મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં સિંગતેલમાં ભાવ વધારાની રમત, 3 દિવસમાં રૂ.50નો વધારો
Groundnut Oil price hike : મગફળીનું ગુજરાતમાં ગત વર્ષે 46.42 લાખ ટનનું બમ્પર ઉત્પાદન અને તે પહેલાના વર્ષે 2022-23માં પણ 45.31 લાખ ટનનું ઉત્પાદન નોંધાયું હતું. આમ છતાં રાજકોટ -સૌરાષ્ટ્ર સિંગતેલમાં વઘુ રૂ. 20ના વધારા સાથે ત્રણ દિવસમાં રૂ. 50નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. હાલ ચોમાસામાં અને મગફળીની સિઝનના અંતમાં તેલ મિલરો સંગ્રહખોરી કરી રહ્યાની શક્યતા વચ્ચે સિંગતેલના પ્રતિ 15 કિલો ડબ્બાના ભાવ ગત ગુરુવારે રૂ. 2560-2610 હતા, જે વધીને રૂ. 2610-2660એ પહોંચાડી દેવાયા છે.
આશ્વર્યની વાત એ છે કે મગફળીનું બમ્પર ઉત્પાદન, માંગમાં કોઈ વધારો નથી થયો. બીજી તરફ, કપાસિયા, પામતેલના ભાવ સ્થિર છે, પરંતુ સિંગતેલમાં રોજ ભાવવધારાની રમત ચાલી રહી છે. આ ઉપરાંત યાર્ડમાં ચોમાસામાં પણ 1500થી 1800 ક્વિન્ટલની આવક ચાલુ છે અને આજે ભાવ 1120-1320 વચ્ચે રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
રાજ્યમાં ખેતી ચોમાસા આધારિત હોય કૃષિ માટે હાલ ખરીફ ૠતુ એ મુખ્ય સિઝન છે, જેમાં કુલ આશરે 86 લાખ હેક્ટર જમીનને ખેડીને વિવિધ 20 જેટલા પાકોના બીજ રોપાતા હોય છે. વરસાદ સારો થાય તો બમ્પર પાક થતો રહ્યો છે. આ વર્ષે 15 જુલાઈ સુધી સત્તાવાર અહેવાલ મુજબ કુલ 54,30,956 હેક્ટરમાં એટલે કે નોર્મલ સરેરાશના 63.45 ટકા વાવણી થઈ છે અને આશરે 40 ટકા વાવણી હજુ બાકી છે. ત્યાં જ મગફળીનું વાવેતર ગત વર્ષે આજની તારીખે 15.84 લાખ હેક્ટર હતું, જે આ વર્ષે 1.38 લાખ વધીને 17,22,756 હેક્ટરમાં થયું છે.
જો કે કપાસના ભાવ એક વર્ષ પહેલા આસમાને પહોંચતા તેનું વર્ષ .2023-24 દરમિયાન 26.83 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું અને 99.91 લાખ ગાંસડીનું બમ્પર ઉત્પાદન થયું હતું. પરંતુ આ વર્ષે કપાસની તેજીનો પરપોટો ફૂટ્યો હતો અને ભાવ સામાન્ય પ્રતિ મણ રૂ. 1500થી 1600 વચ્ચે જળવાયા છે. આ સ્થિતિમાં આ વર્ષે કપાસનું વાવેતર ખેડૂતો બહુ વધારવા માંગતા ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગત વર્ષે આજ સુધીમાં 25.40 લાખ ટન સામે આ વર્ષે 20.99 લાખ ટન કપાસનું વાવેતર થયું છે. જોકે નોર્મલ વાવેતર કરતા અત્યાર સુધીમાં જ 84 ટકાથી વઘુ વાવેતર થઈ ગયું છે.
ગુજરાતમાં અન્ય મુખ્ય પાકોમાં ડાંગરનું 1.85 લાખ હેક્ટર, બાજરીનું 99,547 હેક્ટર, મકાઈનું 2.27 લાખ હેક્ટર, મગનું 16,500 હેક્ટર, અડદનું 28306 હેક્ટર, તલનું 15,954 હેક્ટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષથી થોડું ઓછું છે. પરંતુ જે પાકોનું વાવેતર ગત વર્ષે આજની તારીખની સાપેક્ષે વઘ્યું છે તેમાં જુવાર 11,285 હેક્ટર, તુવેર 1,23,126 હેક્ટર અને સોયાબીન 2,55,909 હેક્ટરમાં થયું છે. હજુ વાવણીનું કામ ચાલુ છે.