Get The App

Budget 2025: ખેડૂતો, મધ્યમવર્ગ અને સિનિયર સિટિઝનને રાહત મળવાની સંભાવના, જાણો શું થઈ શકે છે ફાયદો

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
Budget 2025: ખેડૂતો, મધ્યમવર્ગ અને સિનિયર સિટિઝનને રાહત મળવાની સંભાવના, જાણો શું થઈ શકે છે ફાયદો 1 - image


Budget 2025 : દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી શનિવારે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવાના છે, જેમાં સામાન્ય પ્રજાથી લઈને કોર્પોરેટ ઉદ્યોગ રાહત મળવાની આશા પર નજર રાખીને બેઠું છે. બજેટ પહેલા વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમવર્ગને અનુલક્ષી ઈન્કમ ટેક્સમાં સુધારો, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરે તેવી ભલામણો કરવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ઘટાડો અને આઈટીમાં રાહત આપવાની પણ સામાન્ય પ્રજા માંગ કરી છે. બીજીતરફ ચર્ચાઓ મુજબ બજેટમાં ખેડૂતો, મધ્યવર્ગ, સિનિયર સિટિઝનને રાહત મળવાની સંભાવના છે. તો ઈન્કમ ટેક્સ, FD પર વ્યાજ અંગે મોટી જાહેરાત થઈ શકે છે. 

પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે

ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીએ સામાન્ય લોકોને હેરાન કર્યા છે. તેમાં ક્રૂડના ભાવો વૈશ્વિક સ્તરે ઘટ્યા હોવા છતાં, રૂપિયો નબળો પડતાં ઓએમસીએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાનો લાભ આપ્યો નથી. જેને ધ્યાનમાં રાખી સરકાર ફોસિલ ફ્યુલમાં લાગતી એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી શકે છે. હાલ પેટ્રોલ પર 21 ટકા અને ડિઝલ પર 18 ટકાના દરે ડ્યૂટી વસૂલાય છે.  ગત બજેટમાં સરકારે સોના પર આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 6 ટકા કરી હતી. જેના પગલે સોનાની આયાત 2024માં 104 ટકા વધી 10.06 અબજ ડોલર થતાં આ વર્ષે બજેટમાં સરકાર સોનાની આયાત ડ્યૂટીમાં ફરી વધારો કરી શકે છે.

બજેટમાં ખેડૂતોને મળી શકે છે ભેટ

આ બજેટમાં સીતારમણ સરકારી સહાય યોજનાઓમાં વધારો કરી શકે છે. જેમાં સંસદની સ્થાયી સમિતિએ કિસાન સન્માન નિધિ વધારી 12 હજાર કરવા ભલામણ કરી હતી. હાલ રૂ. 6000 છે. વધુમાં આયુષ્માન ભારત યોજનામાં વધુ સુવિધાઓ આપતા બજેટ ફાળવણી વધારવામાં આવી શકે છે. વર્ષ 2015માં શરૂ થયેલી અટલ પેન્શન યોજનામાં ઘણા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકાર તેમાં પણ સુધારો-વધારો કરી શકે છે.

આ પણ વાંચો : બજેટ 2025: પેટ્રોલના ભાવમાં ઘટાડો, ઈન્કમ ટેક્સમાં રાહત સહિત ત્રણ મોટી જાહેરાતની શક્યતા

કૃષિ ક્ષેત્રે ફાળવણી વધવાની શક્યતા

દેશના નાણામંત્રી દ્વારા રજૂ થનારા બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ફાળવણી આશરે 14થી 15 ટકા વધારવામાં આવશે એવી શક્યતા જાણકારો કહી રહ્યા છે. આવી ફાળવણી વધારાશે તો છ વર્ષનો રૅકોર્ડ તૂટશે એવી ગણતરી રાખવામાં આવી છે. વઘુ પેદાશ આપતાં બિયારણો વિકસાવવા તથા સ્ટોરેજ, સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા ઉપરાંત દેશમાં કઠોળ, તેલીબિયાં, શાકભાજી વગેરેેનું ઉત્પાદન વધારવા બજેટમાં આવી ફાળવણી વધારવામાં આવશે એવી શક્યતા નિષ્ણાતોએ દર્શાવી છે.

ઈન્કમ ટેક્સ માટે નવો બ્રેકેટ રજૂ થશે

કેન્દ્ર સરકાર નવી ટેક્સ રિજિમને પ્રોત્સાહન આપવા અનેક સુધારાઓ કરી શકે છે. હાલ ઘણા કરદાતાઓ જૂની ટેક્સ રિજિમને પ્રાધાન્ય આપી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતાં સરકાર નવી ટેક્સ રિજિમ હેઠળ ઘણા લાભો સમાવિષ્ટ કરી શકે છે. તદુપરાંત નવો 25 ટકાનો બ્રેકેટ રજૂ કરી શકે છે. હાલ 3થી 7 લાખની આવક પર 5 ટકા, 7થી 10 લાખની આવક પર 10 ટકા, 10થી 12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખની આવક પર 20 ટકા અને 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ વસૂલે છે. જેમાં તે 15થી 20 લાખની આવક પર 25 ટકાનો નવો ટેક્સ સ્લેબ લાગુ કરી શકે છે. 

