રશિયા-યુક્રેન સંઘર્ષ ઘેરો બનતા ક્રુડના ભાવમાં મજબૂતાઈ જળવાઈ રહી
- વિશ્વ બજાર પાછળ સોના ચાંદીમાં નરમાઈ જોવા મળી
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને કારણે મુંબઈ સોનાચાંદી બજાર આજે સત્તાવાર બંધ રહ્યું હતું પરંતુ વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં પીછેહઠને પગલે અહીં બંધબજારે ખાનગીમાં ભાવ દિવસ દરમિયાન નરમ બોલાતા હતા. મોડી સાંજે વિશ્વ બજાર ફરી ઊંચકાતા સ્થાનિકમાં ખાનગીમાં સાધારણ ઊંચા મુકાતા હતા.ડોલરમાં મક્કમતાને કારણે વૈશ્વિક કિંમતી ધાતુમાં ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.રશિયા-યુક્રેન સંઘર્ષ ઘેરુ બનતા ક્રુડ તેલના ભાવમાં મજબૂતાઈ રહી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને કારણે મુંબઈ ઝવેરી બજાર સત્તાવાર બંધ રહ્યું હતું. પરંતુ વિશ્વ બજાર પાછળ ખાનગીમાં દિવસ દરમિયાન ભાવ નરમ બોલાતા હતા. ૯૯.૯૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ દિવસ દરમિયાન રૃપિયા ૭૫૫૪૦ રહ્યા બાદ મોડી સાંજે ૭૫૭૫૦ મુકાતા હતા. જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ દીઠ રૃપિયા ૭૫૪૫૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૃપિયા ૯૦૫૪૫ રહ્યા બાદ મોડી સાંજે રૃપિયા ૯૦૬૫૦ બોલાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં નરમાઈ જોવા મળી હતી. સોનું ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૃપિયા ૭૮૨૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૃપિયા ૭૮૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૃપિયા ૯૧૫૦૦ કવોટ થતા હતા.
વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૨૬૩૦ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૧ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૯૬૪ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૦૩૦ ડોલર બોલાતુ હતું. ડોલર ઈન્ડેકસ ૧૦૬.૬૦ના સ્તરે મજબૂત બનતા સોનામાં પીછેહઠ જોવા મળી છે.
અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક ૪૭.૫૦ લાખ બેરલ વધીને આવવા છતાં ક્રુડ તેલના ભાવમાં મક્કમતા રહી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ ગમે ત્યારે ગંભીર સ્વરૃપ ધારણ કરશે તેવી ગણતરીએ ક્રુડ તેલના ભાવમાં મજબુતાઈ જોવા મળી રહી છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૯.૯૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૭૩.૭૫ ડોલર મુકાતુ હતું. રશિયા-યુક્રેન તંગદિલીને કારણે પણ ભાવમાં મજબૂતાઈ જોવા મળી છે.