ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ આટલી ઓછી બેઠકો પર લોકસભા લડશે, છતાં 2004ના પુનરાવર્તનની આશા
Image : IANS |
Lok Sabha Elections 2024: સતત બે ટર્મથી હારનો સામનો કરનારી કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024માં જીત હાંસલ કરવા માટે સૌથી ઓછા ઉમેદવારો ઉતારવા જઈ રહી છે. ઈતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસ તરફથી આશરે 330 બેઠકો પર ઉમેદવારો ઉભા થશે. આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે, આ અમારી નબળાઈ નથી, પરંતુ રણનીતિ છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે 20 વર્ષ જૂના 2004ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે, ત્યારે પણ અમે ગઠબંધનમાં ચૂંટણીના રણમેદાનામાં ઉતર્યા હતા. અને તે સમયે પણ ઈતિહાસમાં સૌથી ઓછી બેઠકો પરથી લડી રહ્યા હતા. ત્યારે પણ અમે અમારા સાથીઓ માટે બેઠકો છોડી હતી અને પરિણામો આવ્યા ત્યારે સરકાર બદલાઈ ગઈ.
ઈતિહાસમાં સૌથી ઓછા ઉમેદવારો સાથે લડશે કોંગ્રેસ
કોંગ્રેસે 2004માં 417 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખી જીત હાંસલ કરી હતી. પરંતુ તેની તુલનાએ 2024નો આંકડો ઘણો ઓછો છે. 2009માં 440 બેઠકો, અને 2014માં 464 બેઠકો પરથી ઉમેદવારોએ નોમિનેશન નોંધાવ્યું હતું. જો કે, બાદમાં 2019માં 421 બેઠકો પરથી લડી હતી.
આ કારણોસર બેઠકો ઘટાડી
જયરામ રમેશે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, અમે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને બંગાળ જેવા મોટા રાજ્યોમાં પોતાના સાથીદારો સાથે બેઠકો માટે સમાધાન કરી રહ્યા છીએ. તમે મારા શબ્દો યાદ રાખજો, 2024માં પણ 2004 જેવી સ્થિતિ સર્જાશે. અમે જાણીજોઈને બેઠકો ઘટાડી છે. અમે એક અસરકારક ગઠબંધન તૈયાર કરવા માગીએ છીએ. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને INDIA ગઠબંધનને સ્પષ્ટ બહુમતિ મળશે. ચૂંટણી બાદ કોઈપણ પક્ષ કે એનડીએના હારનારા સાથીદારોની જરૂર પડશે નહિં.
કોંગ્રેસે સ્વીકાર્યુઃ મોટા રાજ્યોમાં વર્ચસ્વ ઘટ્યું
2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસને મોટો ઝાટકો વાગ્યો હોવાનું કોંગ્રેસે સ્વીકાર્યું છે. ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર જેવા મોટા રાજ્યોમાં તેનું વર્ચસ્વ ઘટ્યુ છે. આ સ્થિતિમાં અમે મજબૂત ક્ષેત્રીય સહયોગ દ્વારા વધુ બેઠકો આપી રહ્યા છીએ. જે પક્ષો ભાજપ કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છે. આ રાજ્યોમાંથી લોકસભાની આશરે 40 ટકા બેઠકો છે.