સરકારે આયાતી ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુ બદલતાં ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલા ફેરફારો
- ક્રૂડ પામ ઓઈલની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી જ્યારે આરબીડી પામોલીન તથા સોયાતેલની આવી ડયુટીમાં થયેલી વૃદ્ધિ
- સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવમાં ઘટાડાનો પવન
મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે હોલીડે મુડ વચ્ચે નવા વેપાર નહિંવત હતા. વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ એકંદર સૂસ્ત રહ્યા હતા. સૌરાષ્ટ્રના બજારો નરમ હતા. સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ રૂ.૯૧૫થી ૯૨૦ વાળા આજે રૂ.૯૦૫થી ૯૧૦ રહ્યાના નિર્દેશો હતા. સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ રૂ.૧૪૬૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૨૩૪૦ બોલાઈ રહ્યા હતા.
ક્રૂડ પામ ઓઈલની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી જ્યારે આરબીડી પામોલીન તથા સોયાતેલની આવી ડયુટીમાં થયેલી વૃદ્ધિ
દેશમાં આયાત થતા ખાદ્યતેલોની ઈમંપોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં ફેરફારો કર્યાના વાવડ હતા અને તેના પગલે આયાતી ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં પણ ફેરફારો થયાના સમાચાર મળ્યા હતા. આવી ટેરીફ વેલ્યુ ક્રૂડ પામ ઓઈલ સીપીઓની ૯૫૨થી ઘટી ૯૪૪ ડોલર કરાઈ છે જયારે આરબીડી પામોલીનની ૯૬૨થી વધારી ૯૭૨ ડોલર તથા સોયાતેલ ડિગમની ૯૫૦થી વધારી ૯૫૯ ડોલર કરવામાં આવ્યાના નિર્દેશો હતા. આના પગલે સીપીઓની ઈફેકટીવ ઈંમ્પોર્ટ ડયુટી ટનના રૂ.૩૭ જેટલી ઘટી છે જ્યારે આરબીડી પામોલીનની રૂ.૧૧૬ વધી છે. તથા સોયાતેલ ડિગમની આવી ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી રૂ.૪૨ વધ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલેોના ભાવ આયાતી પામતેલના રૂ.૮૯૦થી ૮૯૫ના મથાળે સૂસ્ત રહ્યા હતા. કપાસિયા તેલના ભાવ રૂ.૯૮૫ વાળા રૂ.૯૮૦ બોલાઈ રહ્યા હતા. સિંગતેલના ભાવ રૂ.૧૫૦૦નાં મથાળે દેશી તથા આયાતીૂ ખાદ્યતેલોના ભાવ પણ એકંદરે સાંકડી વધઘટ વચ્ચે અથડાતા જોવા મળ્યા હતા. દરમિયાન, મુંદ્રા-હઝીરા ખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૯૦૦થી ૯૧૦ તથા સોયાતેલના રૂ.૯૦૦થી ૯૧૦ અને સનફલાવરના રૂ.૯૧૦ રહ્યા હતા. મધ્ય પ્રદેશ ખાતે સોયાતેલ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૮૯૦થી ૯૦૫ રહ્યા હતા.
નવી મુંબઈ બંદરે વિવિધ શિપમેન્ટના ભાવ સનફલાવરના રૂ.૮૬૦થી ૮૭૦ બોલાઈ રહ્યા હતા. ગોંડલ ખાતે કોટન વોશ્ડના ભાવ રૂ.૯૧૦થી ૯૨૦ તથા કોટન રિફાઈન્ડના રૂ.૯૫૦થી ૯૫૫ રહ્યા હતા.