રિટેલ મોંઘવારી દર માસિક ધોરણે ઘટી 5.48 ટકા નોંધાયો, શાકભાજી-ફળોના ભાવમાં નજીવા ઘટાડાની અસર
CPI Inflation November: ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો નોંધાતા ભારતનો રિટેલ ફુગાવો નવેમ્બરમાં માસિક ધોરણે ઘટી 5.48 ટકા નોંધાયો છે. જે ઑક્ટોબરમાં 6.2 ટકા સાથે 14 માસની ટોચે પહોંચ્યો હતો. શાકભાજી-ફળોના ભાવોમાં ઘટાડાના કારણે નવેમ્બરમાં મોંઘવારીમાં રાહત મળી હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે. ખાદ્ય ચીજો પર મોંઘવારી દર ઑક્ટોબરમાં 10.9 ટકા સામે ઘટી નવેમ્બરમાં 9 ટકા થયો છે. ઉલ્લેખનીય છે, રિટેલ બજારમાં ખાદ્ય ચીજોના ભાવમાં કોઈ ખાસ મોટો ઘટાડો નોંધાયો નથી.
વાર્ષિક ધોરણે ફુગાવો સ્થિર
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સત્તાવાર આંકડાઓ અનુસાર, દેશનો રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે સ્થિર રહ્યો છે. ગતવર્ષે નવેમ્બર, 2023માં રિટેલ ફુગાવો 5.55 ટકા નોંધાયો હતો. સતત ત્રીજા માસે રિટેલ ફુગાવાનો દર 5 ટકાથી વધુ નોંધાયો છે. ફુગાવાના ઊંચા દરે મોનેટરી પોલિસીમાં અગિયારમી વખત વ્યાજના દરોને યથાવત્ રાખ્યા હતા. અર્થશાસ્ત્રીઓના મતે, જાન્યુઆરીથી મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી શકે છે. જેથી ફેબ્રુઆરીમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દર 25 બીપીએસ ઘટવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ પ્રાઈવેટ સેક્ટરમાં જોરદાર નફો છતાં કર્મચારીઓનો પગાર કેમ નથી વધતો? સરકાર પણ ચિંતિત
ખાદ્ય ચીજોના ભાવ માસિક ધોરણે ઘટ્યા
ખાદ્ય ચીજોમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બરમાં 9.04 ટકા નોંધાયો છે. જે ઑક્ટોબરમાં 10.87 ટકા હતો. જો કે, વાર્ષિક ધોરણે ખાદ્ય ચીજોનો ફુગાવો હજી પણ વધુ છે. નવેમ્બર, 2023માં તે 8.70 ટકા હતો. એનએસઓમાં જણાવ્યા પ્રમાણે, શાકભાજી, કઠોળ-અનાજ, સુગર, ફળો, દૂધ અને દૂધની બનાવટો, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન્સ, મસાલાઓ અને પર્સનલ કેર સહિતની ચીજોના ભાવમાં નોંધનીય ઘટાડો થતાં નવેમ્બર,2024માં રિટેલ ફુગાવો ઘટ્યો છે.