ભારતમાં ફક્ત 6 કરોડ લોકોની જ આવક વાર્ષિક 8 લાખથી વધુ, ગોલ્ડમેન સાક્સનો રિપોર્ટ
ભારતમાં વાર્ષિક રૂ. 8.25 લાખ કમાતા 6 કરોડ લોકો, 2027 સુધીમાં વધીને 10 કરોડ થશે: રિપોર્ટ
Goldman sachs Report on India: ભારતમાં શ્રીમંત લોકોની સંખ્યા આગામી ચાર વર્ષમાં 67 ટકા વધીને 10 કરોડને પાર કરી શકે છે. જો કે, 2022માં માત્ર છ કરોડ હતી. ગોલ્ડમેન સૉક્સ (Goldman Sachs)ના 'ધ રાઇઝ ઓફ અફ્લુઅન્ટ ઇન્ડિયા' રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
ગોલ્ડમેન સૉક્સના રિપોર્ટ અનુસાર, હાલમાં કામકાજની વયની વસ્તીના માત્ર ચાર ટકા લોકો જ શ્રીમંત છે એટલે કે જેમની વ્યક્તિ દીઠ વાર્ષિક આવક 10 હજાર ડોલર એટલે કે વાર્ષિક 8 લાખ 28 હજાર રૂપિયાથી વધુ છે. જ્યારે ભારતમાં વ્યક્તિ દીઠ આવક હાલમાં 1,74,000 રૂપિયા વાર્ષિક છે. જો આ જ ગતિ યથાવત રહી તો વર્ષ 2027માં આ 'સમૃદ્ધ ભારત'માં સામેલ ગ્રાહકોની સંખ્યા 10 કરોડ સુધી પહોંચી જશે. આ રિપોર્ટ ટેક્સ ફાઇલિંગ, બેંક ડિપોઝિટ, ક્રેડિટ કાર્ડ અને બ્રોડબેન્ડ કનેક્શનના ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કરવામાં આવેલો સૌથી મહત્વનો ઘટસ્ફોટ એ છે કે 2019 અને 2023ની વચ્ચે ભારતની આ સમૃદ્ધ વસ્તીની સંખ્યામાં વાર્ષિક 12.6 ટકાના દરે વધારો થયો છે, જે અન્ય તમામ આવક જૂથોની વૃદ્ધિ કરતા ઓછો હતો. કામકાજની વયની વસ્તી વાર્ષિક 1.4 ટકાના દરે વધી રહી છે.
ભારતીયો પાસે 25 હજાર ટન સોનું
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,વિશ્વમાં જેટલુ સોનું છે તેમાંથી ભારતીય પરિવારો 10 ટકા સોનું છે, એટલે કે ભારત પાસે લગભગ 25 હજાર ટન સોનું છે. 2019 અને 2023 ની વચ્ચે તેનું મૂલ્ય 91 લાખ કરોડ રૂપિયાથી વધીને 149 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. 'સમૃદ્ધ ભારત'ની સંપત્તિ વધારવામાં તેનો મોટો ફાળો હતો.
ભારતમાં દર વર્ષે ચાર કરોડ લોકો હવાઈ મુસાફરી કરે છે
વર્ષ 2023 સુધીના આંકડાઓ ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર વર્ષે લગભગ 4 કરોડ લોકો હવાઈ મુસાફરી કરે છે અને 2 કરોડ 60 લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ છે. ઑનલાઇન ફૂડ ઓર્ડર કરનારા મંથલી યુઝર્સ ત્રણ કરોડ છે અને દેશમાં ત્રણ કરોડ બ્રોડબેન્ડ કનેક્શન છે.