદાથી જીએસટીઆર-૧માં માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવા માટે બે દિવસની મુદત વધારી આપવાની આજે જાહેરાત કરવામાં આવી છે.
માસિક રિટર્ન ફાઈલ કરનારાઓને અગિયારમી જાન્યુઆરીને બદલે હવે ૧૩મી જાન્યુઆરી સુધીમાં આ રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપી છે. જ્યારે ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરનારાઓને ૧૩ંમી જાન્યુઆરીને બદલે ૧૫મી જાન્યુઆરી સુધી રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપી છે. જીએસટીનું પોર્ટલ ૯મી જાન્યુઆરીએ ઠપ થઈ ગયું હોવાનું સ્વીકારીને જીએસટીએન કાઉન્સિલે ટ્વિટ કરીને પોર્ટલ ન ચાલતું હોવા બદલ દિલગીરી પણ વ્યક્ત કરી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવમી જાન્યુઆરીએ લગભગ આખો દિવસ જીએસટીનું પોર્ટલ ચાલ્યું જ નહોતું.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેકિસ એન્ડ કસ્ટમ્સ-સીબીઆઈસીએ આજે પરિપત્ર બહાર પાડીને પ્રસ્તુત જાહેરાત કરી છે. માસિક રિટર્ન ફાઈલ કરનારાઓને માસિક રિટર્ન ફાઈલ કરવા માટે ડિસેમ્બર માસ હોય તો બીજા મહિનાની એટલે કે જાન્યુઆરી મહિનાની ૧૧મી તારીખ સુધીનો સમય આપવામાં આવે છે. તેમ જ ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરનારાઓને જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર ત્રિમાસિક ગાળો પૂરો થયો પછીના મહિનાની ૧૧મી તારીખ સુધીમાં તેમનું રિટર્ન ફાઈલ કરી દેવાનું આવેછે.
આ જ રીતે ડિસેમ્બર મહિનાનું જીએસટીઆર ૩-બી ફાઈલ કરીને જીએસટી જમા કરાવવા તારીખ ૨૦મી જાન્યુઆરીથી લંબાવીને ૨૨મી જાન્યુઆરી કરી આપવામાં આવી છે. ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરનારાઓને જીએસટીઆર૩-બી ભરીને ટેક્સ જમા કરાવવા માટે ૨૪મી જાન્યુઆરીને બદલે ૨૬મી જાન્યુઆરી સુધીમાં ટેક્સ જમા કરાવવાની છૂટ આપી છે.
નવમી જાન્યુઆરીએ જીએસટીનું પોર્ટલ ઠપ થઈ ગયું હોવાની દેશભરમાંથી બૂમ ઊઠી હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે. ગુરૂવાર અને શુક્રવારે પોર્ટલ બરાબર ચાલ્યું નહોતું. શનિવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પોર્ટલ કામ કરતું થઈ જશે, એમ ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે.