Get The App

'વિકસિત ભારત'ની કૂચમાં અડચણોની શક્યતા, ‘ચીનનો ઉદય’ સહેલો હતો પણ ભારતનો નહીં હોય

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
'વિકસિત ભારત'ની કૂચમાં અડચણોની શક્યતા, ‘ચીનનો ઉદય’ સહેલો હતો પણ ભારતનો નહીં હોય 1 - image


Economic Survey 2023-24: જીડીપી (GDP - Gross domestic product - કુલ ઘરેલું ઉત્પાદન)ની દ્રષ્ટિએ જોઈએ તો ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું ભારતનું લક્ષ્ય છે. આ માટે ભારત 'ચાઇના પ્લસ વન' વ્યૂહરચનાનો ફાયદો ઉઠાવવાની ગણતરી રાખે છે. એમ થયું તો ભારતની પ્રગતિ ‘દિન-દોગુની-રાત-ચૌગુની’ને ન્યાયે થઈ શકશે. પણ એમાં અમુક વિઘ્નો, અમુક અડચણો પણ છે. વર્ષ 2047 સુધીમાં ભારતને 'વિકસિત ભારત' બનાવી દેવાનું લક્ષ્ય પાર પાડવામાં કેવી-કેવી અડચણો છે અને એ અડચણોને કઈ રીતે પાર પાડી શકાય, એ જોઈએ.

શું કહે છે આર્થિક સર્વેક્ષણ? 

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરાયેલા ‘આર્થિક સર્વેક્ષણ 2023-24’ (Economic Survey) મુજબ તો વિકસિત દેશ બનવા તરફની ભારતની કૂચ ચીન કરતા અલગ હશે, અને તે સરળ રસ્તો નહીં હોય! 1980 અને 2015ની વચ્ચે ચીનના આર્થિક ઉદય અને હરણફાળ દરમિયાન જે વૈશ્વિક પરિસ્થિતિ હતી એના કરતાં અલગ પરિસ્થિતિ ભારત માટે હોવાનું આ સર્વેમાં કહેવાયું છે.

ભારતની પ્રગતિમાં બાધારૂપ અડચણો કઈ છે? 

• ઉત્પાદન ક્ષેત્રે આકરી સ્પર્ધા

• અમેરિકા-યુરોપ અને રશિયા-ચીન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

• માઝા મૂકી રહેલો વૈશ્વિક આતંકવાદ

• ગ્લોબલ વોર્મિંગ, જળ-વાયુ પ્રદૂષણ, અનિશ્ચિત મોસમ-પરિવર્તન જેવી પર્પાવરણીય સમસ્યાઓ

• આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે વધી રહેલી બેકારી

ચીનની આર્થિક ઉડાનમાં ચાવીરૂપ બનેલા પરિબળો

ચીનની પ્રગતિની જ્યારે શરૂઆત થયેલી એ સમયગાળો વૈશ્વિકરણ (globalization)નો હતો. અમેરિકા અને રશિયા વચ્ચેની કોલ્ડ વોર પૂરી થઈ ગયુ હતું. જેના લીધે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વિકાસશીલ અને ગરીબ દેશો પણ આર્થિક પ્રગતિ ઝંખી રહ્યા હતા. એવા સમયે ચીને સસ્તા માલનું મબલખ ઉત્પાદન કરીને દુનિયાભરમાં એની નિર્યાત કરીને આર્થિક સધ્ધરતા મેળવી. સદીઓથી બારણાં વાસીને બેઠેલા ચીને વૈશ્વિક પ્રવાહમાં ભળીને અન્ય દેશો સાથે કદમથી કદમ મેળવવા માંડ્યા એનું અમેરિકા અને યુરોપના દેશોએ પણ સ્વાગત કર્યું હતું. જળ-વાયુ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી આજે છે એવી વૈશ્વિક સમસ્યાઓ પણ ત્યારે વિકરાળ સ્વરૂપ નહોતી ધરી બેઠી. 

ચીનને મળેલી એવી સહૂલિયત ભારતને અત્યારે મળે એમ નથી, છતાં અમુક પરિબળો એવા પણ છે, જેનો ફાયદો ઉઠાવીને ભારત ધમધોકાર પ્રગતિ કરી શકે એમ છે. એમાંનું એક પરિબળ છે ‘ચાઇના પ્લસ વન’ વ્યૂહરચના.

શું છે ‘ચાઇના પ્લસ વન’ વ્યૂહરચના?

