બજેટ 2025: ચાર વર્ષ સુધી ભરી શકાશે અપડેટેડ IT રિટર્ન, એકથી વધુ સંપત્તિ ધરાવનારાને રાહત
Budget 2025: નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પોતાનું આઠમું બજેટ રજૂ કર્યું છે. જેમાં નાણાંમંત્રી દ્વારા કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણાંમંત્રીએ અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા ચાર વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, હાલ અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય સીમા બે વર્ષની છે. જે લોકો સમયસર IT રિટર્ન ફાઇલ નથી કરી શકતા અથવા કંઈક ગડબડ કરી દે છે, તેવા લોકો માટે આ મોટી રાહત છે.
મહત્ત્વની જાહેરાત
- અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય સીમા બે વર્ષથી વધારીને 4 વર્ષ કરાઈ.
- વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર થતી આવક પર TDSની લિમિટ 50 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે.
- બે self-occupied સંપત્તિના વાર્ષિક મૂલ્યને શૂન્યના રૂપે પણ દાવો કરી શકશે.
- ભાડા પર TDSની વાર્ષિક સીમા 2.40 લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Budget 2025: ઘર ખરીદનારાઓ માટે રાહત, SWAMIH Fund હેઠળ 40 હજાર અટકેલાં ઘર બનાવશે સરકાર
નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત
બજેટમાં નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નવી ટેક્સ વ્યવસ્થામાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણાંમંત્રીએ જણાવ્યું કે, વાર્ષિક 12 લાખ રૂપિયા સુધી આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ ન આપવાથી 80 હજાર રૂપિયાનો લાભ થશે. વળી, વાર્ષિક 18 લાખ રૂપિયાની આવકવાળી વ્યક્તિને ટેક્સમાં 70 હજાર રૂપિયાનો ફાયદો થશે. આ સિવાય RBIની LRS (લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ TDS કપાતની મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Budget 2025: નવી ટેક્સ રેજિમના સ્લેબમાં મોટો ફેરફાર, હવે 12 લાખની આવક પર ઝીરો ટેક્સ
ટેક્સ સ્લેબમાં બદલાવ
નાણાંમંત્રીએ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની પણ જાહેરાત કરી છે. 4 લાખ રૂપિયાની આવક પર શૂન્ય ટેક્સ, 4થી 8 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ, આઠથી 12 લાખ રૂપિયાની આવક પર 10% અને 12થી 16 લાખની આવક પર 15% ટેક્સ લાગશે.