ચૂંટણી પહેલા ઈલેક્ટ્રિક વાહનોની સબસિડી વધુ એક વર્ષ લંબાવવા કેન્દ્રની વિચારણા
FICCIએ તાજેતરમાં જ ભારે વાહન ઉદ્યોગ મંત્રાલય સમક્ષ ફેમા-3 યોજના શરૂ કરવા પ્રસ્તાવ મુક્યો હતો
કેન્દ્ર સરકારે ફેમા યોજના હેઠળ 1 ડિસેમ્બર-2023 સુધીમાં 5228 કરોડ રૂપિયાની સબસિડી ચુકવી
દેશમાં લોકો ઈલેક્ટ્રીક વાહનોને અપનાવે તે હેતુથી કેન્દ્ર સરકાર 2015માં FAME-1 (ફાસ્ટર એડૉપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઑફ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ) યોજના લાવી હતી, ત્યારબાદ 2019માં યોજનાનો સમયગાળો વધારી FAME-2ની જાહેરાત કરાઈ હતી. જોકે હવે FAME-2 યોજના માર્ચ-2024માં સમાપ્ત થશે. ત્યારબાદ યોજનાને ફરી એક વર્ષ લંબાવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વર્તમાન ફેમા-2 યોજના માટે બજેટમાં રૂ.10,000 કરોડનું બજેટ ફાળવાયું હતું. આ યોજનામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર વ્હીલર સામેલ છે.
FICCIની ફેમા-3 યોજના શરૂ કરવા માંગ
મીડિયા અહેવાલો મુજબ, અનુમાન લગાવાઈ રહ્યું છે કે, નાણા મંત્રાલય દ્વારા ફેમા યોજનાને લંબાવવાની મંજૂરી અપાયા બાદ આગામી બજેટમાં અન્ય સંશોધનો કરી બજેટ ફાળવણી કરવામાં આવી શકે છે. તાજેતરમાં જ ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ સંઘ (FICCI)એ FAME-3 યોજના શરૂ કરવા માંગ કરી હતી. આ માટે FICCIએ ભારે વાહન ઉદ્યોગ મંત્રાલય સમક્ષ એક પ્રસ્તાવ પણ રજુ કર્યો હતો. પ્રસ્તાવમાં આગામી 5 વર્ષમાં 30 હજાર કરોડ રૂપિયાની જરૂરીયાત હોવાનો અંદાજ લગાવાયો છે.
અગાઉ મેમાં ફેમા યોજનામાં ફેરફાર કરાયા હતા
જોકે આંતરિક સરકારી અધિકારીઓના તર્ક મુજબ, આ યોજનાનો સૌથી વધુ લાભ લેવાના હેતુથી ટુ-વ્હિલર્સ ઈલેક્ટ્રીક મેન્યુફેક્ચરરને આગળ વધારવા સરકારી મદદની જરૂર નથી. ઉલ્લેખનિય છે કે, ભારે વાહન ઉદ્યોગ મંત્રાલયે મે મહિનામાં યોજનામાં ફેરફાર કર્યા હતા, જેમાં ઈલેક્ટ્રીક ટુ-વ્હિલર્સ માટે બેટરી ક્ષમતા મુજબ પ્રતિ કિલોમીટર 15000 રૂપિયાની સબસિડીની ઘટાડી 10,000 રૂપિયા કરી દીધી હતી. અગાઉ કુલ સબસિડી E2Wની એક્સ-ફેક્ટરી કિંમત 40 ટકાથી ઘટાડી 15 ટકા પર મર્યાદિત કરી દીધી હતી, જેની વધુમાં વધુ લિમિટ 1.50 લાખ રૂપિયા છે.
સરકારે ડિસેમ્બર સુધીમાં રૂ.5228 કરોડની સબસિડી ચુકવી
બીજીતરફ સરકારની વિચારણા છે કે, ઈ-મોબોલિટીને પ્રોત્સાહન આપવા ઈકોસિસ્ટમમાં રોકાણ પર ધ્યાન આપવું જોઈએ. સરકારે 1 ડિસેમ્બર-2023 સુધીમાં 5228 કરોડ રૂપિયાની સબસિડી ચુકવી છે. હવે એ જોવાનું રહ્યું કે, 8 વર્ષ બાદ ઈલેક્ટ્રીક વ્હિકલની કિંમતોમાં વધારો થતાં શું ફેમ સબસિડી યોજના સમાપ્ત થઈ જશે ? આ યોજનાને કારણે દેશભરમાં ઈવી ખરીદવાની ઝુંબેશને વેગ મળ્યો છે, તેથી જો આ બાબતને પણ અવગણવામાં ન આવે તો યોજના ફરી લંબાવવાની સંભાવના દેખાઈ રહી છે.