Get The App

સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદદારો ગાયબ : સેન્સેક્સ 465 પોઈન્ટની તેજી બાદ 330 પોઈન્ટ તૂટીને 76190

- નિફટી સ્પોટ ૧૧૩ પોઈન્ટ ગબડીને ૨૩૦૯૨ : FPIs/FIIની કેશમાં રૂ.૨૭૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી

- કેપિટલ ગુડઝ, હેલ્થકેર, ઓટો શેરોમાં કડાકો : બજારમાં લિક્વિડિટી ક્રાઈસિસના એંધાણ

Updated: Jan 25th, 2025


Google News
Google News
સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદદારો ગાયબ : સેન્સેક્સ 465 પોઈન્ટની તેજી બાદ 330 પોઈન્ટ તૂટીને 76190 1 - image


ટ્રમ્પ ટેરિફ મામલે ઢીલા પડયા : ચાઈનાના બજારમાં ૧૩૮ અબજ ડોલર ઠાલવવાનો નિર્ણય

મુંબઈ : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે ટેરિફ યુદ્વનો ઊભો કરેલો  હાઉ આરંભે શુરા જેવો નીવડી હવે આ મામલે કૂણા પડયાના અહેવાલ અને બીજી તરફ ચાઈનાએ તેના શેર બજારોમાં પ્રાણ ફૂંકવા ઐતિહાસિક જંગી ૧૩૮ અબજ ડોલરના રોકાણનો નિર્ણય લેતાં વૈશ્વિક બજારોમાં રિકવરીથી વિપરીત ભારતીય શેર બજારોમાં વિદેશી ફંડોએ ધૂમ વેચવાલી કરતાં રહી ઈન્ડિયા એક્ઝિટ અને બેક ટુ ચાઈના સ્ટ્રેટેજી અપનાવી હતી. કંપનીઓના નબળા પરિણામોની પણ બજારમાં નેગેટીવ અસર જોવાઈ હતી. આરંભમાં છેતરામણી ચાલે સેન્સેક્સ, નિફટીને પોઝિટીવ ઝોનમાં રાખીને રોકાણકારોને ગુમરાહ કરી સ્મોલ, મિડ કેપ શેરોમાં મળ્યા ભાવે જંગી વેચવાલીનો મારો ચલાવતા અનેક શેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રોકાણકારોના પોર્ટફોલિયો મોટી નુકશાનીમાં આવી જતાં પેનીક સેલિંગ વધ્યું હતું. ફંડોએ જાતેજાત શેરોમાં ગાબડાં પાડી એક્ઝિટ લેવાનો પ્રયાસ કરતાં બજારમાં લિક્વિડિટીનું મોટું સંકટ સર્જાવાના સંકેત મળવા લાગ્યા હતા. બેંક ઓફ જાપાન દ્વારા વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યાની અસર પણ બજાર પર જોવાઈ હતી.

ફાર્મા શેરોનું સ્વાસ્થય બગડયું : હેલ્થકેર ઈન્ડેક્સ ૯૪૫ પોઈન્ટ તૂટયો : સોલારા, આર્ટેમીસ, સિન્જેન તૂટયા

ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોનું સ્વાસ્થ્ય આજે બગડતાં અનેક હેલ્થકેર શેરોમાં ગાબડાં પડયા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૯૪૪.૬૫ પોઈન્ટ તૂટીને ૪૨૧૯૮.૯૫ બંધ રહ્યો હતો. સોલારા રૂ.૫૮.૨૦ તૂટી રૂ.૬૨૦.૬૦, આર્ટેમીસ મેડિકેર રૂ.૧૮.૪૦ તૂટી રૂ.૨૯૨.૧૫, ઈન્નોવા કેપ રૂ.૬૨ ઘટીને રૂ.૧૦૦૮.૮૫, સિન્જેન રૂ.૪૮.૬૦ તૂટી રૂ.૭૯૮.૬૫, મેનકાઈન્ડ રૂ.૧૩૫.૭૦ તૂટી રૂ.૨૪૯૭, ડો.રેડ્ડીઝ લેબ રૂ.૬૪.૬૫ ઘટીને રૂ.૧૨૨૪.૭૦, ઓર્ચિડ ફાર્મા રૂ.૭૩.૯૫ ઘટીને રૂ.૧૨૨૪.૭૦,  હાઈકલ રૂ.૧૬.૫૦ ઘટીને રૂ.૩૫૧, આરપીજી લાઈફ રૂ.૯૪.૧૫ ઘટીને રૂ.૨૦૭૨.૫૦, ગ્લેનમાર્ક રૂ.૬૫.૨૦ ઘટીને રૂ.૧૪૪૭.૧૫, થાયરોકેર રૂ.૩૩.૭૦ ઘટીને રૂ.૭૮૨.૬૦ રહ્યા હતા.

