MSME સેક્ટરમાં 25 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેપ
- દેશના 6 કરોડ MSMEમાંથી માત્ર 1000 IPO દ્વારા મૂડી ઉભી કરી શક્યા : લાંબાગાળાના મૂડી એકત્રીકરણ પર ફોકસ જરૂરી
અમદાવાદ : ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) દેશના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ આધાર બની રહ્યાં છે છતાં મૂડીની પહોંચ તેમના માટે હજી પણ એક મોટો પડકાર છે. વ્યાજ બોજ વિનાનું ફંડ એકત્ર કરવું હજી પણ ભારતના એમએસએમઈ સેક્ટર માટે પહોંચ બહારની વાત છે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું દેશની જીડીપીમાં ૩૦ ટકા યોગદાન, ૧૧ કરોડથી વધુ લોકોને રોજગાર અને નિકાસમાં પણ ૪૦ ટકા હિસ્સો
મજબૂત બ્રાન્ડિંગ, નાણાકીય શિસ્ત અને વ્યૂહાત્મક માર્કેટિંગ કામગીરીને વધારવા અને રોકાણકારોને આકર્ષવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે ક્રેડિટ ગેપ કારોબાર માટે પડકારરૂપ બને છે અને વિસ્તરણને અવરોધે છે આથી અનેક એકમો આઈપીઓ તરફ આગળ વચવા ઈચ્છે છે પરંતુ અનેક કારણોસર પ્રાઈમરી માર્કેટ સુધી હાથ લાંબો કરી શકતા નથી.
નફાકારક અને સ્કેલેબલ બિઝનેસ મોડેલ ધરાવતા એમએસએમઈ આઈપીઓ બહાર પાડીને વ્યાજના બોજ વિના તેમના કારોબારના વિકાસ માટે મૂડી એકત્ર કરી શકે છે. એમએસએમઈ દ્વારા ઉભી થતી મૂડી માત્ર ધંધા માટે જ નહિ પરંતુ દેવાની ઝડપી પરત ચૂકવણીમાં પણ મદદરૂપ થઈ શકે છે.
સૌથી મહત્વનું છે કે એમએસએમઈ આઈપીઓ દ્વારા એક વિશાળ બજારમાં ઉતરી શકે છે. કામની સાથે નામ અને અન્ય પેરામીટર પર પણ પોતાનું આંકલન કરી શકે છે. પ્રમોટરો આઈપીઓ થકી સાહસમાં પોતાની માલિકી જાળવી રાખી શકે છે, કોર્પોરેટ ગવર્નન્સમાં પણ સુધારો કરી શકે છે અને ઈસોપ દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન આપી શકે છે. ભારતમાં લગભગ ૬ કરોડ એમએસએમઈ રજિસ્ટર્ડ છે, જેમાંથી માત્ર ૧૦૦૦ એમએસએમઈએ જ આઈપીઓ દ્વારા મૂડી એકઠી કરી છે. વધુને વધુ એમએસએમઈ વ્યવસાય વિસ્તરણ, દેવા ઘટાડવા અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે લાંબા ગાળાની મૂડી એકત્ર કરવાના વિકલ્પ તરીકે એમએસએમઈને ધ્યાનમાં લઈ શકે છે તેમ વિવેક ચેચાનીએ જણાવ્યું હતુ.
૨૦૨૪ના ડેટા પર નજર કરીએ તો ભારતીય આઈપીઓ માર્કેટમાં લેન્ડસ્કેપમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી હતી. ૩૦૦થી વધુ કંપનીઓ મેઈનબોર્ડ અને એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ સામૂહિક રીતે રૂ. ૧.૬ લાખ કરોડથી વધુની રકમ એકત્ર કરી છે.
MSME સેક્ટર ભારતની Heart-Beat
એમએસએમઈ સેક્ટર ભારતના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. દેશના જીડીપીમાં આશરે ૩૦ ટકા યોગદાન આપે છે અને નિકાસમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. ૧૧ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. ભારતના ૨૦૪૭ સુધીમાં ૪૦ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનવાના લક્ષ્યાંકમાં એમએસએમઈ સેક્ટર સિંહફાળો આપી શકે છે.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર, મુંબઈના ચેરમેન અને ઓલ ઈન્ડિયા એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઝના વડાએ એક કાર્યક્રમમાં કહ્યું છે કે ભારતે આ ટાર્ગેટ હાંસલ કરવા માટે તબક્કાવાર એમએસએમઈ ક્ષેત્રના ક્રેડિટ ગેપને દૂર કરવો પડશે. એક અંદાજ અનુસાર એમએસએમઈ સેક્ટર હાલ રૂ. ૨૫ લાખ કરોડના ક્રેડિટ ગેપનો સામનો કરી રહ્યું છે. બજાર નિષ્ણાંતોના મતે એમએસએમઈને જોખમી મૂડી કરતા પબ્લિક પાસેથી આઈપીઓ સહિતના વ્યાજમુક્ત માધ્યમો થકીની લાંબાગાળાની કેપિટલની જરૂર છે.