જો રૂ. 12 લાખ સુધીની આવક પર કરમુક્તિ તો આ 10%નો સ્લેબ કેમ? સરળ ભાષામાં સમજો
Budget 2025: નાણાંમંત્રી નિર્મલા સીતારામણે શનિવારે (પહેલી ફેબ્રુઆરી) સંસદમાં 2025-26ના વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારા કરદાતાઓને એક પણ રૂપિયો ટેક્સ ન ભરવો પડે તેવી જોગવાઈ દાખલ કરી દીધી છે. પરંતુ લોકોના મનમાં આ અંગે ઘણાં સવાલો છે. જેમ કે, જો કોઈનો વાર્ષિક પગાર 13 લાખ રૂપિયા છે, તો તેના પર કેટલો ટેક્સ લાગશે? આ સાથે, સૌથી મોટી મૂંઝવણ એ છે કે જો 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્ત આપવામાં આવે છે, તો શું ફક્ત 1 લાખ રૂપિયા પર જ કર ચૂકવવો પડશે? તો તેનો જવાબ ના છે.
લોકોનો એક સવાલ એ પણ છે કે જો વાર્ષિક પગાર 13 લાખ રૂપિયા હોય, તો શું 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે? તો આનો જવાબ પણ ના છે. આ ઉપરાંત અન્ય એક સવાલ એ પણ છે કે જ્યારે 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, તો પછી સરકારે આ સ્લેબ સિસ્ટમ કેમ આપી છે, 4થી 8 લાખ રૂપિયાની આવક પર 5 ટકા, 8થી 12 લાખ રૂપિયા પર 10 ટકા આવકવેરો કેમ?
આ બધાં સવાલોના જવાબ
જો તમારો વાર્ષિક પગાર 13 લાખ રૂપિયા છે અને તેને ટેક્સ સ્લેબ અનુસાર, 4 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પહેલા 4 લાખ, બીજા 4 લાખ, ત્રીજા ચાર લાખ અને છેલ્લે બાકીના એક લાખ રૂપિયા. પહેલા ચાર લાખ રૂપિયા પર કોઈ ટેક્સ નથી. હવે, 4થી 8 લાખ રૂપિયાના આગળના ભાગ પર 5 ટકા ટેક્સ લાગશે, જેનો અર્થ એ થયો કે આના પર 20 હજાર રૂપિયા હશે. હવે 8થી 12 લાખ રૂપિયાની રકમ પર 10 ટકા ટેક્સ લાગશે. જે લગભગ 40 હજાર રૂપિયા હશે. હવે છેલ્લા એક લાખ રૂપિયા બાકી છે. આ એક લાખ રૂપિયા પર 15 ટકા ટેક્સ લાગશે, જે 15 હજાર રૂપિયા થાય છે. હવે જો આપણે આખી રકમ પર લાગુ પડતો ટેક્સ ઉમેરીએ તો તે 75 હજાર રૂપિયા થશે. એટલે કે વાર્ષિક 13 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકોએ 75 હજાર રૂપિયા ટેક્સ ચૂકવવા પડશે.
ટેક્સ મુક્તિનો લાભ કોને મળશે?
ઘણાં લોકોને એ મૂંઝવણ છે કે આ નિર્ણય ફક્ત નોકરી કરતા લોકો માટે જ લાગુ પડે છે, જો કે સરકારે બજેટમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તમે નોકરી કરતા હોય કે, કોઈ વ્યવસાય કરતા હોવ કે દુકાન ચલાવતા હોવ, જો તમારી વાર્ષિક આવક 12 લાખ કે તેથી ઓછી હોય, તો તમારે આવકવેરો ભરવાની જરૂર નથી. નોકરી કરતા લોકો માટે એક ફાયદો એ છે કે આ ટેક્સ મુક્તિની સાથે, તેમને 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ મળતો રહેશે. ઉદાહરણ તરીકે, જો કોઈ પગારદાર વ્યક્તિનો વાર્ષિક પગાર 12 લાખ 75 હજાર રૂપિયા છે, તો 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મેળવ્યા પછી, તેનો પગાર 12 લાખ રૂપિયા થઈ જશે અને તેને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.