રાશનની દુકાનો હવે સાબુ-શેમ્પુ પણ ઓનલાઈન વેચશે, ઈ-કોમર્સ કંપનીઓને આપશે ટક્કર
સૌથી પહેલા હિમાચલ પ્રદેશના બે જિલ્લામાં પ્રયોગ હાથ ધરાશે, બાદમાં દેશભરમાં અમલ કરાશે
Online PDS Shops: આગામી દિવસોમાં ઈ-કોમર્સ કંપનીઓએ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (પીડીએસ) એટલે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવતી દુકાનોની આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. આ માટે કેન્દ્ર સરકારે નવી યોજના બનાવીને એક પ્રયોગ હાથ ધર્યો છે. તે અંતર્ગત રાશનની દુકાનો નામે ઓળખાતી પીડીએસની દુકાનોમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ ઓનલાઈન વેચી શકે છે.
ઓનલાઈન વેચાણ ONDC પર કરવામાં આવશે
ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) એ કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. હવે કેન્દ્ર ઓએનડીસીની મદદથી રાશનની દુકાનો પર કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સને ઓનલાઈન વેચવાની યોજના બનાવી રહ્યું છે. ઓએનડીએસ ઈ-કોમર્સના યુપીઆઈ તરીકે પણ ઓળખાય છે, જેનો હેતુ ઈ-કોમર્સમાં ખાનગી કંપનીઓનું વર્ચસ્વ ખતમ કરવાનો છે.
હિમાચલમાં ઓનલાઈન વેચાણની યોજના શરૂ
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવતી રાશનની દુકાનોમાં હાલ તો અનાજ સહિતની ચીજવસ્તુ છે, પરંતુ હવે અહીં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના વેચાણનો પ્રયોગ પણ શરૂ કરાયો છે. સૌથી પહેલા હિમાચલ પ્રદેશના ઉના અને હમીરપુર જિલ્લાથી આ પ્રયોગ હાથ ધરાયો છે.
ઈ-કોમર્સ કંપનીઓ માટે મોટો પડકાર
જો આ પ્રયોગ સફળ થશે તો આવનારા દિવસોમાં રાશનની દુકાનોમાંથી લોકો ઓનલાઈન કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સામાનની સાથે ટૂથબ્રશ, સાબુ અને શેમ્પૂ પણ ખરીદી શકશે. તેમજ ઓએનડીએસ અને રાશનની દુકાનોની આ ભાગીદારી ઈ-કોમર્સ કંપનીઓ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
પ્રયોગ સફળ રહેશે તો દેશભરમાં શરૂઆત થશે
અહેવાલો મુજબ, આ યોજનાની શરૂઆત ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ 11 વાજબી ભાવની દુકાનોથી કરી છે. આ પ્રયોગના સફળ પરિણમો પછી આ યોજનાને પહેલા સમગ્ર હિમાચલ પ્રદેશમાં લાગુ કરાશે અને બાદમાં તે દેશભરમાં શરૂ કરાશે.