બજેટમાં 6 મોટી જાહેરાતની શક્યતા, મોબાઈલ થશે સસ્તાં, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની આશા!
Union Budget 2025: આજથી શરૂ થયેલા બજેટ સેશનમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ 2024-25 માટે આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આવતીકાલે નવા વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કરશે. જેમાં મધ્યમવર્ગ અને ખેડૂતલક્ષી સુધારાઓ થવાનો અંદાજ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ કાળનું બજેટ મોંઘવારી અને ટેક્સના મોર્ચે લોકોને મોટી રાહત આપે તેવી શક્યતાઓ છે.
બજેટમાં આ સુધારાની અપેક્ષા
1. ટેક્સમાં છૂટ
સરકાર નવી ટેક્સ પ્રણાલીમાં અનેક સુધારા કરી શકે છે. જેમાં નવો 25 ટકાનો ટેક્સ સ્લેબ ઉમેરે તેવી ભલામણો પણ થઈ છે. 15થી 20 લાખની આવક પર 30 ટકાને બદલે 25 ટકા ટેક્સની જાહેરાત થઈ શકે છે. આ સિવાય કપાત મર્યાદા વધારી રૂ. 5 લાખ થઈ શકે છે.
2. પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે
ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીએ સામાન્ય લોકોને હેરાન કર્યા છે. તેમાં ક્રૂડના ભાવો વૈશ્વિક સ્તરે ઘટ્યા હોવા છતાં, રૂપિયો નબળો પડતાં ઓએમસીએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાનો લાભ આપ્યો નથી. જેને ધ્યાનમાં રાખી સરકાર ફોસિલ ફ્યુલમાં લાગતી એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી શકે છે. હાલ પેટ્રોલ પર 21 ટકા અને ડિઝલ પર 18 ટકાના દરે ડ્યૂટી વસૂલાય છે. ગત બજેટમાં સરકારે સોના પર આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 6 ટકા કરી હતી. જેના પગલે સોનાની આયાત 2024માં 104 ટકા વધી 10.06 અબજ ડોલર થતાં આ વર્ષે બજેટમાં સરકાર સોનાની આયાત ડ્યૂટીમાં ફરી વધારો કરી શકે છે.
3. ખેડૂતોને ધ્યાનમાં રાખી જાહેરાત
આ બજેટમાં સીતારમણ સરકારી સહાય યોજનાઓમાં વધારો કરી શકે છે. જેમાં સંસદની સ્થાયી સમિતિએ કિસાન સન્માન નિધિ વધારી ર. 12 હજાર કરવા ભલામણ કરી હતી. હાલ રૂ. 6000 છે. વધુમાં આયુષ્માન ભારત યોજનામાં વધુ સુવિધાઓ આપતા બજેટ ફાળવણી વધારવામાં આવી શકે છે. વર્ષ 2015માં શરૂ થયેલી અટલ પેન્શન યોજનામાં ઘણા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકાર તેમાં પણ સુધારો-વધારો કરી શકે છે.
4. બજેટથી વધશે રોજગારીની તકો!
બજેટમાં રોજગાર સંબંધિત જાહેરાતો થઈ શકે, સરકાર CIIની ભલામણોના આધારે 'સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિ' લાવી શકે છે, જેમાં રોજગાર પ્રદાન કરતા તમામ મંત્રાલયોની યોજનાઓને એક પ્લેટફોર્મ હેઠળ આવરી લેવાની યોજના છે. ગ્રામીણ વિસ્તારોના સ્નાતકો માટે પણ ઇન્ટર્નશિપની જાહેરાત કરવામાં આવી શકે છે, જેના હેઠળ તેઓ સરકારી કચેરીઓમાં કામ કરવા માટે ઇન્ટર્નશિપનો વિકલ્પ મેળવી શકે છે.
5. આરોગ્ય બજેટ વધશે!
આરોગ્ય ક્ષેત્રનું બજેટ વધારી શકે છે. આ અંતર્ગત ગયા વર્ષના આશરે 91 હજાર કરોડ રૂપિયાના આરોગ્ય બજેટની સરખામણીમાં આ વખતે 10 ટકા વધુ નાણાં ફાળવવામાં આવી શકે છે. મેડિકલ કોલેજોમાં સીટો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય કેટલાક મેડિકલ ઈક્વિપમેન્ટ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી પણ ઘટાડી શકાય છે.
6. ઘર ખરીદવું સસ્તું થશે!
સસ્તા મકાનો ખરીદવાની કિંમત મર્યાદા વધારવા માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. આ અંતર્ગત મેટ્રો શહેરો માટે એફોર્ડેબલ હાઉસિંગની મર્યાદા 45 લાખ રૂપિયાથી વધારીને 70 લાખ રૂપિયા અને અન્ય શહેરો માટે આ મર્યાદા વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. હોમ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ પણ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. આ રાહતો દ્વારા, સરકાર ભારતમાં 1 કરોડ પરવડે તેવા મકાનોની અછતને પૂર્ણ કરવા માટે કામ કરી શકે છે, જે 2030 સુધીમાં વધીને 3.12 કરોડ થવાની ધારણા છે.