એરંડા વાયદા તેમજ દિવેલમાં પીછેહઠ : નવી માગ પાંખી
- વૈશ્વિક બજારો બંધ રહેતાં દરિયાપારના નવા સમાચારોના અભાવે ઘરઆંગણે બજારમાં ધીમા વેપારો તથા સાંકડી વધઘટ
- આયાતી પામતેલના ભાવ ઉંચકાયા
મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવા વેપાર ધીમા હતા. ખાદ્યતેલોના ભાવમાં નવા વર્ષના પ્રથમ દિવસે સાંકડી વધઘટ જોવા મળી હતી. વૈશ્વિક બજારો બંધ રહેતાં દરિયાપારના સમાચાર આજે ગેરહાજર રહ્યા હતા. દરમિયાન, હિટ એન્ડ ટનના નવા કાયદાના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો ઓચીંતા હડતાળ પર ઉતરી જતાં નવા વર્ષના આરંભમાં આજે બજારમાં માલોની હેરફેર તથા બંદરો ખાતે માલોની હેરફેર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. જોકે આજે બજારમાં નવી માગ પણ પાંખી રહી હતી.
સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૬૦૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૨૫૪૦ રહ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ રૂ.૮૦૦થી ૮૦૫ બોલાઈ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.૨ નરમ હતા જ્યારે હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૦ ઘટયા હતા.
મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ એરંડા ખોળના રૂ.૧૫૦ તૂટયા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૧૦૦ નરમ હતા. જોકે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન, એરંડા વાયદા બજારમાં આજે ભાવ કિવ.ના રૂ.૬૦ તૂટી રૂ.૫૭૦૦ની અંદર ઉતરી રૂ.૫૬૬૦થી ૫૬૬૫ આસપાસ બોલાતા થયાના નિર્દેશો હતા.
મુંબઈ બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૬૩૦ તથા કપાસિયા તેલના રૂ.૮૬૦ના મથાળે શાંત રહ્યા હતા. આયાતી પામતેલના ભાવ રૂ.૮૨૦થી ૮૨૧ વાળા રૂ.૮૨૪થી ૮૨૫ રહ્યા હતા જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૭૨ રહ્યા હતા. પામતેલમાં નવા વેપાર ન હતા. પામતેલમાં નવા વેપાર નહિંવત હતા.
મુંબઈ સોયાતેલના ભાવ ડિગમના રૂ.૮૨૭ જ્યારે સનફલાવરના ભાવ રૂ.૮૧૦ તથા રિફાઈન્ડના રૂ.૮૯૦ રહ્યા હતા. મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ રૂ.૯૮૦ તથા રિફાઈન્ડના રૂ.૧૦૧૦ રહ્યા હતા. નવી મુંબઈ બંદરે પામતેલના ભાવ ૧૫ જાન્યુઆરી સુધીના રૂ.૮૨૫ રહ્યા હતા. હઝીરા ખાતે સોયાતેલ રિફાઈન્ડના ભાવ હાજરના રૂ.૮૬૦ તથા વિકલી ડિલીવરીના રૂ.૮૬૫ રહ્યા હતા.