10 વર્ષમાં દેશનું દેવું ત્રણ ગણું વધ્યું, જાણો એનડીએ અને યુપીએ સરકારે કેટલુ ઉધાર લીધું

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
central Government Debt

Image: IANS



India Debts In Last 20 Years: દેશના માથે દેવું સતત વધી રહ્યું છે. આ વર્ષે કેન્દ્ર સરકાર પર દેવું વધી રૂ. 172 લાખ કરોડ થયું છે. જે દેશની કુલ જીડીપીના 58.2 ટકા છે. જો રાજ્ય સરકારના દેવાના આંકડાઓ પણ સામેલ કરીએ તો તેમાં મોટો વધારો થશે. ભારત પર દેવું એ અવારનવાર ચર્ચાનો વિષય રહ્યો છે. જ્યારે સરકારનો ખર્ચ તેની આવક કરતાં વધી જાય છે, ત્યારે તે ઉધાર લે છે. આ ઉધાર જ સરકારી દેવાં તરીકે ઓળખાય છે. જેના બે પ્રકાર છે- એક પોતાના દેશમાંથી જ લોન લેવી અને બીજુ અન્ય દેશોમાંથી લેવામાં આવતું ઉધાર.

છ વર્ષમાં દેશની ઉધારી વધી બમણી થશે

કેન્દ્ર સરકાર પર દરવર્ષે દેવામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં રજૂ કરેલા આંકડાઓ અનુસાર, 2018-19માં દેશના માથે રૂ. 93.26 લાખ કરોડ દેવું હતું. જે 2024-25 સુધીમાં વધી રૂ. 185.27 લાખ કરોડ થશે. અર્થાત 2018-19માં જીડીપીના 49.3 ટકાથી વધી દેવુ 2024-25માં 56.8 ટકા થશે. છ વર્ષમાં દેવુ વધી બમણુ થશે.

છેલ્લા છ વર્ષમાં દેશ પર અનેક પડકારો

સરકારના જણાવ્યા પ્રમાણે, છેલ્લા છ વર્ષમાં અનેક આર્થિક પડકારો જોવા મળ્યા છે. લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે સરકારે ખર્ચમાં વધારો કર્યો હોવાથી દેવું વધ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, બીજા દેશોની તુલનાએ ભારતની સ્થિતિ સારી છે. કારણકે, ભારતનું વિદેશી દેવું માત્ર 18.7 ટકા છે. જે ચીન, થાઈલેન્ડ, તુર્કી, વિયેતનામ, દક્ષિણ આફ્રિકા, અને બાંગ્લાદેશ કરતાં ઘણું ઓછુ છે. કુલ વિદેશી દેવું અને જીડીપી રેશિયોમાં ભારત ત્રીજો સૌથી ઓછું દેવું ધરાવતો દેશ છે.

આ પણ વાંચોઃ ગ્રીન કાર્ડ ધારકોને ત્રણ સપ્તાહમાં કાયમી નાગરિકતા મેળવવાની તક

કોરોના મહામારીના કારણે દેવામાં વધારો

કોરોના મહામારી પહેલાં 2019-20માં સરકારી દેવું વધી રૂ. 105.07 લાખ કરોડ થયુ હુતં. જે દેશની જીડીપીના 52.3 ટકા હતું. કોરોના સમયે 2020-21માં વધી રૂ. 121.86 લાખ કરોડ થયું હતું. જેની પાછળનું કારણ રાહત પેકેજ અને આર્થિક મદદ માટે સરકારી ખર્ચમાં વધારો હતો. 2021-22માં રૂ. 138.66 લાખ કરોડ થયું હતું.

એનડીએ સરકારમાં કેટલુ દેવું વધ્યું? જાણો...

