Get The App

ચીનનું સસ્તું AI એન્જિન ડીપસીક લોન્ચ: વિશ્વભરની ટેક કંપનીઓને 1 લાખ કરોડ ડોલરનું નુકસાન

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
China's DeepSeek AI chatbot


- ચીનનો ફૂંફાડો : ડીપસીક એઆઇ એન્જીનને રજૂ કરતા અમેરિકાના આધિપત્ય સામે સવાલ

- માત્ર 6 કરોડ ડોલરના એઆઈ એન્જીનથી વૈશ્વિક ટેક કંપનીઓના મૂલ્યમાં એક લાખ કરોડ ડોલર ઘટાડો

- એનવીડિયાની માર્કેટ કેપ.માં વિક્રમી 465 અબજ ડોલરનું ગાબડું નોંધાયું

China's DeepSeek AI chatbot : રશિયાએ 1957 સસ્તા સ્પુટનિક સેટેલાઈટ લોન્ચ કરી સ્પેસ ટેકનોલોજીમાં જેવી ક્રાંતિ આણી છે તેવી જ ક્રાંતિ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના લાર્જ લર્નિંગ મોડેલ ક્ષેત્રે ચીનના સ્ટાર્ટ અપ ડીપસીકે લાવી છે. અમેરિકાના અબજો ડોલરના રોકાણ સામે માત્ર 60 લાખ ડોલર (ભારતીય ચલણમાં લગભગ રૂ. 52 કરોડ)ના રોકાણથી ડીપસીકનું લર્નિંગ મોડેલ અત્યારે વિશ્વમાં સૌથી વધુ વપરાતા ચેટજીપીટી કરતા વધારે શક્તિશાળી, સરળ અને વધારે ઝડપી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચીનની આ શોધથી અમેરિકા, એશિયા અને યુરોપમાં એઆઈ માટે સેમીકન્ડકટર બનાવતી કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે. આ કડાકાના કારણે ટેક કંપનીઓના બજાર મૂલ્યમાં એક લાખ કરોડ ડોલર (એક ટ્રિલિયન ડોલર) સાફ થઇ ગયા છે. 

ઓપનએઆઈ વર્ષે પાંચ અબજ ડોલરનો ખર્ચ પોતાના લાર્જ લર્નિંગ મોડેલમાં કરે છે. આ ઉપરાંત, તેના મોડેલની જટિલતાની ગણતરી માટે ચીપસેટ, તેનું ટેસ્ટીંગ અને તેના ડેટા સ્ટોરેજ અને તેને લગતી સેવાઓ આપતી અમેરિકન કંપનીઓ પણ અબજો ડોલરનો ખર્ચ કરે છે. ડીપસીકના એકદમ સસ્તા મોડેલથી આ બધી કંપનીઓએ કરેલા રોકાણ અને તેની સામેના વળતર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે અને તેના કારણે શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણકારો જણાવે છે.  ડીપસીકની અસરથી એઆઈ ચીપસેટમાં અત્યારે વિશ્વમાં અવ્વલ ગણાતી એનવીડિયાના શેરમાં કડાકો બોલ્યો છે. એનવીડિયાના શેર અમેરિકામાંં 17 ટકા ઘટી 120 ડોલર થઇ ગયા છે. સત્રમાં એનવીડિયાના શેરના ભાવ ઘટતા તેની એકલાની સંપત્તિમાં 465 અબજ ડોલરનો કડાકો બોલી ગયો છે. અમેરિકામાં ટેકનોલોજી કંપનીઓના બજાર નાસ્ડાકનો ઇન્ડેક્સ એક તબક્કે ૫ાંચ ટકા ઘટ્યા પછી અત્યારે 3.24 ટકા ઘટેલો છે. ઓગસ્ટ મહિના પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. 

એશિયન ટ્રેડીંગમાં જાપાનીઝ સેમીકન્ડકટર કંપનીઓના શેરના ભાવ પણ ઘટયા હતા. એનવીડિયાના ચીપનું ટેસ્ટીંગ કરતી એડવાનટેસ્ટના ભાવ 8.6 ટકા ટોક્યો ઈલેક્ટ્રોનના શેર 1.9 ટકા, રેનેસસ ઇલેક્ટ્રોનિક્સ 1.24 ટકા ઘટયા હતા. યુરોપની સૌથી મોટી સેમીકન્ડકટર કંપની એએસએમએલના શેર 1.2 ટકા, જર્મનીની સીમેન્સના 4.1 ટકા અને ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેશન ક્ષેત્રે અગ્રણી શ્નાઇડરનો ભાવ 6.8 ટકા ઘટી ગયો છે. 

બીજી તરફ, એપલના એપ સ્ટોરમાં ચેટજીપીટી અને અન્ય એઆઈ કરતા જાન્યુઆરી મહિનામાં જ લોન્ચ થયેલા ડીપસીકના ડાઉનલોડની સંખ્યા વધી ગઈ છે. એઆઈ ક્ષેત્રે અમેરિકાની અત્યાર સુધીની નંબર વન તરીકેની છાપ સામે ચીને સીધો પડકાર ફેંક્યો છે. ડીપસીકે વી૩ મોડેલ લોન્ચ કર્યું છે અને સ્ટાર્ટઅપનો દાવો છે કે આ માત્ર બે મહિનામાં જ તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડેલ ચેટજીપીટીના મોડેલ જેટલું જ કાર્યક્ષમ હોવાનું એઆઈ ઉપર રિસર્ચ કરી રહેલા નિષ્ણાતોએ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. આ મોડેલની કાર્યક્ષમતા ચકાસવા માટે મેથેમેટિક્સ, કોડીંગ અને ભાષાકીય તર્ક કેટલી ઝડપથી પ્રોસેસ કરી શકે છે એની ચકાસણી કરવામાં આવે છે. 

