Budget 2025: ઘર ખરીદનારા માટે રાહત, SWAMIH Fund હેઠળ 40 હજાર અધૂરાં ઘરોનું બાંધકામ પૂર્ણ કરાશે
SWAMIH Fund: લાંબા સમયથી જે લોકોએ પોતાના સપનાનું ઘર બનવાની અને પઝેશન મળવાની રાહ જોઈ રહ્યા છે, તેવા લોકોને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં એક મોટી ભેટ આપી છે. નાણાંમંત્રીએ બજેટમાં જાહેરાત કરી કે, 40 હજાર અટકેલા અને અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે. આ યોજનાના પહેલાં તબક્કામાં અત્યાર સુધીમાં 50 હજાર ઘર પૂર્ણ થઈ ગયા છે અને ઘર ખરીદનારને તેની ચાવી આપવામાં આવશે. આ પ્રોજેક્ટને સરકાર દ્વારા બનાવવામાં આવેલા સ્વામિહ ફંડ(Special Window for Affordable & Mid-Income Housing Fund)માંથી તૈયાર કરવામાં આવ્યો છે.
ઘર ખરીદનારને મળશે રાહત
SWAMIH (Special Window for Affordable and Mid-Income Housing) ફંડ એક સરકારી પહેલ છે, જેનો હેતુ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફસાયેલા હાઉસિંગ પ્રોજેક્ટને નાણાંકીય સહાય આપવાનો છે. ઘણાં એવા પ્રોજેક્ટ છે, જે કાયદાકીય અડચણ, નાણાંકીય સંકટ અથવા અન્ય કારણોથી અધૂરા રહી ગયા છે. આ ફંડ એવા પ્રોજેક્ટને પુનર્જીવિત કરશે અને ઘર ખરીદનારાઓને રાહત પ્રદાન કરશે.
SWAMIH ફંડ હેઠળ શું મળશે?
- અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટને નાણાંકીય મદદ
- મધ્યમ અને ઓછી આવક ધરાવતાં જૂથોને પોસાય તેવા ઘરો પૂરા પાડવા
- રિયલ એસ્ટેટ સેક્ટરમાં તરલતા (Liquidity) વધારવી
- નિર્માણ ક્ષેત્રમાં રોજગારીની તક વધારવી
શું થશે અસર?
- ઘર ખરીદવામાં રાહતઃ જે લોકો વર્ષોથી પોતાનું ઘર ખરીદવાની રાહ જોઈ રહ્યા હતા, તેઓને જલ્દી પઝેશન મળી શકશે.
- રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણમાં વધારોઃ બજારમાં ફસાયેલા પૈસાને ગતિ મળશે, જેનાથી નવા પ્રોજેક્ટ પણ શરુ થઈ શકશે.
- અર્થવ્યવસ્થામાં વધારોઃ હાઉસિંગ સેક્ટરમાં સુધારા સાથે જોડાયેલા ઉદ્યોગો(સિમેન્ટ, સ્ટીલ, કન્સ્ટ્રક્શન)ને પણ ફાયદો થશે.