રિલાયન્સ અને ડિઝનીના મર્જરને CCIની મંજૂરી, રૂ. 70350 કરોડમાં ડીલ થશે

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
Reliance And Disney Merger


CCI Approves Reliance And Disney Merger: કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ રિલાયન્સ અને ડિઝનીના મર્જરને મંજૂરી આપી દીધી છે. આ એન્ટરટેનમેન્ટ બિઝનેસને રૂ. 70350 કરોડમાં મર્જ કરવામાં આવશે. સીસીઆઈએ જણાવ્યું હતું કે, “કમિશને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વાયકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ, ડિજિટલ 18 મીડિયા લિમિટેડ, સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને સ્ટાર ટેલિવિઝન પ્રોડક્શન લિમિટેડના પ્રસ્તાવિત મર્જરને 28 ઓગસ્ટ, 2024ના રોજ મંજૂરી આપી છે." આ મંજુરી કેટલાક સ્વૈચ્છિક સુધારાના પાલનમાં આપવામાં આવી છે.

મર્જર અંગે સીસીઆઈએ ચિંતા દર્શાવી હતી

અગાઉ સીસીઆઈએ આ મર્જર અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે, નવુ મર્જ થયેલુ યુનિટ ભારતમાં ક્રિકેટ અને ટીવી પ્રસારણના મોટાભાગના હકોને નિયંત્રિત કરશે, જેનાથી એડવર્ટાઈઝ આપતી કંપનીઓને નુકસાન થશે. તેમજ અન્ય હરીફો વચ્ચે સ્પર્ધા વધશે.

આ પણ વાંચોઃ ભારતના ધનિકોની યાદીમાં પહેલીવાર કિંગ ખાનનો સમાવેશ, જાણો કઈ કઈ સેલેબ્રિટીને મળ્યું સ્થાન

ભારતની સૌથી મોટી એન્ટરટેનમેન્ટ કંપની

આ મર્જર સાથે, તે 120 ટીવી ચેનલો અને બે સ્ટ્રીમિંગ સેવાઓ સાથે ભારતની સૌથી મોટી એન્ટરટેનમેન્ટ કંપની બનશે. આ ડીલમાં રિલાયન્સ 63.16% હિસ્સો ધરાવશે અને વોલ્ટ ડિઝની પાસે બાકીનો 36.84% હિસ્સો રહેશે. નવી કંપનીના બોર્ડમાં 10 લોકો હશે. જેમાં રિલાયન્સ પાસે 5, ડિઝની પાસે 3 અને 2 સ્વતંત્ર ડિરેક્ટર્સ હશે. આ મર્જર આવતા વર્ષના પ્રથમ 6 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે. નીતા અંબાણી મર્જર બાદ બનેલી કંપનીના ચેરપર્સન હશે. વોલ્ટ ડિઝનીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ઉદય શંકર આ કંપનીના વાઇસ ચેરપર્સન હશે.

આ ડીલ પછી, વાયકોમ18ના મીડિયા ભાગને સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે મર્જ કરવામાં આવશે. જે કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી વ્યવસ્થા હેઠળ થશે. આ સંયુક્ત સાહસનું મૂલ્ય રૂ. 70,350 કરોડ છે જેમાં રિલાયન્સ રૂ. 11,500 કરોડનું રોકાણ કરશે.

રિલાયન્સ અને ડિઝનીના મર્જરને CCIની મંજૂરી, રૂ. 70350 કરોડમાં ડીલ થશે 2 - image


Google NewsGoogle News