ટેસ્લાના ભારત આવવાના અહેવાલોથી ચીન ભડક્યું, મસ્કને આપી નિષ્ફળ જવાની ચેતવણી
Image: IANS |
Elon Musk To Visit India: ઈલોન મસ્ક આગામી સપ્તાહે ભારતની મુલાકાત લેવા જઈ રહ્યા છે. જેઓ ટેસ્લાનો ભારતમાં પ્રવેશ તેમજ તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા 2થી 3 અબજ ડોલરનું મોટું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ભારતમાં ટેસ્લાના પ્રવેશથી ચીન ભડક્યું છે.
ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં લેખ લખ્યો છે કે, ભારતમાં રોકાણથી ભલે ભારતને લાભ થાય, પરંતુ તેનાથી કંપનીને કોઈ ખાસ લાભ થશે નહિં. ભારતમાં ઈવી સુવિધામાં ટેસ્લાના રોકાણથી ભારતને અવશ્ય લાભ થશે. પરંતુ તે કાર મેકર માટે બુદ્ધિમાન નિર્ણય નથી. કારણકે, ભારતનું બજાર સંપૂર્ણપણે વિકસિત નથી, જેમાં અમેરિકી કાર મેકર કામ કરી શકશે નહિં.
ભારતમાં પબ્લિક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત
ભારતમાં પબ્લિક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછતના કારણે ઈવી અપનાવવામાં મોટો પડકાર જોવા મળ્યો છે. તેમજ ભારતમાં વીજની ઉપલબ્ધતા પણ ઓછી છે. જેથી ભારતમાં સફળતા મળવી મુશ્કેલ છે.
ઈલેક્ટ્રિક વ્હિકલ્સનો હિસ્સો 2.3 ટકા
મીડિયાએ વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલનુ માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. પરંતુ હજી તેનો હિસ્સો નજીવો છે. 2023માં ભારતમાં કુલ વેચાયેલા પેસેન્જર વાહનોમાં ઈવીનો હિસ્સો માત્ર 2.3 ટકા હતો. વધુમાં લિથિયમ-આયન બેટરી જેવા મુખ્ય કોમ્પોનન્ટસના મર્યાદિત ઉત્પાદન ઈવીના ગ્રોથ માટે સૌથી મોટી સમસ્યા છે.