વટાણાની ડયુટી મુક્ત આયાત બંધ થવાનો કેન્દ્ર સરકારનો સંકેત
- મલ્ટિનેશનલ કંપનીઓએ ગજા બહાર આયાત કરી લેતાં હવે ડયુટીની લાદવા આજીજી : 10 થી 20 ટકા ડયુટીની શકયતા
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સફેદ વટાણાની ડયુટી મુક્ત આયાત બંધ કરશે એવો સંકેત કેન્દ્રના અન્ન અને નાગરિક પુરવઠા તેમ જ ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આપ્યો છે. ચણાના ઊંચા ભાવોને લઈ મોંઘવારી સામે લોકોને રક્ષણ માટે સરકાર દ્વારા અગાઉ જૂન ૨૦૨૪થી દેશમાં ડયુટી ફ્રી આયાતની અપાયેલી મંજૂરી હવે દેશમાં જુલાઈ ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન ૨૬ લાખ ટન જેટલી પીળા વટાણા (જે અંદરથી સફેદ હોય છે)ની આયાત થઈ ગઈ હોઈ અને માલભરાવાની સ્થિતિને લઈ ડયુટી ફ્રી આયાત અટકાવવામાં આવે એવી શકયતા છે.દિલ્હી ખાતે યોજાયેલા કઠોળ પરના કોન્કલેવ ૨૦૨૫ની સાથે સાથે તેમણે આ બાબતનો સંકેત આપ્યો હતો. આ મામલે વિવિધ ખાતાના મંત્રીઓની મીટિંગમાં આ મામલે નિર્ણય લેવાય એવી શકયતા છે. આજે મોડી સાંજે આ બાબતે મીટિંગમાં વટાણાની આયાત પર કેટલી ડયુટી લાગુ કરવી એ વિશે વિચારણા થવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ વિશે એક અન્ય અધિકારીએ પોતાની ઓળખ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, પીળા વટાણા( જે અંદરથી સફેદ હોય છે)ની આયાત પર ૧૦થી ૨૦ ટકા આયાત ડયુટી લાગુ કરવા ચર્ચા થઈ રહી છે. એક તરફ સરકાર કઠોળમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પર ફોક્સ કરી રહી છે, ત્યારે બીજી બાજુ તુવેર અને ચણા બન્નેના ભાવો નીચા રાખવાની નીતિ અપનાવી રહી છે, ત્યારે હવે આ નીતિની સમીક્ષા થવાની શકયતા છે.આ દરમિયાન દેશમાં વટાણાની ડયુટી ફ્રી આયાતની જૂન ૨૦૨૪માં મંજૂરી બાદથી બહુરાષ્ટ્રીય કંપનીઓએ ગજા બહારની આયાત કરી લીધી હોવાનું અને હવે આ જ કંપનીઓ સરકાર પાસે ડયુટી લાદવા માંગ કરી રહ્યુનું સૂત્રો જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ સરકારે પીળા વટાણાની ડયુટી ફ્રી આયાતને ૩૧, ડિસેમ્બર ૨૦૨૪ સુધી મંજૂરી આપી હતી. જે મુદ્દત લંબાવીને ફેબુ્રઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવી હતી.