Get The App

Budget 2025: MSME માટે પ્રોત્સાહનો, ખેડૂતો માટે કિસાન ક્રેડિટ વધારી, મહિલા સશક્તિકરણ પર ફોકસ

Updated: Feb 1st, 2025


Google News
Google News
Budget 2025: MSME માટે પ્રોત્સાહનો, ખેડૂતો માટે કિસાન ક્રેડિટ વધારી, મહિલા સશક્તિકરણ પર ફોકસ 1 - image


Budget 2025: નાણાંમંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2025 માટે નારી, ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત મહત્ત્વની જાહેરાત કરી રહ્યા છે. જેમાં દેશના ગ્રોથ માટે મહત્ત્વનું એન્જિન એમએસએમઈ માટે ખાસ જાહેરાતો કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે વિકાસ માટે પણ પ્રોત્સાહક સુધારાઓ જાહેર કર્યા છે.

નવુ ઇન્કમ ટેક્સ બિલ લાવશે

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇન્કમ ટેક્સ મુદ્દે મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, સરકાર નવુ ઇન્કમ ટેક્સ બિલ લાવી રહી છે. જેની જાહેરાત આગામી સપ્તાહે કરવામાં આવશે. કરદાતાઓની સુવિધા માટે નવું બિલ રજૂ કરવાની યોજના થઈ છે. કરદાતાઓને અનુકૂળતા અને સરળતા પ્રદાન કરતાં ફેસલેસ અસેસમેન્ટ સહિત અનેક સુધારાઓ લાગુ કરાશે. આ બિલમાં સેલ્ફ-અસેસમેન્ટના આધારે 99 ટકા રિટર્ન સાથે આઇટી રિટર્નની પ્રક્રિયાને ઝડપી બનાવાશે.

બિહાર માટે મોટી જાહેરાતો

એનડીએ સરકારે ત્રીજી ટર્મમાં બિહાર માટે મોટી જાહેરાતો કરી છે. બિહારમાં ગ્રીનફીલ્ડ ઍરપોર્ટની સુવિધા પ્રદાન કરાશે. પટના ઍરપોર્ટની ક્ષમતાનું વિસ્તરણ કરાશે. ખેડૂતો માટે મખાના બોર્ડની જાહેરાતથી મખાનાના ખેડૂતોની કમાણી વધશે. કોસી કેનાલથી 50 હજાર હેક્ટરમાં સિંચાઈની સુવિધા ઉપરાંત મિથિલાંચલ માટે પણ સિંચાઈ યોજનાની જાહેરાત કરી છે. 

ફૂટવેર અને લેધર ક્ષેત્રો માટે ફોકસ પ્રોડક્ટ સ્કીમ

ફૂટવેર અને લેધર ક્ષેત્રો માટે ફોકસ પ્રોડક્ટ સ્કીમ શરુ કરવાની જાહેરાત કરી છે. જે 22 લાખ લોકોને રોજગાર આપશે. તેમજ 4 લાખ કરોડના ટર્નઓવર સાથે ક્ષેત્રને વેગ આપશે. નોન લેઘર ક્વોલિટીના ફૂટવેરના ઉત્પાદનની મશીનરી, ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગમાં વપરાતી ચીજોને સમર્થન આપશે. સ્કીમ હેઠળ 1.1 લાખ કરોડની નિકાસ થવાનો અંદાજ આપ્યો છે.

એમએસએમઈ માટે કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ

દેશના 5.7 કરોડ એમએસએમઈ પર ફોકસ કરતાં સરકારે રોકાણોમાં અઢી ગણો વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેમજ ટર્નઓવર મર્યાદા પણ વધારી બમણી કરવાની જાહેરાત કરી છે. એમએસએમઈ માટે કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ રજૂ કરાશે. જેમાં રૂ. 5 લાખ સુધીની ક્રેડિટ લિમિટ મળશે. ક્રેડિટ ગેરેંટી લિમિટ પણ પાંચ કરોડથી વધારી 10 કરોડ કરી છે.

ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત

'પીએમ ધન્ય ધાન્ય યોજના' લાવવામાં આવશે તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. સુતર ઉદ્યોગને પ્રોત્સાહન, તેમજ કપાસ ઉત્પાદનમાં વધારો કરવા ધ્યાન કેન્દ્રિત કરાશે. બિહારમાં મખના બોર્ડની રચના કરવામાં આવશે. તેમજ કઠોળમાં આત્મનિર્ભર ભારત મિશનને વેગવાન બનાવાશે.

સ્ટાર્ટઅપના ફંડ માટે નવા ફંડની સ્થાપના 

સ્ટાર્ટઅપ્સને વેગ આપવા નવા ફંડની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રૂ. 10000 કરોડની નવી ફાળવણી કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ સેગમેન્ટમાં પ્રથમ વખત પ્રવેશ કરનારી પાંચ લાખ મહિલાઓ, એસસી-એસટી કેટેગરીના ઉદ્યમીઓ માટે ખાસ ટર્મ લોન શરુ કરવામાં આવી છે. જે 2 કરોડ સુધીની લોન પ્રદાન કરશે.  

Budget 2025: MSME માટે પ્રોત્સાહનો, ખેડૂતો માટે કિસાન ક્રેડિટ વધારી, મહિલા સશક્તિકરણ પર ફોકસ 2 - image

Tags :
Budget-2025Nirmala-Sitharaman

Google News
Google News