પગાર કરતા પેન્શન વધુ કેવી રીતે હોઈ શકે? માધબી પુરી બુચ અને ICICIને કોંગ્રેસના ફરી આકરા સવાલ
SEBI Chairperson Madhabi Buch News : કોંગ્રેસે ફરી સેબીના અધ્યક્ષા માધબી પૂરી બુચ પર આકરા પ્રહારો કરી આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank)માંથી નિવૃત્તિ થયા બાદ બુચને આપેલા નાણાં પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ (Congress)ના નેતા પવન ખેડાએ આજે બેંકના દાવાઓનો ઉલ્લેખ કરી સેબીના અધ્યક્ષા પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ‘જ્યારે માધબી બુચ બેંકમાં હતા ત્યારે તેમના નિવૃત્તિના લાભો તેમના પગાર કરતાં વધુ કેવી રીતે હોઈ શકે? હવે અમારી માંગ છે કે, સેબીએ આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ અને અમારા આક્ષેપોનો જવાબ આપવો જોઈએ. સેબીના અધ્યક્ષા પર આરોપોના કારણે અનેક રોકાણકારોનો ભરોસો ડગમગી ગયો છે, તેથી આ મુદ્દે સેબીએ સામે આવીને સ્પષ્ટતા આપવી જોઈએ.
કોંગ્રેસે ICICI બેંકના દાવા પર ઉઠાવ્યા સવાલ
અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકે દાવો કર્યો હતો કે, સેબીના અધ્યક્ષા માધબી બુચને તેમની નિવૃત્તિ પછી કોઈ પગાર અથવા ESOP ચુકવયા નથી, ત્યારે કોંગ્રેસે બેંકના આ દાવા પર સવાલ ઉઠાવી કહ્યું કે, ‘જો તેમને આપવામાં આવેલી રકમ ‘નિવૃત્તિ લાભ’ હતી, તો તે તેમના પગાર કરતાં વધુ કેવી રીતે હોઈ શકે?’
માધબી બુચે બે બાજુથી નાણાં લાભ મેળવ્યો
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ‘માધબી બુચે વર્ષ 2017માં પદભાર સંભાળ્યા બાદ માત્ર સેબીથી જ નહીં આઈસીઆઈસીઆઈ બેંકમાંથી પણ લાભ મેળવી રહ્યા છે. ખેડાએ કહ્યું કે, બેંકના દાવા મુજબ બુચને ચૂકવવામાં આવેલી રકમ તેમણે બેંકમાં કામ કરતી વખતે મેળવી હતી અને આ રકમ ‘નિવૃત્તિ લાભ’ છે. તો પછી તેમને મળતા પગારમાં અને સેવાનિવૃત્તિના લાભમાં અસમાનતા કેમ છે?
આ પણ વાંચો : પીપીએફ ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, પહેલી ઓક્ટોબરથી લાગુ થશે આ ત્રણ મોટા ફેરફાર
‘બુચને સેવા નિવૃત્તિનો લાભ ફરી મળવાનો કેવી રીતે શરૂ થયો’
પવન ખેડાએ AICC હેડક્વાર્ટર ખાતે એક પત્રકાર પરિષદ દરમિયાન બુચ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ‘જો અમે એવું માની લઈએ કે, 2014-2015માં (તેમની નિવૃત્તિ પછી તરત જ) બેંક તરફથી માધબી બુચને મળેલા 5.03 કરોડ રૂપિયા તેમના નિવૃત્તિ લાભનો ભાગ હતો અને તેમને 2015-2016માં કંઈ મળ્યું નહોતું, તો પછી આ કહેવાતો સેવાનિવૃત્તિનો લાભ 2016-17માં ફરી કેવી રીતે શરૂ થયો અને 2021 સુધી કેવી રીતે ચાલુ છે?
કોંગ્રેસે સોમવારે પણ બુચ વિરુદ્ધની કેટલીક વિગતો જાહેર કરી હતી
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ આ પહેલા સોમવારે પણ પત્રકાર પરિષદ દરમિયાન માધબી બુચ સાથે જોડાયેલું કૌભાંડ બહાર પાડ્યું હતું, જેમાં પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, નિયમની વિરુદ્ધ અને કાયદામાં જોગવાઈ નહી હોવા છતાં માધબી પૂરી બુચે સરકારી પગારની આવક કરતા પાંચ ગણી એટલે કે કુલ રૂ.16.80 કરોડની જંગી રકમ (જેમાં પગાર, અન્ય આવક)નો લાભ પોતાની પૂર્વ નોકરીમાંથી મેળવવો ચાલુ રાખ્યો છે એવી વિગતો સોમવારે જાહેર થઇ છે. હિન્ડેનબર્ગના અહેવાલ પછી સેબી અધ્યક્ષની નિયત, તેમની નિશ્પક્ષતા સામે આ બીજો સીધો આક્ષેપ કરતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે બુચને સરકારમાંથી કોણ આટલી હદે રક્ષણ આપી રહ્યું છે, તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.
