NSEના પૂર્વ CEO ચિત્રા અને પૂર્વ પોલિસ કમિશ્નર સામે ફોન ટેપિંગ મામલે કેસ દાખલ
અમદાવાદ,તા.8 જુલાઈ 2022,શુક્રવાર
કો-લોકેશન કેસમાં ગાળિયો કસાયા બાદ હવે એનએસઈના પૂર્વ અધિકારીઓ અને અન્ય લોકોએ કરેલા કાંડ બહાર આવી રહ્યાં છે. CBIએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે અને NSEના ભૂતપૂર્વ MD અને CEO ચિત્રા રામકૃષ્ણ વિરુદ્ધ શેરબજારના કર્મચારીઓના ગેરકાયદેસર ફોન ટેપિંગના મામલે FIR દાખલ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ફરિયાદ મળ્યા બાદ તપાસ કરીને કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ આ કાર્યવાહી કરી છે.
પાંડે અને રામકૃષ્ણ ઉપરાંત સીબીઆઈએ આ કેસમાં એનએસઈના અન્ય ભૂતપૂર્વ સીઈઓ અને એમડી રવિ નારાયણનું નામ પણ ટાંક્યુ છે. NSE કો-લોકેશન કૌભાંડના સંબંધમાં નારાયણ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. CBI અધિકારીઓએ માહિતી આપી છે કે પાંડે વિરુદ્ધ નોંધાયેલી FIRના સંદર્ભમાં દિલ્હી NCR, મુંબઈ, પુણે, કોટા, લખનૌ, ચંદીગઢ અને અન્ય શહેરોમાં 20 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર એનએસઈનું સિક્યોરિટી ઓડિટ કરનાર કંપનીઓમાંની એક આઈસેક સિક્યોરિટીઝ હતી, જેણે 2009-17ની વચ્ચે NSEના કર્મચારીઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કર્યા હતા. કંપની દ્વારા ઓડિટ એવા સમયે હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે કો-લોકેશન કૌભાંડ થયું હતું. કો-લોકેશન કેસની તપાસ સેબી દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી જ્યારે એક વ્હિસલ બ્લોઅરે આક્ષેપ કર્યો હતો કે કેટલાક બ્રોકર્સ ડાર્ક ફાઈબર દ્વારા કો-લોકેશન સર્વિસ-વહેલું લોગિન અને એક્સેસ મેળવતા હતા.
પાંડેએ માર્ચ 2001માં iSec સિક્યોરિટીઝની સ્થાપના કરી અને મે 2006માં તેના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતુ. ત્યારબાદ કંપની તેમના પુત્ર અને માતાએ સંભાળી લીધી. આઈઆઈટી-કાનપુર અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણેલા પાંડેએ સર્વિસમાંથી રાજીનામું આપ્યા બાદ તેની શરૂઆત કરી હોવાનું માનવામાં આવે છે. જોકે રાજ્ય સરકાર દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું ન હતું અને તેઓ ફરીથી સર્વિસમાં જોડાયા હતા. તેમ છતાં તેમને તાત્કાલિક ક્યાંય પોસ્ટ કરવામાં આવ્યા ન હતા. બાદમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકાર દરમિયાન તેમને મુંબઈના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.