સેન્સેક્સ ૪૬૫ પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ ૩૩૦ તૂટયો : નિફટી ૨૩૩૪૭થી ૨૩૦૫૦ સુધી ગબડયો

શેરોમાં આરંભમાં સેન્સેક્સ, નિફટી બેઝડ છેતરામણી તેજી જોવાઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૭૬૫૨૦.૩૮ સામે ૭૬૪૫૫.૩૫ મથાળે ખુલીને હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા, ઈન્ફોસીસ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી સહિતમાં લેવાલીએ એક સમયે ૪૬૫.૫૭ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૭૬૯૮૫.૯૫ સુધી પહોંચ્યા બાદ મહિન્દ્રા એન્ડ મહિનન્દ્રા, ટાટા મોટર્સ સહિતના ઓટો શેરો અને ઝોમાટો, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, મારૂતી, બજાજ ફાઈનાન્સ સહિતમાં વેચવાલીએ ઉછાળો ધોવાઈ જઈ નીચામાં ૭૬૦૯૧.૭૫ સુધી આવી અંતે ૩૨૯.૯૨ પોઈન્ટ ગબડીને ૭૬૧૯૦.૪૬ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ આગલા બંધ  ૨૩૨૦૫.૩૫ સીબજ ૨૩૧૮૩.૯૦ ખુલી ઉપરમાં ૨૩૩૪૭.૩૦ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૩૦૫૦ સુધી ગબડી અંતે ૧૧૩.૧૫ પોઈન્ટ ગબડીને ૨૩૦૯૨.૨૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં અવિરત ગાબડાં :  કલ્પતરૂ પાવર રૂ.૪૮ તૂટયો : શેફલર, આઈનોક્સ, સુઝલોન તૂટયા

કેપિટલ ગુડઝ શેરોમાં આજે અવિરત ફંડોએ મોટું સેલિંગ કરતાં ગાબડાં પડયા હતા. કલ્પતરૂ પાવર રૂ.૪૮.૧૦ તૂટીને રૂ.૧૦૫૭.૧૫, શેફલર રૂ.૧૪૨.૩૫ તૂટીને રૂ.૩૧૯૧.૮૫, આઈનોક્સ વિન્ડ રૂ.૬.૧૫ ઘટીને રૂ.૧૪૩.૧૫, ભારત ડાયનામિક્સ રૂ.૫૧.૦૫ ઘટીને રૂ.૧૨૪૦.૯૦, સુઝલોન રૂ.૧.૭૬ ઘટીને રૂ.૫૨.૫૬, સિમેન્સ રૂ.૧૮૨.૩૦ ઘટીને રૂ.૫૮૮૨.૮૫, ભેલ રૂ.૫.૯૫ ઘટીને રૂ.૨૦૦.૨૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૭૬.૭૦ ઘટીને રૂ.૨૮૧૦.૬૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૫૮.૯૦ ઘટીને રૂ.૬૧૬૯, એલએમડબલ્યુ રૂ.૩૯૨.૧૦ ઘટીને રૂ.૧૫,૮૩૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૯૮.૫૯ પોઈન્ટ ગબડીને ૬૨૨૩૧.૧૬ બંધ રહ્યો હતો.

બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૧૪૩ પોઈન્ટ તૂટયો : મિડ કેપ ઈન્ડેક્સ ૬૯૩ પોઈન્ટ ગબડયો

સ્મોલ, મિડ કેપ શેરોમાં અનેક શેરો ૨૦૦ દિવસની મુવિંગ એવરેજની નીચે ટ્રેડ થવા લાગ્યા બાદ આજે વધુ મોટાપાયે હેમરીંગ થવા સાથે રિટેલ ઈન્વેસ્ટરો, ફંડોનું પેનીક સેલિંગ નીકળ્યું હતું. જેના પરિણામે અસાધારણ સાર્વત્રિક કડાકો બોલાયો હતો. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૧૪૨.૭૮ પોઈન્ટ એટલે કે ૨.૨૩ ટકા તૂટીને ૫૦૧૦૭.૫૧ આવી ગયો હતો. જ્યારે બીએસઈ મિડ કેપ ઈડેક્સ ૬૯૩.૦૩ પોઈન્ટ એટલે કે ૧.૬૦ ટકા તૂટીને ૪૨૭૧૫.૬૩ બંધ રહ્યો હતો.

લિક્વિડિટી કટોકટી સર્જાવાના એંધાણ : અનેક શેરોમાં ખરીદદાર ગાયબ : ૨૯૦૨ શેરો નેગેટીવ બંધ

બજારમાં કટોકટીની સ્થિતિ સર્જાવા લાગી હોય એમ અનેક શેરોમાં ખરીદદાર ગાયબ થઈ જતાં ભાવો ઓછા વોલ્યુમે તૂટતાં જોવાઈ રહ્યા છે. ઘણા રોકાણકારો સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઊંચા ભાવે ફસાયા હોઈ નવા રોકાણ માટેની જગ્યા નહીં હોઈ લિક્વિડિટીની અછતનો સામનો કરી રહ્યાના અહેવાલ છે. જે આગામી દિવસોમાં વધુ મોટા કડાકા બોલાવી શકે એમ હોય બજારમાં ગભરાટ વધતો જોવાઈ રહ્યો છે. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૦૨ અને વધનારની સંખ્યા માત્ર ૧૦૨૮ રહી હતી.

ઓટો શેરોમાં મોટું ધોવાણ : ઉનો મિન્ડા રૂ.૪૫ તૂટી રૂ.૯૨૩ : ટીઆઈ, એક્સાઈડ, મહિન્દ્રા ગબડયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં મંદીનો નવો રાઉન્ડ શરૂ થયો હોઈ એમ આજે ફંડોએ હેમરિંગ કર્યું હતું. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૫૯.૨૩ પોઈન્ટ તૂટીને ૪૯૯૬૭.૨૦ બંધ રહ્યો હતો. ઉનો મિન્ડા રૂ.૪૫.૬૦ તૂટીને રૂ.૯૨૩, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૨૮.૮૫ તૂટીને રૂ.૩૨૩૬.૪૦, એક્સાઈડ રૂ.૧૪.૩૦ ઘટીને રૂ.૩૬૯.૧૫, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૩૯.૯૦ ઘટીને રૂ.૧૦૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૪.૩૫ ઘટીને રૂ.૨૮૦૧, અપોલો ટાયર રૂ.૧૫.૯૦ ઘટીને રૂ.૪૨૩, ટાટા મોટર્સ રૂ.૧૮.૬૫ ઘટીને રૂ.૭૩૩.૯૦, હીરો મોટોકોર્પ રૂ.૪૯.૯૫ ઘટીને રૂ.૪૦૫૦.૭૫, મારૂતી સુઝુકી રૂ.૭૩.૫૦ ઘટીને રૂ.૧૧,૯૭૨.૮૦ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૨૭૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૪૦૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  શુક્રવારે કેશમાં રૂ.૨૭૫૮.૪૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૨૩૦.૪૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૯૮૮.૯૬ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૪૦૨.૩૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૨,૮૩૫.૪૧  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૩૩.૧૦ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૧૨ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૧૯.૫૧ લાખ કરોડ

સ્મોલ,મિડ કેપ શેરોમાં અસાધારણ ગાબડાં પડવા સાથે ફંડોનું એ ગુ્રપ, રોકડાના અનેક શેરોમાં હેમરિંગ વધતાં ભાવો તૂટતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૧૨  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૧૯.૫૧  લાખ કરોડ રહી ગયું હતું.


Tags :
Sensex

Google News
Google News