કેન્દ્ર સરકારે આ વર્ષે અત્યાર સુધીમાં 255 લાખ ટન ઘઉંની ખરીદી કરી, આ ખેડૂતોને MSPનો લાભ નહીં
Wheat Price: કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની ખરીદી શરૂ થઈ ચૂકી છે. જેમાં ગઈકાલ મોડી રાત સુધી કેન્દ્ર સરકારની એફસીઆઈ (ફૂડ કોર્પોરેશન ઈન્ડિયા)એ કુલ 255 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. જેમાં સૌથી વધુ ખરીદી હરિયાણા અને પંજાબમાં થઈ છે.
કૃષિ અધિકારીઓ દ્વારા ઘરે-ઘરે જઈ ખેડૂતોને પોતાના ઘઉં સરકારી એજન્સીમાં વેચવા પ્રોત્સાહન આપવામાં આવતાં અપેક્ષા છે કે, આ વર્ષે અનાજની સમસ્યા નહીં સર્જાય. આ ખરીદી બાદ કેન્દ્ર સરકારના ઘઉંના ગોદામ ફરી એકવાર ભરાઈ ગયા છે. જો કે, ગતવર્ષે નોંધાયેલી 256.8 લાખ ટન ખરીદી સામે ઘઉંની ખરીદીનું પ્રમાણ ઘટ્યું છે.
372.9 લાખ ટન ખરીદી કરવાનો લક્ષ્યાંક
આ વર્ષે ઘઉંની બમ્પર વાવણી થઈ છે. કેન્દ્ર સરકારે 280થી 290 લાખ ટન ઘઉંની ખરીદી કરી હોવાનો અંદાજ છે. આ વર્ષે તે 372.9 લાખ ટન ઘઉં ખરીદવા માગે છે. ગતવર્ષે વેચાણના પગલે સરકારના સ્ટોક રેકોર્ડ તળિયે પહોંચ્યો હતો. ફૂડ કોર્પોરેશનના ડેટા અનુસાર, 1 એપ્રિલના રોજ કેન્દ્રીય સ્ટોકમાં ઘઉંનો સ્ટોક 75 લાખ ટન હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 83.50 લાખ ટન હતો, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા દાયકામાં કેન્દ્રીય સ્ટોકમાં 1 એપ્રિલના રોજ ઘઉંનો સરેરાશ સ્ટોક 167 લાખ ટન હતો.
લઘુતમ ટેકાના ભાવ નહીં મળે
ગત સપ્તાહે સરકારે કહ્યું હતું કે, ખેતરનો નકામો કચરો-ઘાસ બાળી નાખનાર ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)નો લાભ મળશે નહીં. સરકારની આ વ્યવસ્થા આ વર્ષથી લાગુ થઈ શકે છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની ભલામણોને આધિન આ આદેશ તમામ રાજ્યોને આપ્યો છે.
ખેડૂતોને કેવી રીતે ઓળખવામાં આવશે?
પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનના સચિવોને કેન્દ્રે નિર્દેશ આપ્યો છે. જેમાં તેમની પાસેથી આ સંદર્ભે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ઈસરોની મદદથી નકામુ ઘાસ બાળી નાખનાર ખેડૂતોની ઓળખ થશે.