લિક્વિડિટીમાં વધારો કરવા CRRમાં ઘટાડો
- ફુગાવાના જોખમ વચ્ચે ૬.૫૦ ટકા રેપો રેટ યથાવત : સીઆરઆરમાં અડધા ટકાના ઘટાડાને કારણે બેન્કોના કેશફલોમાં રૂ. ૧.૧૬ લાખ કરોડનો વધારો થશે
- વર્તમાન નાણાં વર્ષના જીડીપી અંદાજમાં રિઝર્વ બેન્કે નોંધપાત્ર ઘટાડો કરી ૬.૬૦ ટકા કર્યો : વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષ માટે ફુગાવાના અંદાજને પણ ૪.૫૦ ટકા પરથી વધારી ૪.૮૦ ટકા કરાયો
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ત્રણ દિવસની બેઠકના અંતે આજે ૬.૫૦ ટકા રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે બેન્કિંગ વ્યવસ્થામાં કેશફલો વધારી અર્થતંત્રને ટેકો પૂરો પાડવાના હેતુ સાથે કેશ રિઝર્વ રેશિઓ (સીઆરઆર) અડધો ટકો ઘટાડી ૪ ટકા કરાયો છે. આર્થિક વિકાસ દર ઘટવા છતાં ફુગાવાના જોખમને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ સતત ૧૧મી બેઠકમાં રેપો રેટ જાળવી રાખ્યો હતો. રિઝર્વ બેંકે આર્થિક વિકાસ દરના અંદાજને પણ ઘટાડીને ૬.૬૦ ટકા કર્યો છે.
સીઆરઆર ઘટાડાતા બેન્કિંગ વ્યવસ્થામાં અંદાજે રૂપિયા ૧.૧૬ લાખ કરોડનો કેશ ફલો વધશે જેને કારણે અર્થતંત્રમાં લિક્વિડિટીમાં વધારો થશે અને ધિરાણ દર નિયંત્રણમાં રાખવામાં બેન્કોને મદદ મળશે. કેશ ફલો વધવા સાથે બોરોઅરોને આકર્ષવા બેન્કો વચ્ચે ધિરાણ દર મુદ્દે સ્પર્ધા થઈ શકે છે, તેનો લાભ કદાચ બોરોઅરોને મળી શકે છે.
વર્તમાન નાણાં વર્ષ માટે આર્થિક વિકાસ દરનો અંદાજ જે અગાઉ ૭.૨૦ ટકા મુકાયો હતો તેમાં રિઝર્વ બેન્કે જોરદાર ઘટાડો કરી હવે ૬.૬૦ ટકા કર્યો છે. નાણાં નીતિ માટે સ્ટાન્સ ન્યુટ્રલ જાળવી રખાયું છે જે આગળ જતાં રેપો રેટમાં ઘટાડો કરવાનો રિઝર્વ બેન્કને વિકલ્પ પૂરો પાડે છે.
૪ ડિસેમ્બરથી અહી શરૂ થયેલી એમપીસીની ત્રણ દિવસની બેઠકના અંતે એમપીસીના છ સભ્યોમાંથી ચાર સભ્યોએ રેપો રેટ જાળવી રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે અન્ય બે સભ્યોએ વ્યાજ દરમાં પા ટકા ઘટાડો કરવાની તરફેણ કરી હતી.
વર્તમાન વર્ષના ઓકટોબરમાં ફુગાવો અપેક્ષા કરતા વધુ રહી ૬.૨૧ ટકા સાથે ૧૪ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો જેને કારણે રેપો રેટ જાળવી રાખવાનું યોગ્ય અને જરૂરી બની ગયાનું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. ફુગાવો ચાર ટકાના ટાર્ગેટ કરતા હજુ ઘણો ઊંચો છે, અને તેને કાબૂમાં લાવવાના અમારા પ્રયાસો છે.
વર્તમાન સંપૂર્ણ નાણાં વર્ષ માટે ફુગાવાના અંદાજને પણ ૪.૫૦ ટકા પરથી વધારી ૪.૮૦ ટકા કરાયો છે.
વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બરમાં દેશનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા નીચો રહી ૫.૪૦ ટકા આવતા અને ઊંચા ફુગાવા તથા રૂપિયા પર દબાણને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક પાસે હાલમાં વ્યાજ દર જાળવી રાખવા સિવાય વિકલ્પ રહ્યો નથી. ફુગાવામાં ઘટાડો થાય તેની રાહ જોવી રહી, એમ દાસે જણાવ્યું હતું.
ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં પણ ખાધાખોરાકીના ફુગાવાનું દબાણ ચાલુ રહ્યું છે. શાકભાજીના ભાવમાં મોસમી કરેકશન તથા ખરીફ અને રવી પાકના પૂરવઠા બાદ જ ચોથા ત્રિમાસિકથી આ દબાણ ઘટવાનું ચાલુ થશે તેવી ગવર્નરે અપેક્ષા વ્યકત કરી હતી.
બેન્કોએ પોતાની થાપણોની ચોક્કસ ટકાવારી જે રિઝર્વ બેન્ક પાસે જાળવી રાખવાની રહે છે તે ટકાવારી એટલે કે સીઆરઆર ૪.૫૦ ટકા પરથી ઘટાડી ૪.૦૦ ટકા કરાયો છે. આ ઘટાડો ૧૪ ડિસેમ્બર અને ૨૮ ડિસેમ્બર એમ બે તબક્કામાં અમલી બનશે.
સીઆરઆરમાં ઘટાડાને કારણે બેન્કોના કેશફલોમાં રૂપિયા ૧.૧૬ લાખ કરોડનો વધારો થવાની દાસે ધારણાં મૂકી હતી. કેશફલો વધતા બેન્કોએ થાપણો મેળવવા ઊંચા દર ચૂકવવા નહીં પડે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામન તથા વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે બોરોઈંગ ખર્ચ નીચે લાવવા કરેલા અનુરોધને શક્તિકાંત દાસે ધ્યાનમાં લીધો નહતો. રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે દાસની મુદત ૧૦ ડિસેમ્બરના સમાપ્ત થઈ રહી છે. પોતાની મુદત લંબાવાશે કે કેમ તે અંગે દાસને પત્રકાર દ્વારા પુછાયેલા પ્રશ્નનો તેમણે સ્પષ્ટ ઉત્તર આપવાનું ટાળ્યું હતું.
રિઝર્વ બેંકની પોલિસીના મુખ્ય મુદ્દા
* સતત ૧૧મી બેઠકમાં એમપીસીએ રેપો રેટ ૬.૫૦ ટકા જાળવી રાખ્યો
* સીઆરઆર ૪.૫૦ ટકા પરથી ઘટાડી ૪ ટકા કરાતા બેન્કિંગ વ્યવસ્થામાં રૂપિયા ૧.૧૬ લાખ કરોડનો કેશ ફલો વધશે
* વર્તમાન નાણાં વર્ષ માટે જીડીપી અંદાજ ૭.૨૦ ટકા પરથી ઘટાડી ૬.૬૦ ટકા કરાયો
* વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવાની ધારણાંને ૪.૫૦ ટકા પરથી વધારી ૪.૮૦ ટકા કરાઈ
* એફસીએનઆર (બી) થાપણ પર વ્યાજ દરની મર્યાદામાં વધારો