બાયજૂસનો કંટ્રોલ પાછો તેના માલિકને સોંપાયો, બીસીસીઆઈ સાથે સેટલમેન્ટની મંજૂરી
Byju’s Raveendran back In Control: નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યૂનલે (NCLAT) બાયજૂસની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્નને ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયામાંથી રાહત મળ્યો છે. બાયજૂસના કો-ફાઉન્ડર રવિન્દ્રન અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) વચ્ચે સમાધાનને NCLAT ની મંજૂરી મળતાં નાદારીનો કેસ બંધ કરી દેવામાં આવ્યો છે.
NCLAT એ જણાવ્યું હતું કે, "આપવામાં આવેલ બાંયધરી અને એફિડેવિટને ધ્યાનમાં રાખીને આ સમાધાનને મંજૂરી આપવામાં આવે છે. જો કે, આપેલ બાંયધરીનો ભંગ થાય તો તેવા કિસ્સામાં, નાદારીના આદેશને ફરી પાછો અમલી કરવામાં આવશે. એપલેટ ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે, કમિટી ઓફ ક્રેડિટર્સ સમક્ષ સમાધાન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સમાધાનના નાણાંનો સ્ત્રોત વિવાદિત ન હોવાથી ઈન્સોલ્વન્સી પ્રક્રિયા બંધ કરવા નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃByju'sના મેનેજમેન્ટે નાદારી નોંધાવાના આદેશને NCLATમાં પડકાર્યો, 22 જુલાઈએ થશે સુનાવણી
રવિન્દ્રન પોતાના પર્સનલ ફંડમાંથી રકમ ચૂકવશે
બાયજૂસના રવિન્દ્રન હવે ફરી પાછા કંપનીનું નિયંત્રણ પોતાના હસ્તગત લેશે. એપલેટ યુએસ સ્થિત લેણદારો દ્વારા આ સમાધાન કલંકિત હોવાની અરજી ફગાવી છે. બાયજૂસે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરી હતી. જે અંતર્ગત બીસીસીઆઈને રૂ. 158 કરોડની સ્પોન્સરશીપ ચૂકવવામાં નિષ્ફળ રહેતાં નાદાર જાહેર કરવાની અપીલ એનસીએલટી સમક્ષ કરવામાં આવી હતી. 1 ઓગસ્ટે રિજુ રવિન્દ્રન બીસીસીઆઈને રૂ. 158 કરોડ ચૂકવવા સહમત થતાં આ કેસ ફગાવી દેવામાં આવ્યો છે. રિજુએ જણાવ્યું હતું કે, તે પોતાના અંગત ફંડમાંથી આ રકમ ચૂકવશે. જે તેણે 2015-2022 દરમિયાન થીંક એન્ડ લર્ન્સના શેર્સ વેચી મેળવ્યું હતું.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની બેંગ્લુરૂ બેન્ચે 16 જુલાઈના બાયજૂસની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન વિરૂદ્ધ નાદારીની કાર્યવાહી કરવા મંજૂરી આપી ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂક કરી હતી. એનસીએલટીએ કંપનીના બોર્ડને પણ સસ્પેન્ડ કરી તેની સંપત્તિ જપ્ત કરી હતી. એનસીએલટીએ બાયજૂસના ફાઉન્ડર અને સીઈઓ બાયજૂ રવિન્દ્રન આઈઆરપી પંકજ શ્રીવાસ્તવને રિપોર્ટ કરવા આદેશ આપ્યો હતો.