આ પણ વાંચો : કેમ વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદી વધારી? જાણો કારણ
‘લાભ બુચે લીધો ને ટેક્સ બેંકે ભર્યો’
શેરબજાર અને મૂડીબજારના નિયમનકાર અધ્યક્ષ બન્યા પહેલા બુચ સેબીના પૂર્ણ કાલીન સભ્ય (હોલ ટાઈમ મેમ્બર) હતા. 2017થી 2021ના આ સમયગાળામાં તેમણે પોતે જ્યાં નોકરી કરતા હતા એ પૂર્વ સંસ્થા આઈસીઆઈસીઆઈ બેંક અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શીયલમાંથી પગાર મેળવવાનો ચાલુ રાખ્યો હતો, એટલું જ નહી તેમણે પૂર્ણ કર્મચારીને મળે એ ઇસોપનો લાભ લીધો હતો જેના ઉપરનો ટેક્સ બેન્કે ભર્યો હતો એવો ઘટસ્ફોટ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે કહ્યું હતું કે, સેબીના ચેરપરસન બુચે પૂર્ણ કક્ષાના સભ્ય હતા ત્યારે આઈસીઆઈઆઈ બેંક પાસેથી રૂ.12.63 કરોડ (12,63,47,239) નો પગાર મેળવ્યો હતો. બીજું, 2017થી 2024 દરમિયાન માધબી પૂરી બુચે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શીયલ પાસેથી પણ રૂ.22.41 લાખ (22,41,169) ની આવક મેળવી છે અને ત્રીજું કે તેમણે આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારી હોય તે રીતે ઈસોપ પેટે રૂ.2.84 કરોડ (2,84,12,918)નો લાભ મેળવ્યો હતો. એટલું જ નહી, આ ઇસોપ પેટે ભરવાપાત્ર ટીડીએસ (ટેસ્ક ડીડકટેડ એટ સોર્સ) રૂ. 1.10 કરોડ (1,10,0,817) પણ બેન્કે જ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતા. આમ કુલ, રૂ.16.80 કરોડના લાભ નિયમ વિરુદ્ધ, કાયદાની જોગવાઈથી વિપરીત તેમણે મેળવ્યા છે. માધબી પૂરી બુચને સેબીમાં નોકરીના કાર્યકાળ દરમિયાન કુલ રૂ.3.30 કરોડની પગાર અને અન્ય ફીની આવક થઇ છે તેની સામે આઈસીઆઈસીઆઈ બેન્કે આપેલે લાભનું પ્રમાણ પાંચ ગણા કરતા પણ વધારે છે અને તે અંગે તપાસ થવી જોઈએ એવીમાંગ કોંગ્રેસે કરી હતી.
એક પખવાડિયા પહેલા હિન્ડેનબર્ગે કર્યો હતો ધડાકો
લગભગ એક પખવાડિયા પહેલા હિન્ડેનબર્ગે ધડાકો કર્યો હતો કે સેબી અધ્યક્ષ બુચ અદાણી જૂથની કંપનીઓમાં હવાલા અને નાણાકીય ગેરરીતિ માટે ઉપયોગમાં લેવાથી શેલ કંપનીઓ અને ફંડમાં રોકાણકાર હોવા છતાં તેમણે અદાણી સામેની જાન્યુઆરી 2023ની ફરિયાદોની તપાસમાં ભાગ લીધો હતો અને તેમનું હિત જોડાયેલું હોવાથી અદાણીને ક્લિનચીટ આપવામાં આવી છે. આ આક્ષેપનો જવાબ આપતા બુચે સ્વીકાર્યું હતું કે પોતે અને તેમના પતિ આ ફંડમાં રોકાણકાર હતા પણ આ આક્ષેપો ભારત અને સેબીના ચરિત્રહનન સમાન છે. આ મામલે સેબી જેમની નીચે આવે છે તે નાણા મંત્રાલયે હજી સુધી મૌન ધારણ કરેલું છે. સરકારે તેનો કોઈ જવાબ આપ્યો નથી પણ ભાજપે હિન્ડેનબર્ગ ભારત વિરોધી હોવાનું અભિયાન ચલાવ્યું હતું.