બાયજૂસના માલિકે પગાર ચૂકવવા 1.20 કરોડ ડોલરની લોન લીધી, બે આલીશાન ઘર ગિરવે મૂક્યા
બીસીસીઆઈને 158 કરોડની સ્પોન્સરશિપની રકમ ચૂકવવામાં પણ બાયજૂસ નિષ્ફળ
એનસીએલટીમાં બીસીસીઆઈની બાયજૂસ સામે નાદારીની અરજી
દેશમાં સૌથી મોટા એડટેક પ્લેટફોર્મ બાયજૂસ (Byju's)માં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે અને કંપનીનું આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, બાયજૂસની પાસે પોતાના કર્મચારીઓને આપવા માટે પગાર આપવાના પણ રૂપિયા નથી બચ્યા અને આ નાણાકીય સંકટ વચ્ચે હવે Byjus Founder બાયજૂ રવિન્દ્રને પોતાનું ઘર પણ ગિરવે મૂકી દીધું છે. એક રિપોર્ટમાં આ દાવો કરાયો છે.
કંપની પર રોકડની તંગીનું સંકટ
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, Byju'sના કર્મચારીઓના પગાર અટકેલા છે અને કંપનીમાં રોકડની તંગી વધી રહી છે. સ્ટાફને પગાર મળવામાં થતા વિલંબ વચ્ચે બાયજૂ રવિન્દ્રને કર્ણાટકના બેંગલુરુમાં આવેલા પોતાના ઘરને ગિરવે રાખીને પૈસા એકઠા કર્યા છે, જેનાથી કર્મચારીઓનો પગાર આપી શકાય. જણાવી દઈએ કે, એડટેક સેક્ટરની આ મોટી કંપની Byju Financial Crisis લાંબા સમયથી ચાલી રહી છે અને સાથે લોન આપનારા સંસ્થાનો સાથે કંપનીની કાયદાકીય લડત પણ ચાલી રહી છે.
100 કરોડ રૂપિયામાં ગિરવે રાખ્યું ઘર!
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, બેંગલુરુમાં બાયજૂ રવિન્દ્રને પરિવારની માલિકીના બે ઘર અને એપ્સિલૉનમાં તેમનો નિર્માણાધીન વિલા છે, તેને તેમણે 12 મિલિયન ડોલર (અંદાજિત 100 કરોડ રૂપિયા) ઉધાર લેવા માટે ગિરવે રાખી દીધા છે. તેનાથી મળેલી રકમનો ઉપયોગ એડટેક કંપનીની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટમાં 15,000 કર્મચારીઓને પગાર આપવામાં કર્યો છે. જોકે, આ અંગે Byju's કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી.
લેવાના બાકી 158 કરોડ અંગે BCCIએ મોકલી બાયજૂને નોટિસ
BCCIએ કથિત રીતે 158 કરોડ રૂપિયાની ચૂકવણી ના કરવા બદલ એડટેક કંપની, બાયજૂ વિરૂદ્ધ કોર્પોરેટ નાદારીની કાર્યવાહી શરૂ કરવા માટે NCLTનો સંપર્ક કર્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ બાયજૂના નામથી ઓનલાઇન એજ્યુકેશન આપતી કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડને ભારતીય ક્રિકેટ બોર્ડની એક અરજી પર નોટિસ મોકલી છે. BCCIએ અરજી દાખલ કરીને 158 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે.
કઈ રીતે બાયજૂસ મૂકાયું આર્થિક સંકટમાં?
Byju'sમાં ચાલી રહેલા આર્થિક સંકટને જોતા આ એડટેક સ્ટાર્ટઅપ પર અંદાજિત 800 મિલિયન ડૉલરની લોન છે અને હાલમાં બાયજૂસ 1.5 અરબ ડૉલરની ટર્મ લોનનું વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહ્યું હતું, જેને લઈને કાયદાકીય લડાઈનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કંપનીમાં ચાલી રહેલી ઉથલ-પાથલ અને રોકડ સંકટને લઈને બાયજૂસની વેલ્યૂએશન પર અસર પડી છે, તો કર્મચારીઓની સામે પણ સેલેરી સંકટ વિકરાળ બન્યું છે, તેને ઓછું કરવા માટે બાયજૂ ફાઉન્ડર રવિન્દ્રને આ મોટો નિર્ણય લીધો છે.
FEMAની નવી મુસીબતમાં પણ કંપની ઘેરાઈ
આર્થિક સંકટમાં ફસેલા બાયજૂસ પર FEMAની નવી મુસીબત પણ છે. ગત દિવસોમાં EDની તપાસ સામે આવી હતી કે કંપનીએ 2011થી 2023 સુધીમાં અંદાજિત 28,000 કરોડ રૂપિયાનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) મળ્યું છે. ત્યારે, કંપનીએ આ સમયગાળા દરમિયાન વિદેશી પ્રત્યક્ષ રોકાણના નામ પર વિદેશોમાં અંદાજિત 9,754 કરોડ રૂપિયા મોકલ્યા છે. જેને લઈને કંપનીના કેટલાક ઠેકાણાઓ પર તપાસ અને જપ્ત કરવાની કાર્યવાહી થઈ હતી.
EDએ કંપની વિરૂદ્ધ મળી રહેલી ફરિયાદોના આધારે બાયજૂસ સામે તપાસ શરૂ કરી હતી. પોતાની તપાસમાં EDને જાણવા મળ્યું કે, કથિત રીતે FY2020-21થી કંપનીએ પોતાના ફાઈનાન્શિયલ ડેટા તૈયાર ન કર્યા અને એકાઉન્ટ્સ પણ ઓડિટ ન કર્યા, જે ફરજિયાત છે. EDના અનુસાર, કંપની દ્વારા ઉપલબ્ધ કરાયેલા આંકડાઓની હકિકત અંગે બેંકો પાસેથી પણ તપાસ કરાઈ રહી છે. તપાસ દરમિયાન કંપની ફાઉન્ડર બાયજૂ રવિન્દ્રનને કેટલાક સમન્સ પણ પાઠવી ચૂકાયા છે.