છેલ્લા 20 વર્ષોથી અમેરિકા અને યુરોપની મોટાભાગની કંપનીઓ મુખ્યત્વે ચીનમાં જ રોકાણ કરતી રહી છે. એનું મુખ્ય કારણ છે સસ્તો મજૂરીદર, જેને કારણે ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે. આર્થિક રીતે સધ્ધર થયેલું ચીન હવે પશ્ચિમી દેશો સામે પડકાર બની ગયું હોવાથી એ દેશો ચીનને બદલે બીજા દેશોમાં રોકાણની તકો શોધી રહ્યા છે. આ વ્યૂહરચનાને નામ અપાયું છે ‘ચાઇના પ્લસ વન’, મતલબ કે ચીન ઉપરાંતનું અન્ય કોઈ. એકમાત્ર ચીનને જ ધંધો આપીને એની ઇકોનોમીને મજબૂત કર્યા કરવાને બદલે પશ્ચિમી દેશોની કંપનીઓ આ વ્યૂહરચનાનો અમલ કરીને અન્ય દેશોને પણ એમની આર્થિક તાકાત વધારવાની તક પૂરી પાડવા માંગે છે. એ બહાને ચીની ડ્રેગનની બેફામ પ્રગતિને બ્રેક લગાવવાની પણ એમની નેમ છે. 

કઈ રીતે ભારત આ વ્યૂહરચનાનો ફાયદો ઉઠાવી શકે છે? 

થાઇલેન્ડ, તુર્કી, વિયેતનામ જેવા દેશોમાં પણ મજૂરી દર સસ્તો હોવાથી વૈશ્વિક કંપનીઓની નજર એવા દેશો પર ઠરી છે. એવા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારત એક વિશાળ દેશ છે, ભૌગોલિક વૈવિધ્યનો પાર નથી, સંસાધનો પણ પુષ્કળ છે અને વસ્તી પણ વધારે છે, જેને કારણે વૈશ્વિક કંપનીઓ એમના ઉત્પાદનોને અનૂકૂળ હોય એવા માહોલમાં મેન્યુફેક્ચરિંગ હબ સ્થાપી શકે છે. વધુ વસ્તીને કારણે મજૂરી દર તો સસ્તો છે જ.   

વ્યૂહરચનાનો લાભ લેવા માટે બે વિકલ્પ

આર્થિક સર્વેક્ષણ કહે છે કે, ભારત પાસે ‘ચાઇના પ્લસ વન’ વ્યૂહરચનાનો લાભ લેવા માટે બે વિકલ્પો છે. 

1) હાલમાં ચીનની જે સપ્લાય ચેઇન છે એનો હિસ્સો બની જવું.

2) ચીનમાંથી સીધું વિદેશી રોકાણ (FDI) ભારતમાં ખેંચી લાવવું. 

અમેરિકા સહિત આર્થિક રીતે સમ્પન્ન અન્ય દેશોમાં નિકાસ વધારવા માટે ભારત બીજો વિકલ્પ પસંદ કરે એ ઈચ્છનીય છે. નજીકના ભૂતકાળમાં પૂર્વ એશિયાના દેશો આ ઉપાય સફળતાપૂર્વક અજમાવી ચૂક્યા છે. તો ભારત કેમ નહીં? આમ કરીને ભારત ચીન સાથેની સતત વધી રહેલી વેપાર ખાધ પર પણ કાબૂ મેળવી શકે છે. ચીનથી માલ આયાત કરીને પછી એના પર થોડોઘણો નફો ચડાવીને એને અમેરિકા-યુરોપમાં નિકાસ કરવાને બદલે ભારતે ચીનમાંથી ઊચાળા ભરી રહેલી અમેરિકન અને યુરોપિયન કંપનીઓ માટે લાલ જાજમ બિછાવીને, એમની અનુકૂળતા મુજબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરીને એમને આવકારવી જોઈએ. આમ કરીને ભારતની વ્યાપાર માટેની ચીન પરની નિર્ભરતા ઓછી કરી શકાય એમ છે. 

વૈશ્વિક વ્યાપારના બદલાઈ રહેલા સમીકરણોમાં ભારતે દાખલો બરાબર માંડ્યો તો પછી 2047 સુધીમાં 'વિકસિત ભારત'નું લક્ષ્ય હાંસિલ કરવું મુશ્કેલ નહીં રહે.

  'વિકસિત ભારત'ની કૂચમાં અડચણોની શક્યતા, ‘ચીનનો ઉદય’ સહેલો હતો પણ ભારતનો નહીં હોય 2 - image


Google NewsGoogle News