વર્તમાન નાણાં વર્ષમાં બેન્કોમાં ધિરાણ વૃદ્ધિ 15 ટકાથી વધુ રહેવાની ધારણાં
- ચોમાસુ સામાન્ય રહેવાના વરતારાથી કૃષિ ધિરાણ માગ લગભગ સ્થિર રહેવા અપેક્ષા
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં બેન્કોમાં ધિરાણ વૃદ્ધિ ૧૫.૪૦ ટકા રહેવાની ધારણાં મૂકવામાં આવી છે. ગયા વર્ષના નવેમ્બરમાં રિઝર્વ બેન્કે અનસિકયોર્ડ લોન્સ તથા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસીસ)ને પૂરી પડાતી લોન્સ પેટેના રિસ્ક વેઈટેજમાં વધારો કર્યા બાદ અનસિકયોર્ડ તથા એનબીએફસીસને પૂરી પડાતી લોન્સમાં વૃદ્ધિ છેલ્લા કેટલાક મહિનામાં મંદ પડી છે.
વર્તમાન વર્ષમાં ચોમાસુ સામાન્ય રહેવાની ધારણાંને ધ્યાનમાં રાખતા કૃષિ ક્ષેત્ર તરફથી ધિરાણ માગ લગભગ સ્થિર રહેશે જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા મૂડીખર્ચમાં વધારો ધિરાણ માગમાં વૃદ્ધિ કરાવશે એમ એક રેટિંગ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું છે.
મેના અંતે નોન-ફૂડ બેન્ક ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૬.૨૦ ટકા વધારો થઈને રૂપિયા ૧૬૨.૩૦ લાખ કરોડ રહી છે.
ઉદ્યોગ સેગમેન્ટને ધિરાણ વૃદ્ધિ જે ૨૦૨૨ના ઓકટોબરમાં ૧૬.૪૦ ટકા જેટલી ઊંચી જોવા મળી હતી તે જુલાઈ ૨૦૨૩માં મંદ પડી ૫.૨૦ ટકા રહી હતી, પરંતુ વર્તમાન વર્ષના મેમાં તે ફરી વધી ૮.૯૦ ટકા જોવા મળી છે. મોટા ઉદ્યોગો દ્વારા ધિરાણ માગમાં વધારો જોવા મળી રહ્યો છે. મેના અંતે ઉદ્યોગોને બેન્ક ધિરાણનો આંક રૂપિયા ૩૬.૮૭ લાખ કરોડ રહ્યો હતો.
માઈક્રો તથા મીડિયન ઉદ્યોગોની ધિરાણ માગ હજુ પણ નોંધપાત્ર ઊંચી રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
દેશની શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોનું ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)નું પ્રમાણ નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના અંતે ઘટી ૨.૮૦ ટકા સાથે અનેક વર્ષોેની નીચી સપાટીએ રહ્યું છે જ્યારે નેટ એનપીએનું પ્રમાણ ૦.૬૦ ટકા પર આવી ગયું હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવાયું હતું. એનપીએના નીચા પ્રમાણ બેન્કો માટે ધિરાણ વધારવા સાનુકૂળ સ્થિતિ બનાવે છે.