સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ તેજીનો ચમકારો: આયાતી ખાદ્યતેલોમાં પીછેહટ
- એરંડા વાયદામાં બેતરફી વધઘટ જોવા મળી
- સૌરાષ્ટ્રમાં સિંગતેલ તથા કોટન વોશ્ડના ભાવમાં સામસામા રાહ
મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ સૌરાષ્ટ્ર પાછળ વધુ ઉંચકાયા હતા જ્યારે કપાસિયા તેલ શાંત હતું. આયાતી ખાદ્યતેલોના ભાવ સૂસ્ત હતા. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો નજીકની ડિલીવરીમાં ૨થી ૮ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો. જોકે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢીથી પાંચ ડોલર ઘટયા હતા.
દરમિયાન, ઘરઆંગણે સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ વધી રૂ.૧૪૭૫ તથા ૧૫ કિલોના રૂ.૨૩૫૫ રહ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ ઘટી રૂ.૯૧૫ થી ૯૨૦ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧૫૨૦ રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ.૯૭૦ના મથાળે શાંત હતા.
દરમિયાન, મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૯૧૫ વાળા રૂ.૯૧૩ રહ્યા હતા. નવા વેપારો ધીમા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૮૬૮ વાળા રૂ.૮૬૨ રહ્યા હતા. મુંબઈ સોયાતેલના ભાવ ડિગમના ઘટી રૂ.૯૨૦ તથા રિફાઈન્ડના રૂ.૯૭૫ રહ્યા હતા સનફલાવરના ભાવ ઘટી રૂ.૯૨૦ તથા રિફાઈન્ડના રૂ.૯૭૦ રહ્યા હતા. મસ્ટર્ડ સરસવ તેલ શાંત હતું. મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ધીમો સુધારો બતાવતા હતા. આ સાથે હાજર એરંડા પણ નજીવા વધ્યા હતા.
એરંડા વાયદાના ભાવ નીચામાં રૂ.૫૭૬૬ તથા ઉંચામાં રૂ.૫૮૦૬ થઈ રૂ.૫૭૭૦થી ૫૭૮૦ આસપાસ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે ટનના ભાવ એરંડા ખોળના રૂ.૫૦ વધ્યા હતા. જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૧૦૦૦થી ૧૧૦૦ વધી આવ્યા હતા. સનફલાવર ખોળના ભાવ જો કે ટનના રૂ.૫૦૦ નરમ બોલાઈ રહ્યા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા.
નવી મુંબઈ બંદરે ફોરવર્ડ ભાવ સન ફલાવરના રૂ.૯૫૦ રહ્યા હતા. મલેશિયાથી પામતેલની નિકાસ ૨૫ દિવસમાં આશરે ૧૭થી ૧૮ ટકા ઘટી હોવાના વાવડ હતા. મસ્ટર્ડ સરસવની આવકો આજે રાજસ્થાનમાં ૨ લાખ ૭૫ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા ૪ લાખ ૫૦ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ.૬૦૫૦થી ૬૦૭૫ રહ્યા હતા.