ચેટજીપીટી કે ડીપસીક કે અન્ય કોઇપણ એઆઈ મોડેલ માટે આધુનિક ચીપ જરૂરી છે. વર્ષ ૨૦૨૧થી અમેરિકાએ ચીનને આવી એડવાન્સ ચીપ વેચવા ઉપર નિયંત્રણ મૂકેલા છે. આ નિયંત્રણ છતાં ચીનના સ્ટાર્ટઅપે ડીપસીકનું આધુનિક મોડેલ રજૂ કરતા દુનિયા દંગ રહી ગઈ છે. 

નવા એઆઈ મોડેલના કારણે સૌથી મોટો સવાલ ઉભો થયો છે કે અમેરિકન કંપનીઓ જેટલા મોંઘા રોકાણનો દાવો કરી રહી છે એટલું રોકાણ એઆઈ માટે જરૂરી નથી. બીજું, એટલો સમય પણ લાગતો નથી અને સૌથી મહત્ત્વનું છે કે લાર્જ લર્નિંગ મોડેલ માટે જે એડવાન્સ ચીપ કે અતિ જટિલ ચીપની જરૂરીયાત હોવાનો દાવો થઇ રહ્યો છે એની પણ જરૂરિયાત નથી. 

ચીનનું સસ્તું AI એન્જિન ડીપસીક લોન્ચ: વિશ્વભરની ટેક કંપનીઓને 1 લાખ કરોડ ડોલરનું નુકસાન 2 - image

એનવીડિયાની ચીપ વેચનાર લિયાંગ વેંગફેંગ ડીપસીકના ફાઉન્ડર

ચીનના હેન્ગ્ઝો પ્રાંતમાં 2023માં 40 વર્ષીય લીયાંગ વેંગફેંગે ડીપસીકની સ્થાપના કરતી હતી. લીયાંગ ઇન્ફર્મેશન અને ઈલેક્ટ્રોનિકમાં એન્જિનિયર છે. અને એણે પોતે જ હેજ ફંડ સ્થાપી ડીપસીક માટે નાણા એકત્ર કર્યા છે. 

અગાઉ તેની પાસે એનવીડિયાના એ100 મોડેલના ચીપનો સ્ટોર હતો. અમેરિકાએ ચીનમાં આ ચીપની નિકાસનો પ્રતિબંધ જાહેર કરતા પોતાની પાસે રહેલી 50 હજાર જેટલી ચીપના આધારે તેને પોતાના એઆઈ માટેના લાર્જ લર્નિંગ મોડેલ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ ઉપરાંત, તેણે જરૂર પડયે જે સસ્તી ચીપસેટની આયાત કરવાની છૂટ છે તેનો પણ ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ ચીનના પ્રીમિયર લી કીયાંગ સાથે તેણે એઆઇ અંગે એક લાંબી બેઠક કરી હોવાના અહેવાલ પણ ચાઇનીઝ અખબારોમાં ચમક્યા હતા. 

ડ્રેગનની એઆઇ ક્ષેત્રે તરાપે નાસ્ડેકમાં 664 અને તેના ફયુચરમાં 700 પોઈન્ટનો કડાકો

અમદાવાદ : ચાઈનાના એઆઈ સ્ટાર્ટઅપ ડીપસીકે અત્યંત સસ્તામાં સર્વિસિઝ ઓફર કરતાં આજે ટેકનોલોજી શેરોના બજાર નાસ્ડેકમાં 664 પોઈન્ટ જેટલો અને ફયુચર્સમાં 700 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો.

અમેરિકાની એઆઈ જાયન્ટ ઓપનએઆઈ સહિતને હંફાવનાર ચાઈનીઝ ડીપશીકે હરીફોની 14થી 15 ડોલરના ખર્ચ સામે એક ડોલરની અંદરના ખર્ચે સર્વિસિઝ ઓફર કરી હાહાકાર મચાવતાં અમેરિકામાં આઈટી બબલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એનવીડિયા કોર્પના શેરનો  ભાવ 17 ટકા તૂટી ગયો હતો. જેના પગલે કંપનીનો માર્કેટ કેપ 465 અબજ ડોલર ઘટયું હતું. જે કોઈ પણ એક કંપનીના ઘટાડાનો વિક્રમ છે.  અમેરિકાના અન્ય આઇટી જાયન્ટ કંપનીઓના શેરોમાં પણ ગાબડાં નોંધાયા હતા.

અમેરિકી શેરબજારમાં આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં નાસ્ડેકમાં 664 પોઇન્ટનો કડાકો બોલતા 19289 પર કાર્યરત હતો. જ્યારે નાસ્ડેક ફયુચર 700 પોઈન્ટ તૂટીને 21211 ઉતરી આવ્યો હતો. જ્યારે ડાઉજોન્સ 58 પોઈન્ટ તૂટીને 44366ની સપાટીએ કાર્યરત હતો.


Google NewsGoogle News