Get The App

Budget 2024: NPSમાં ટેક્સ છૂટ મર્યાદા વધારવા અપીલ, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ મળવાની અપેક્ષા

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
budget Expectations


Budget Expectations 2024: કેન્દ્ર સરકાર પૂર્ણ બજેટમાં નેશનલ પેન્શન સ્કીમ સભ્યોને રાહત આપવા અનેક જાહેરાતો કરી શકે છે. જે અંતર્ગત એનપીએસ યોગદાન પર ટેક્સ મુક્તિ મર્યાદા વધારી 12 ટકા કરી શકે છે. જે હાલ 10 ટકા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈ બજેટ રજૂ ટેક્સશે. પેન્શન ફંડ રેગ્યુલેટર પીએફઆરડીએએ આ વર્ષે સરકાર સમક્ષ ટેક્સ મુક્તિ મર્યાદા વધારવા રજૂઆત કરી હતી. ટેક્સ મામલે ઈપીએફઓ તરફથી એનપીએસમાં યોગદાન આપનારી કંપનીઓ અને એમ્પ્લોયર્સ માટે સમાન તકો હોવી જોઈએ. હાલ તેમાં અસમાનતા છે.

એનપીએસમાં મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા પર ટેક્સમાં 10 ટકા છૂટ છે, જ્યારે ઈપીએફઓ મામલે તે છૂટ 12 ટકા છે. સરકારી કર્મચારીઓના મામલે આ મર્યાદા 14 ટકા છે. નિષ્ણાતોનું કહેવુ છે કે, સરકાર પીએફઆરડીએના આ પ્રસ્તાવ પર વિચારણા કરી શકે છે.

આ સુધારા પણ સંભવ

હાલ કલમ 80 સીસીડી (1બી) અંતર્ગત રૂ. 50 હજારનું સ્વૈચ્છિક યોગદાન સંબંધિત એડિશનલ બેનિફિટ માત્ર જુની ટેક્સ વ્યવસ્થા પર લાગૂ છે. સરકાર નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ પણ કપાતની મંજૂરી આપવા વિચારી શકે છે. જેનાથી સરકારના બે ઉદ્દેશ પૂર્ણ થશે. પ્રથમ- ટેક્સદાતાઓને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ વધારાની કપાતનો લાભ મળશે, બીજુ નવી ટેક્સ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા સરકારનો ઉદ્દેશ અનુરૂપ પેન્શન સ્કીમમાં રોકાણ વધશે.

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મોટો લાભ થશે

હાલ ઈપીએફ ખાતામાં એમ્પ્લોયર અને કર્મચારીઓનું યોગદાન 12-12 ટકા છે. જેના પર ટેક્સ છૂટ મળે છે. એનપીએસમાં ખાનગી ક્ષેત્રના 10 ટકા યોગદાન પર જ ટેક્સ છૂટ મળે છે. પીએફઆરડીએએ આ છૂટ મર્યાદા વધારી 12 ટકા કરવા ભલામણ કરી છે. નિષ્ણાતોનું માનવુ છે કે, જો સરકાર એનપીએસમાં એમ્પ્લોયરના યોગદાનની મર્યાદા વધારે છે, તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ વચ્ચેનો તફાવત દૂર થશે. વધુમાં ખાનગી કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ માટે સારૂ એવુ ફંડ તૈયાર કરવાનો માર્ગ મોકળો બનશે. નવી પેન્શન સ્કીમ પસંદ કરનારા કર્મચારીઓ અને એમ્પ્લોયરને પણ 12 ટકા ટેક્સ છૂટનો લાભ મળશે.

અન્ય અપેક્ષા

ટેક્સ મોર્ચે પણ નોકરીયાત વર્ગને અપેક્ષા છે કે, સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ છૂટ મર્યાદા વધારી શકે છે. હાલ સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ રૂ. 50 હજારની છૂટ લાગૂ છે. જૂની ટેક્સ વ્યવસ્થાના સ્લેબ અને રેટમાં 2014 બાદથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કરદાતા તેમાં રાહત મળે તેવી અપેક્ષા સેવી રહ્યા છે. નવી ટેક્સ વ્યવસ્થાને આકર્ષક બનાવવા માટે મેડિક્લેમના પ્રીમિયમની ચૂકવણી પર કપાતનો લાભ મળી શકે છે.


  Budget 2024: NPSમાં ટેક્સ છૂટ મર્યાદા વધારવા અપીલ, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ મળવાની અપેક્ષા 2 - image


Google NewsGoogle News