Get The App

દેશની બીજી સૌથી મોટી ઈન્ટરનેટ ડીલને CCIની મંજૂરી : BillDeskને 4.7 અબજ ડોલરમાં ખરીદશે PayU

Updated: Sep 6th, 2022


Google NewsGoogle News
દેશની બીજી સૌથી મોટી ઈન્ટરનેટ ડીલને CCIની મંજૂરી : BillDeskને 4.7 અબજ ડોલરમાં ખરીદશે PayU 1 - image

અમદાવાદ,તા.06 સપ્ટેમ્બર 2022,મંગળવાર

સવાલોનો મારો અને મહિનાના વિલંબ બાદ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ Naspersની માલિકીની PayU દ્વારા 4.7 અબજ ડોલરમાં પેમેન્ટ ગેટવે બિલડેસ્કના હસ્તાંતરણને લીલીઝંડી આપી છે. સોમવારે મોડી સાંજે ટ્વિટ કરીને CCIએ આ જાહેરાત કરી હતી.

2018માં વોલમાર્ટ દ્વારા ફ્લિપકાર્ટના અધિગ્રહણ પછી ભારતના ઈન્ટરનેટ ક્ષેત્રની આ બીજી સૌથી મોટી ડીલ છે. લાંબા સમયથી આ ડીલ CCIની મંજૂરીની રાહ જોઈ રહી હતી. 

રસપ્રદ વાત એ છે કે સીસીઆઈએ ડીલને મંજૂરી આપતા પહેલા PayU અને BillDeskના પ્રતિસ્પર્ધીઓને પણ સલાહ-સૂચન માટે સંપર્ક કર્યો હતો. આ બંને કંપનીઓ ભારતમાં Razorpay, Pine Labs, Paytm, Infibeam Avenue, Mswipe વગેરે સાથે સીધી સ્પર્ધા કરે છે. જોકે આ સોદો હજુ પણ ભારતીય રિઝર્વ બેંક (RBI)ની અંતિમ નિયમનકારી મંજૂરીની જરૂર છે.

બિલ્ડેસ્કની શરૂઆત વર્ષ 2000માં એમએન શ્રીનિવાસુ, અજય કૌશલ અને કાર્તિક ગણપતિ દ્વારા કરવામાં આવી હતી. કંપનીનો મુખ્ય કારોબાર અને ફોકસ પેમેન્ટને શરૂ કરવા, સ્વીકારવા અને કલેક્શન પર છે. પેમેન્ટ એગ્રીગેટર તરીકે બિલડેસ્ક 170થી વધુ પેમેન્ટ પદ્ધતિઓની સેવા આપે છે. તે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા બિલર નેટવર્ક સોલ્યુશન પણ પ્રદાન કરે છે. કંપની માસિક હપ્તાઓ જેવા રિકરિંગ પેમેન્ટ્સનું કલેક્શન પણ ઓફર કરે છે.

PayUની ચોથી ભારતીય ડીલ :

PayUએ લગભગ એક વર્ષ પહેલા 31 ઓગસ્ટ 2021ના રોજ 4.7 અબજ ડોલરમાં બિલડેસ્કના હસ્તાંતરણની જાહેરાત કરી હતી. ત્યારથી આ સોદો નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. આ સોદો પૂરો થવાની સાથે ભારતમાં PayUનું આ ચોથું સંપાદન હશે. અગાઉ કંપનીએ 2016માં સાઇટ્રસ પે, 2019માં બિમ્બો અને 2020માં પેસેન્સ હસ્તગત કરી હતી અને ભારતની સંપૂર્ણ ફિનટેક ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.



Google NewsGoogle News