કેન્દ્ર સરકારે 100થી વધુ વેબસાઇટની 'તાળાબંધી' કરી, પાર્ટ ટાઈમ જોબના નામે આચરતાં હતાં છેતરપિંડી
ગૃહ મંત્રાલયની ભલામણ બાદ આ કાર્યવાહી કરાઈ
સંગઠિત ગેરકાયદે રોકાણ અને વર્ક બેઝ્ડ પાર્ટટાઈમ જોબના નામે છેતરપિંડી કરતી 100થી વધુ વેબસાઈટ બંધ કરી દેવામાં આવી
Websites blocked by Central Government : સંગઠિત ગેરકાયદે રોકાણ અને વર્ક બેઝ્ડ પાર્ટટાઈમ જોબના નામે છેતરપિંડી કરતી 100થી વધુ વેબસાઈટ બંધ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયની ભલામણ બાદ આ કાર્યવાહી કરાઈ હતી.
કોણ કરી રહ્યું હતું ઓપરેટ?
એક અહેવાલ અનુસાર આ વેબસાઈટ્સનું સંચાલન વિદેશમાં બેસેલા લોકો કરી રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એકમ ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર(14C) એ તેની નેશનલ સાયબર ક્રાઈમ રિસ્ક એનાલિસિસ યુનિટ (NCTAU) ના માધ્યમથી ગત વર્ષે સંગઠિત રોકાણ અને કામ આધારિત પાર્ટટાઈમ નોકરીઓના નામે છેતરપિંડી આચરતી 100થી વધુ વેબસાઇટની ઓળખ કરી હતી અને તેને બંધ કરી દેવાની ભલામણ કરી હતી.
કયા કાયદા હેઠળ વેબસાઇટ્સ બંધ કરાઈ?
એક નિવેદનમાં જણાવાયું છે કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 હેઠળ પોતાના અધિકારોનો ઉપયોગ કરી આ વેબસાઈટ્સને બંધ કરી દીધી છે. એવી માહિતી મળી છે કે આર્થિક અપરાધથી સંબંધિત કાર્ય આધારિત સંગઠિત ગેરકાયદે રોકાણથી સંબંધિત આ વેબસાઈટ્સનું સંચાલન વિદેશમાં બેસેલા લોકો કરી રહ્યા હતા અને તે ડિજિટલ એડ, ચેટ મેસેન્જર અને ફેક એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા હતા. નિવેદનમાં કહેવાયું છે કે મોટાપાયે આર્થિક છેતરપિંડીથી મળતી રકમનું કાર્ડ નેટવર્ક, ક્રિપ્ટો કરન્સી, વિદેશી એટીએમ ઉપાડ અને આંતરરાષ્ટ્રીય ફિનટેક કંપનીઓની મદદથી ભારતથી બહાર મની લોન્ડરિંગ કરાઈ રહ્યું હતું.