ટાટા સન્સ અને સાયરસ મિસ્ત્રી વચ્ચે શું વિવાદ હતો?
અમદાવાદ તા. 5 સપ્ટેમ્બર 2022,સોમવાર
ઓક્ટોબર ૨૦૧૬માં ટાટા સન્સની એક બોર્ડ મીટીંગમાં બોર્ડના સભ્યોએ હવે તેમને સાયરસ મિસ્ત્રીની લીડરશીપમાં વિશ્વાસ નથી અને તેમની કામગીરીના કારણે ટાટા જૂથના વ્યાવસાયિક હિતોને નુકસાન થઇ રહ્યું હોવાના આક્ષેપ સાથે હકાલપટ્ટી કરી હતી. મિસ્ત્રીએ આ વિવાદને નેશનલ કંપની લો બોર્ડની એપેલેટ ટ્રીબ્યુનલમાં પડકાર્યો હતો અને તેમાં પોતાની તરફેણમાં ચુકાદો આવતા ફરી ટાટા જૂથના ચેરમેન બનવા કાવાય્ત હાથ ધરી હતી. જોકે, ટાટા ગ્રુપ તરફથી આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ટાટા જૂથની તરફેણમાં ચુકાદો આપી બોર્ડના નિર્યણને અંતિમ ગણવાનો આદેશો આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને બોર્ડની બેઠકમાં બોલાવી, તેની કામગીરી સામે વાંધો ઉઠાવી તેમણે હટી જવા માટે અચાનક જ જાણ કરી હતી. આ મામલે પણ સાયરસ મિસ્ત્રીએ વાંધો ઉઠાવ્યો હતો.
આ ઉપરાંત, સાયરસ મિસ્ત્રી અને તેને ટેકો આપી રહેલા લોકો માટે એનએનસીએલટીના ચુકાદામાં કેટલાક શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની સામે પણ એપેલેટ ટ્રીબ્યુનલે વાંધો ઉઠાવી તેને ચુકાડામાંથી દુર કરવાનો આદેશ આપ્યો છે. એપેલેટ ટ્રીબ્યુનલે નોંધ્યું છે કે આવા શબ્દોથી લોકોનું સ્ન્માન ઘટે છે, તેમની શાખ ઘટે છે તેથી આવા શબ્દો દુર રહેવા જોઈએ અને ટ્રીબ્યુનલે ભવિષ્યમાં આ અંગે ધ્યાન રાખવું જોઈએ.
મિસ્ત્રીની લડાઈ
ટાટા સન્સ અને સાયરસ મિસ્ત્રીની આ લડાઈ માત્ર કાયદાકીય આંટીઘૂંટીની રહી નહોતી. મિસ્ત્રીએ હકાલપટ્ટી પછી રતન ટાટાની દખલગીરી, ટાટા જૂથ દ્વારા કરવામાં આવેલા રોકાણ, વિવિધ પ્રોજેક્ટમાં કરવામાં આવેલા જંગી ખર્ચ અને તેના કારણે જૂથ ઉપર સતત વધી રહેલી નાણાકીય ભીંસ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. રતન ટાટાના સપના સમાન નેનો પ્રોજેક્ટ સામે પણ મિસ્ત્રીએ વાંધો ઉઠાવ્યો હતો. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે રતન ટાટાની જીદના કારણે ટાટા મોટર્સ નેનોનું ઉત્પાદન કરી રહી છે, આ કાર બજારમાં સારો પ્રતિસાદ મેળવવમાં નિષ્ફળ ગઈ હોવાથી કંપનીને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મિસ્ત્રીએ એક પત્રમાં જણાવ્યું હતું કે અણધડ રીત લેવાયેલા નિર્ણયોના કારણે જૂથને ૧૮ અબજ જેટલી મોટી રકમ માંડવાળ કરવી પડે એવી સ્થિતિ પેદા થઇ છે.
જોકે, રતન ટાટાએ સામે મિસ્ત્રીએ લીધેલા કેટલા નિર્ણયો અને તેના અંગે બોર્ડને કોઈ જાણકારી નહી હોવાની કે બોર્ડને અંધારામાં રાખ્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. મિસ્ત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે ટાટા જૂથનું બોર્ડ લઘુમતી શેરહોલ્ડરના હિતમાં કામ કરી રહ્યું નથી અને મેનેજમેન્ટમાં ટાટા સન્સના બહુમતી શેરહોલ્ડર સતત દખલ કરી રહ્યા છે.
ટાટા સન્સ શું છે?
ટાટા જૂથની સ્થાપના ૧૮૬૮માં જમશેદજી ટાટાએ કરી હતી અને આજે ૧૧૦ અબજ ડોલરની વાર્ષિક આવક અને લગભગ ૭.૨૫ લાખ કર્મચારીઓ ધરાવતું આ જૂથ દેશનું સૌથી મોટું ઉદ્યોગગૃહ છે. ટાટા દેશની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. ટાટા સન્સ અલગ અલગ કંપનીઓ ધરાવે છે અને તેના શેરહોલ્ડર તરીકે કે હોલ્ડીંગ કંપની છે. ટાટા સ્ટીલ (વિશ્વની અગ્રણી સ્ટીલ કંપની), ટાટા કન્સલ્ટન્સી (વિશ્વની ટોચની પાંચ આઈટી કંપનીઓમાંથી એક), ટાટા કેમિકલ્સ (દેશની સૌથી મોટી કેમીલ્ક્સ કંપની), ટાટા મોટર્સ (દેશની સૌથી મોટી ઓટો કંપની), ઇન્ડિયન હોટેલ્સ (દેશની સૌથી મોટી હોટેલ્સ અને રિસોર્ટ કંપની) સહિત સેંકડો કંપનીઓ ધરાવે છે. આ જૂથ અત્યારે પોતાની ૬૦ થી ૭૦ ટકા કમાણી દેશની બહાર નિકાસ કરી મેળવે છે.
ટાટા જૂથની બધી જ કંપનીઓ સ્વંતંત્ર રીતે કામ કરે છે પણ તેના ઉપર દેખરેખ, નિયંત્રણ અને માર્ગદર્શનનું કામ ટાટા સન્સના બોર્ડ દ્વારા કરવામાં આવે છે.