Get The App

ટેરિફ વોરને કારણે સ્ટીલનું ડમ્પિંગ થશે તેવું જણાતું નહી હોવાનો દાવો

- સ્ટીલ પર સેફગાર્ડ ડયૂટી વીસ ટકા સુધી કરાશે કે કેમ તે કહેવુ મુશ્કેલ

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
ટેરિફ વોરને કારણે સ્ટીલનું ડમ્પિંગ થશે તેવું જણાતું નહી હોવાનો દાવો 1 - image


મુંબઈ : સ્ટીલ પર સેફગાર્ડ ડયૂટી વધારી વીસ ટકા કરવાનો નિર્ણય લેવાશે કે કેમ તે કહેવાનું હાલમાં મુશકેલ છે, એમ સ્ટીલ મંત્રાલયના સચિવે એક મુલાકાતમાં જણાવ્યું હતું. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં સ્ટીલ સચિવ સંદીપ પોન્ડ્રીકે જણાવ્યું હતું કે, ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ દ્વારા કરાયેલી ભલામણ હાલમાં વિચારણા હેઠળ છે અને આ સંદર્ભમાં ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસે ચોક્કસ પ્રકારના સ્ટીલ પર ૨૦૦ દિવસ સુધી પ્રારંભિક ધોરણે ૧૨ ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ગયા મહિને ભલામણ કરી હતી. 

ડયૂટીના દરમાં વધારો કરાશે તેવી અપેક્ષા રાખવાનું કોઈ કારણ નથી એમ સચિવે જણાવ્યું હતું. વિવિધ પક્ષકારોને સાંભળ્યા બાદ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસની ભલામણ આવી પડી છે. 

ચીન, દક્ષિણ કોરિઆ તથા જાપાન ખાતેથી ભારતની  ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં તાજેતરના દિવસોમાં મોટો વધારો થયો છે. ૨૦૧૮માં જ્યારે અમેરિકાએ  વેપારમાં સંરક્ષણવાદની નીતિ અપનાવી હતી ત્યારથી ભારતમાં સ્ટીલની આયાતમાં વધી ગઈ છે. 

અમેરિકા દ્વારા ફરી સંરક્ષણાત્મક નીતિ અપનાવવામાં આવી રહી છે, ત્યારે ભારતમાં સ્ટીલનું ડમ્પિંગ વધવાનું જોખમ રહેલું છે. 

અમેરિકા તથા ચીન વચ્ચેની ટેરિફ વોરને કારણે ભારતમાં સ્ટીલની આયાત વધી જશે તેવું પોતે માનતા નહીં હોવાનું સચિવે  જણાવ્યું હતું. ચીન ખાતેથી અત્યારસુધીમાં આયાતમાં ખાસ વધારો થયો નથી. જે કંઈપણ વધારો થયો છે, તે જાપાન ખાતેથી થયો છે નહીં કે ચીન ખાતેથી. 

ડમ્પિંગને ઘટાડવા સેફગાર્ડ ડયૂટી જ એક માત્ર માર્ગ નથી. ઈમ્પોર્ટ લાયસન્સ પર પણ નિયંત્રણ લાવી શકાય છે. સ્ટીલના વપરાશની દ્રષ્ટિએ ભારત જ એક એવું મોટુ અર્થતંત્ર છે જ્યાં વપરાશમાં ટકાવારીની દ્રષ્ટિએ દ્વીઅંકી વધારો થયો છે. 


Tags :