મોંઘવારી ભથ્થામાં 12 ટકાનો વધારો કરવાની સરકારની જાહેરાત, આ સરકારી કર્મચારીઓને મળશે લાભ
7th Pay Commission DA Hike: કેન્દ્ર સરકારે આ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા(DA)માં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો તે કેન્દ્રીય કર્મચારીઓ અને સ્વાયત્ત સંસ્થાઓ(જાહેર સાહસો વિભાગ)ના કર્મચારીઓ માટે લાગુ થશે જેઓ 5મા અને 6ઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવી રહ્યા છે. આ સંદર્ભમાં, નાણા મંત્રાલયના જાહેર સાહસોના વિભાગે 7 નવેમ્બર 2024ના રોજ ઑફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું.
6ઠ્ઠા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થુ
6ઠ્ઠા પગાર પંચ મુજબ, પગારદાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ વર્તમાન 239%થી વધારી 246% કરવામાં આવ્યું છે. આ વધારો 1 જુલાઈ, 2024થી લાગુ થશે. છઠ્ઠા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં સાત ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. 43,000 છે, તો અગાઉ 239% DA હેઠળ તેને કુલ રૂ. 1,02,770 પગાર મળતો હતો. 246%ના નવા દર મુજબ, હવે તેનો કુલ પગાર રૂ. 1,05,780 થશે. એટલે કે પગારમાં સીધો મહિને 3,000 રૂપિયાનો વધારો થશે.
5મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થુ 12 ટકા વધ્યું
5મા પગાર પંચ મુજબ, પગારદાર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ હાલના 443% સામે 12 ટકા વધારીને 455% કરવામાં આવ્યું છે. જેનો અમલ પણ 1 જુલાઈ, 2024થી લાગુ થશે.
દિવાળી પહેલા સાતમા પગાર પંચને લાભ
દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચને દિવાળી ભેટ આપતાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો હતો. આ પગારપંચ હેઠળ પગારદારો અને પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થુ હવે 50 ટકાથી વધી 53 ટકા થયું છે. જેનો અમલ 1 જુલાઈ, 2024થી લાગુ થશે.
મોંઘવારી ભથ્થાનો લાભ
સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારીના મારથી રાહત આપવા વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થુ વધારવામાં આવે છે. જે ફુગાવાના આધારે નક્કી થાય છે. પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મેળવતા પગારદારો અને પેન્શર્નસને આ વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.