તહેવારો ટાણે ગૃહિણીઓનું બગડશે બજેટ, કપાસિયા તેલના ભાવમાં ઉછાળો આવવાના એંધાણ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
cottonseed Oil Price Hike

Image: IANS


Cotton Seed Oil Price Hike:  કપાસના પાકમાં અવ્વલ એવા ગુજરાતમાં વાવેતરની સિઝન દરમિયાન પાક વધવાની અપેક્ષાઓ વધી છે. પરંતુ સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2024માં કપાસનું વાવેતર 19 જુલાઈ સુધી 102.05 લાખ હેક્ટરમાં નોંધાયું છે. જે ગત નાણાકીય વર્ષના 105.66 લાખ હેક્ટરની તુલનાએ 3.61 ટકા ઘટાડો દર્શાવે છે. બીજી બાજુ તહેવારની સિઝનમાં માગ વધવાના આશાવાદ સાથે કપાસિયા તેલનો ભાવ લિટર દીઠ રૂ. 5થી 6 વધવાનો સંકેત છે.

ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા કપાસના બજારે છેલ્લા કેટલાક મહિનામાં સ્થિરતાનો અનુભવ કર્યો છે અને આ ટ્રેન્ડ આગામી 3-4 મહિના સુધી જળવાઈ રહે તેવી સંભાવના છે. વિપુલ પ્રમાણમાં પુરવઠાથી ગ્રાહકોને ફાયદો થયો છે જેનાથી આવશ્યક ચીજવસ્તુના ભાવ સ્થિર રહ્યા છે. જો કે, માંગમાં વધારાને કારણે તહેવારોની સિઝન દરમિયાન ભાવમાં લિટર દીઠ રૂ. 5-6નો વધારો થવાની ધારણા ઇન્ડિયન વેજીટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ ઍસોસિયેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવી છે.

ઉદ્યોગના સહભાગીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષની વાવણીની પદ્ધતિ આવતા વર્ષના કપાસની ઉપજને અસર કરી શકે છે. ખાદ્યતેલ ઉત્પાદક પ્રિયમ પટેલે જણાવ્યું હતું કે, “મગફળી, અન્ય અનાજ અને મિલેટ્સ તરફ વાવણીની પસંદગીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. પંજાબ જેવા પ્રદેશોમાં પિંક બોલવોર્મથી અપેક્ષિત નુકસાનને કારણે ખેડૂતો કપાસની વાવણી કરતાં અચકાતા હોય છે. આ પરિવર્તન આવતા વર્ષે કપાસિયા તેલના પુરવઠા અને માંગમાં બજારમાં અસ્થિરતાનું કારણ બની શકે છે.”

રાઈસબ્રાન ઓઇલને પ્રોત્સાહન

સરકારી અને ખાનગી બન્ને પ્રકારની કંપનીઓ સક્રિયપણે રાઇસબ્રાન ઓઇલ જેવા વૈકલ્પિક ઓઇલને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમાં અન્ય પાકોની સરખામણીમાં પુરવઠાની સમસ્યાઓ ઓછી હોય છે. લઘુત્તમ ટેકાના ભાવ અને અસરકારક માર્કેટિંગના પગલે રાઇસબ્રાન ઓઇલની માંગ વધી રહી છે. તેના સ્વાસ્થ્યને લગતા લાભ અને સ્પર્ધાત્મક કિંમત જેવા પરિબળોના લીધે ગ્રાહકોમાં જાગૃતિ અને પસંદગી વધી રહી છે.

જેમ જેમ ખાદ્ય તેલ ક્ષેત્રે સ્થિરતા આવી રહી છે તેમ તેમ, સ્ટેકહોલ્ડર્સ બજારના વલણો અને ગ્રાહકના વર્તન પ્રત્યે સતર્ક રહે છે. વૈકલ્પિક તેલમાં વૈવિધ્યીકરણ લાવવા અને પ્રોત્સાહન આપવાના પ્રયાસોથી અગાઉ જોવાયેલી અસ્થિરતા થોડી હળવી થાય તેવી સંભાવના છે જે ઉદ્યોગ માટે વધુ સંતુલિત સંભાવનાઓ પૂરી પાડે છે.  તહેવારો ટાણે ગૃહિણીઓનું બગડશે બજેટ, કપાસિયા તેલના ભાવમાં ઉછાળો આવવાના એંધાણ 2 - image


Google NewsGoogle News