Budget 2025: શું જૂની ટેક્સ પ્રણાલીમાં મળતી તમામ છૂટ પાછી ખેંચાશે? સરકાર મોટો ઝટકો આપી શકે
Budget 2025 Expectations: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ ફેબ્રુઆરીમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2025માં ઈનકમ ટેક્સ મુદ્દે અનેક સુધારાઓ જાહેર કરી શકે છે. જેમાં જૂની ટેક્સ પ્રણાલીમાં મળતા લાભો દૂર કરવાની શક્યતાઓ કરદાતાઓને મોટો ઝટકો આપી શકે છે. એસબીઆઈ રિસર્ચ રિપોર્ટમાં નવી ટેક્સ પ્રણાલીને વેગ આપવા કેન્દ્ર સરકાર જૂની ટેક્સ પ્રણાલીના લાભો રદ કરવાની સંભાવના દર્શાવાઈ છે.
આ રિપોર્ટમાં નેશનલ પેન્શન સ્કીમની મર્યાદા રૂ. 50000થી વધારી એક લાખ રૂપિયા કરવાની, કલમ 80 (ડી) હેઠળ હેલ્થ ઈન્સ્યોરન્સ ડિડક્શન રૂ. 25000થી વધારી રૂ. 50000 કરવાની ભલામણ કરવામાં આવી છે. તેમજ ઈનકમ ટેક્સ રેટમાં ફેરફાર કરતાં રૂ. 10-15 લાખની આવક મર્યાદા પર માટે ટેક્સ રેટ ઘટાડી 15 ટકા કરવા સલાહ આપી છે. વધુમાં તમામ બેન્ક ડિપોઝિટ પર એક સમાન 15 ટકા ટેક્સ લાગુ કરવા કહ્યું છે.
નવી ટેક્સ પ્રણાલીમાં લોકોને જોડવાની કવાયત
એસબીઆઈ ગ્રૂપના ચીફ ઈકોનોમિસ્ટ ડો. સૌમ્ય કાંતિ ઘોષે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 'અમારો અંદાજ છે કે, ભારત સરકાર નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ તમામ કરદાતાઓને સામેલ કરી ઈનકમ ગ્રોથમાં ટેક્સ અનુપાલન સુનિશ્ચિત કરી શકે છે. તેમજ કન્ઝમ્પશનને પ્રોત્સાહન આપી શકે છે. આ પ્રકારના ઉપાય લાગૂ કરવાથી સરકારની ટેક્સ રેવેન્યૂમાં ઘટાડો થઈ શકે છે.'
આ પણ વાંચોઃ રિઝર્વ બેન્કની સખતાઈ છતાં બેન્કો દ્વારા ક્રેડિટ કાર્ડસ જારી કરવાની માત્રા ઊંચી
નવી ટેક્સ પ્રણાલીમાં આ સુવિધાઓ સામેલ કરાશે
- એસબીઆઈ રિસર્ચ રિપોર્ટમાં નવી ટેક્સ પ્રણાલીને વેગ આપવા તમામ રાહતો સામેલ કરવાની માગ કરવામાં આવી છે. જેમાં ઈપીએસ મર્યાદા રૂ. 50000થી વધારી રૂ. 1 લાખ કરવા, મેડિકલ ઈન્સ્યોરન્સ છૂટ રૂ. 25000થી વધારી રૂ. 50000 કરવા અપીલ કરી છે.
- 10થી 15 લાખની આવક ધરાવતા લોકો માટે ઈનકમ ટેક્સ રેટ 20 ટકાથી ઘટાડી 15 ટકા કરવા અપીલ.
- તમામ પ્રકારની બેન્ક ડિપોઝિટ પર 15 ટકા ટેક્સ લાગુ કરવાની માગ, તેમજ આ આવકને અન્ય આવકના સ્રોત તરીકે દર્શાવવાનો પ્રસ્તાવ.
- બચત ખાતામાં જમા રકમ પર ટેક્સ છૂટ મર્યાદા વધારી રૂ. 20000 કરવાની માગ.
- નવી ટેક્સ પ્રણાલીમાં સુધારાથી રૂ. 50 હજાર કરોડનું નુકસાન
આ રિપોર્ટ મુજબ, નવી ટેક્સ પ્રણાલીમાં સુધારાઓથી સરકારની કર આવકમાં રૂ. 50000 કરોડનું નુકસાન થવાની શક્યતા છે. જે જીડીપીના 0.14 ટકા છે. જો કે, જૂની ટેક્સ પ્રણાલીની લોકપ્રિયતા ઘટાડવા માટે આ સુધારાઓ આવશ્યક છે.
જૂની ટેક્સ પ્રણાલીમાં શું સુધારા શક્ય
સરકારે જૂની ટેક્સ પ્રણાલી દૂર કરવા હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ ભવિષ્યમાં આ મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે. 2020ના કેન્દ્રીય બજેટમાં નવી ટેક્સ પ્રણાલી રજૂ કરવામાં આવી હતી. નવી ટેક્સ પ્રણાલીમાં ઉપલબ્ધ છૂટ અને નીચો ટેક્સ રેટ હોવા છતાં મોટાભાગના કરદાતાઓ જૂની ટેક્સ પ્રણાલી અનુસરે છે. કારણકે, તેમાં સેક્શન 80 (સી) અને 80 (ડી) હેઠળ અનેક ડિડક્શન અને રાહતો મળે છે.