2014માં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સત્તામાં આવી. આર્થિક બાબતોના વિભાગ અનુસાર, 31 માર્ચ, 2014 સુધી દેશના માથે રૂ. 54 લાખ કરોડનું ઉધાર હતું. જે એનડીએ સરકારના પ્રથમ કાર્યકાળમાં જીડીપી કરતાં અડધું રહ્યું હતું. બીજા કાર્યકાળમાં દેવાનો બોજો વધી માર્ચ, 2024 સુધી રૂ. 172 લાખ કરોડ થયો હતો. અર્થાત એનડીએ સરકારના 10 વર્ષમાં દેશ પર દેવાનો બોજો ત્રણ ગણો વધ્યો.

આ પણ વાંચોઃ VIDEO: ઈઝરાયલે લીધો મોટો બદલો, બે દેશોમાં ઘૂસી હમાસના વડા અને હિઝબુલ્લાહના કમાન્ડરને કર્યા ઠાર

યુપીએ સરકારમાં દેવાનો બોજો અઢી ગણો થયો

2004થી 2014 સુધી કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર શાસનમાં હતી. તે દરમિયાન દેવુ રૂ. 20 લાખ કરોડ હતું. જો કે, બાદમાં જીડીપીની તુલનાએ દેવામાં સતત ઘટાડો થયો હતો. આ સિલસિલો 2017 સુધી ચાલ્યો હતો. યુપીએ સરકારના 10 વર્ષના શાસનમાં દેશ પર દેવાનો બોજો અઢી ગણો વધી રૂ. 54 લાખ કરોડ થયો હતો. 

સરકારી દેવું વધવાથી કઈ સમસ્યાઓ ઊભી થાય છે?

જ્યારે સરકાર પર દેવું વધે છે ત્યારે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સૌથી મોટી સમસ્યા અર્થતંત્રને સંભાળવાની છે. જો સરકાર પર ઘણું દેવું હોય તો તે સારા અને ખરાબ સમયમાં પૈસા ખર્ચવાની સ્થિતિમાં હોતી નથી. જેના કારણે અર્થવ્યવસ્થાને સંભાળવી મુશ્કેલ બને છે.

જો સરકાર પર વધુ દેવું હશે તો અન્ય દેશોને લાગશે કે ભારતમાં ઘણું જોખમ છે, તેથી તેઓ ઓછા વ્યાજે ભારતને પૈસા નહીં આપે. આ કારણે સરકારે વધુ વ્યાજ ચૂકવવું પડશે. જો સરકાર વધુ લોન લેશે તો આવનારી પેઢીઓએ ઘણી બધી લોન ચુકવવી પડશે. સરકારે બેન્કોને ઘણા પૈસા આપ્યા છે, જેનો બોજ પણ આવનારી પેઢીઓ પર પડશે.

જ્યારે સરકાર વધુ પડતી લોન લે છે, ત્યારે બજારમાં લિક્વિડિટી ઘટે છે, જેના કારણે ખાનગી કંપનીઓ તે જેટલું રોકાણ કરવા માંગે છે તેટલું રોકાણ કરી શકતી નથી. જેના કારણે દેશની અર્થવ્યવસ્થા ધીમી પડી શકે છે. જ્યારે ખાનગી કંપનીઓ નાણાંનું રોકાણ કરી શકતી નથી, પરિણામે તેમના વ્યવસાયને વિસ્તારવા, નવી ટેક્નોલોજી લાવવા અને સારા કામ કરવા સક્ષમ નથી, જેનાથી દેશની અર્થવ્યવસ્થા નબળી પડી શકે છે. સાથે જ તેની અસર બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પર પણ જોવા મળી રહી છે.

દેશના વિકાસ માટે લોન લેવી જરૂરી છે. વિશ્વની મોટાભાગની મોટી અર્થવ્યવસ્થાઓ દેવા પર ચાલે છે. લોન લેવી ખરાબ નથી, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ મહત્વપૂર્ણ છે. દેશનું દેવું વધ્યું છે તો અર્થતંત્રનું કદ પણ વધ્યું છે. 


Google NewsGoogle News