સોનું ખરીદવું છે પણ પૈસા નથી, તો ચિંતા ન કરો; 100-100 રૂપિયામાં આ રીતે ખરીદી શકશો
Digital Gold Investments: વિશ્વનો બીજો ટોચનો સોનાના ઘરેણાંનો વપરાશ કરતો દેશ ભારતમાં વર્ષો-પુરાણોથી સોનું લોકપ્રિય ધાતુ રહી છે. ભારતીયો પાસે લગભગ 21000 ટન સોનું છે. શ્રાવણ મહિનાની સાથે શરૂ થઈ રહેલા તહેવારોમાં સોનાની ખરીદી કરવા માગો છો પરંતુ પૈસા નથી. તો ચિંતા ન કરો, ડિજિટલ યુગની સાથે કિંમતી ધાતુમાં રોકાણની રીત પણ આધુનિક થઈ છે. ઘણા ભારતીયો હવે ફિઝિકલ ગોલ્ડના બદલે ડિજિટલ ગોલ્ડને પ્રાધાન્ય આપી રહ્યા છે. જે દર્શાવે છે કે, આગામી સમયમાં ડિજિટલ ગોલ્ડની ખરીદી વધશે. આવો જાણીએ, ડિજિટલ ગોલ્ડમાં ખરીદીની રીત અને ફાયદા...
NAVI દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં 39 ટકા લોકો ફિઝિકલ સોનાને બદલે ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ ચોરી છે. ફિઝિકલ સોનુ ચોરાય જવાની ભીતિ સતત રહેતી હોય છે. જ્યારે ડિજિટલ ગોલ્ડ તે જ શુદ્ધતા અને ભાવમાં સુરક્ષિત રોકાણ કરવાની તક આપે છે. 36 ટકા લોકો શુદ્ધતાના પાસાંઓમાં છેતરાઈ જાય નહીં તે માટે 24 કેરેટ શુદ્ધ સોનું ખરીદવા ડિજિટલ મોડની પસંદગી કરે છે.
ફિઝિકલ ગોલ્ડ કરતાં સસ્તું
ડિજિટલ ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડ કરતાં સસ્તુ હોય છે. જેમાં રૂ. 100ના નજીવા રોકાણ સાથે તમે સોની ખરીદીનો આનંદ માણી શકો છો. જેથી મોટાભાગના રોકાણકારો ખાસ કરીને યુવાનો ઓછી મૂડીમાં પણ સોનાની ખરીદીનો લાભ લેવા ડિજિટલ ગોલ્ડને પ્રાધાન્ય આપી રહ્યા છે. નોંધનીય છે, ડિજિટલ ગોલ્ડમાં ઘડામણ કે મેકિંગ ચાર્જ લેવામાં આવતા નથી.
આ પણ વાંચોઃ હવે ટેક્સની ચૂકવણી પર કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં, આરબીઆઇ UPI લિમિટ વધારશે
કેવી રીતે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ શક્ય
ઘણી ફિનટેક્ કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડ ઓફર કરી રહી છે. તમે તેમાં રૂ. 100ના નજીવા રોકાણથી શરૂઆત કરી શકો છો. બજારના ભાવે ગોલ્ડ પર ડિજિટલ ટ્રાન્જેક્શન કરી વેચી પણ શકો છો. જો તમે ડિજિટલ ગોલ્ડ વેચવા ન માગતા હોવ તો તમે તેની ફિઝિકલ ડિલિવરી પણ લઈ શકો છો. જુદા-જુદા પ્લેટફોર્મ પર જુદા-જુદાં નિયમો લાગુ છે. અમુક ટોચના જ્વેલર્સ પણ ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ મારફત નજીવા દરે ડિજિટલી સોનું ખરીદવાની તક આપી રહ્યા છે.
સોનાએ આકર્ષક રિટર્ન આપ્યું
જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ફુગાવો, આર્થિક સ્થિતિ ડામાડોળ થાય ત્યારે કિંમતી ધાતુ આકર્ષક રિટર્ન સાથે ઉભરી આવે છે. કોરોના મહામારીથી અત્યારસુધીમાં સોનામાં આકર્ષક રિટર્ન જોવા મળ્યું છે. આ વર્ષે જ અત્યારસુધીમાં સોનાની કિંમત લગભગ રૂ. 10000 વધી છે. 50 ટકા લોકો માને છે કે, સોનુ ભૂતકાળમાં જ સારૂ રિટર્ન આપવામાં સફળ રહ્યુ છે. 25 ટકા લોકોએ જણાવ્યું છે કે, તેઓ ડિજિટલ ગોલ્ડ ઓફર કરતી એપ દ્વારા કોઈપણ સમયે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ, વેચાણ અને ટ્રેક કરી શકે છે. જેથી ફિઝિકલના બદલે ડિજિટલ ગોલ્ડની પસંદગી કરે છે.
ડિજિટલ ગોલ્ડ અંગે જાગૃત્તિનો અભાવ
આ સર્વેમાં સામેલ 67 ટકા લોકોને ડિજિટલ ગોલ્ડ વિશે જાણકારી નથી. આજે પણ મોટાભાગના લોકો ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાની પ્રક્રિયા કે તેમાં મળતા લાભો વિશે જાણતા નથી. 44 ટકા લોકો ફિઝિકલ ગોલ્ડની ખરીદી તેના સ્પર્શ અને અનુભવ માટે કરે છે. ડિજિટલ સોનાના ફાયદા વિશે વધુ નાણાકીય સાક્ષરતા લાવવાની અને ગ્રાહકોની સામાન્ય ચિંતાઓ અને પ્રશ્નોને ઉકેલવા જરૂરી છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.