ટેક્સ-લાઇસન્સ ફીમાં ઘટાડાની માગ

આગામી બજેટ 2025માં સૌથી મોટી અપેક્ષા ટેક્સમાં ઘટાડા અંગે છે, જે હાલમાં ટેલિકોમ સેક્ટર પર બોજ સમાન રહી છે. જેમાં, આયાત ડ્યુટી, યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (યુએસઓએફ) અને લાઇસન્સ ફીમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. જો આમ થશે તો ટેલિકોમ કંપનીઓ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે વધુ મૂડી ઉપલબ્ધ થશે. તેનો સીધો લાભ ગ્રાહકોને સસ્તી સેવાઓના રૂપમાં મળશે. આગામી બજેટમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે મોટી રકમ ફાળવવામાં આવે તેવી અપેક્ષા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટીના પડકારને પહોંચી વળવા માટે રોકાણ કરવામાં આવશે. 

આ પણ વાંચો : બજેટમાં બે મોટી જાહેરાતની અપેક્ષા: સ્માર્ટફોનના ભાવ ઘટશે, ખેડૂતોને પણ થશે આ લાભ

આયાત ડ્યુટીમાં ઘટાડાની શક્યતા

નિષ્ણાતોનું કહેવું છે કે 'બજેટ 2025માં આયાત ડ્યુટીમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા છે, જે વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ વધારવા માટે પ્રોત્સાહિત કરશે. આયાત ડ્યુટીમાં ઘટાડો થવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને મોબાઇલ ફોન જેવા સ્માર્ટ ઉપકરણોની કિંમતો પણ ઘટશે. તેનાથી સામાન્ય લોકો માટે સ્માર્ટફોન ખરીદવાનું સરળ બની શકે છે.'

ટેક્સ સ્લેબમાં રાહતની સંભાવના

આ વર્ષના બજેટમાં ટેક્સ સ્લેબમાં સંભવિત ફેરફારો અને રાહતોની રજૂઆત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. વધુમાં જૂની ટેક્સ વ્યવસ્થામાં વધુ કપાતનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે. નિષ્ણાતો સૂચવે છે કે સરકારે કલમ 80TTA (સેવિંગ્સ એકાઉન્ટ વ્યાજ) હેઠળ કપાત મર્યાદા રૂ. 10,000થી વધારીને રૂ. 20,000 કરવા પર વિચાર કરવો જોઈએ. કલમ 80TTB હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે કપાત મર્યાદા વધારી રૂ. 1 લાખ કરવાની ભલામણ કરવામાં આવી છે, જે હાલમાં રૂ. 50,000 (ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ માટે) છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80TTA, વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત પરિવારો (HUF)ને બેન્કો, સહકારી બેન્કો અથવા પોસ્ટ ઓફિસના બચત ખાતામાં મળતાં વ્યાજની આવક પર રૂ. 10,000 સુધીની કપાત પ્રદાન કરે છે. આ કપાત 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ અને HUF માટે લાગુ છે. જો કે, તે ફિક્સ્ડ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટ (RD)માંથી મળતા વ્યાજ પર લાગુ પડતું નથી.

મિડલ ક્લાસને મોટી રાહતની શક્યતા

બજેટને લઈને ટેક્સ પેયર્સ અને નોન-ટેક્સ પેયર્સ બંને જ મોટી આશા લગાવીને બેઠા છે. બજેટમાં મિડલ ક્લાસને મોટી રાહતની શક્યતા દેખાઈ રહી છે. બજેટ પહેલા એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જો તમે બેંકમાં FD કરો છો તો તેના પર ટેક્સ ઓછો લાગશે અથવા તો કદાચ નહીં લાગશે. અત્યાર સુધી FD પર મળતા વ્યાજ પર ટેક્સ લગાવવામાં આવતો હતો. પરંતુ બેંકો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે FD પર લાગતા ટેક્સને હટાવી દેવો જોઈએ. બેંકોનું કહેવું છે કે જો સરકાર ટેક્સ હટાવવાનો નિર્ણય લેશે તો તેનાથી બેંક ડિપોઝીટને પ્રોત્સાહન મળશે. જો નાણામંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવે છે, તો તેનાથી એવા લોકોને ઘણો ફાયદો થશે, જેઓ બેંકમાં પૈસા જમા કરાવે છે અને તેના પર મળતા વ્યાજ દ્વારા પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. એક અહેવાલ પ્રમાણે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે બજેટ પહેલા યોજાયેલી મીટિંગમાં નાણાકીય સંસ્થાઓ, ખાસ કરીને બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ટેક્સ ઈન્સેન્ટીવ આપવાની માગ કરી છે. તેમણે તર્ક આપ્યો હતો કે, તેનાથી બચતમાં વધારો થશે. બેંકો તરફથી આ સૂચન તાજેતરમાં સેવિંગમાં આવેલા ઘટાડાને કારણે આવ્યું છે. આ જ કારણ છે કે બેંકોને લોન આપવા માટે નાણાંની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : 15 લાખથી વધુ આવક ધરાવતા લોકો પર સરકારની નજર, બજેટમાં મળી શકે છે ગુડ ન્યૂઝ

શેર માર્કેટમાં પૈસા લગાવવા પર ઓછો ટેક્સ

અહેવાલ પ્રમાણે એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ રાધિકા ગુપ્તાએ નાણામંત્રી સાથેની પ્રી-બજેટ મીટિંગમાં કેપિટલ માર્કેટની કાર્યક્ષમતા અને સર્વસમાવેશકતામાં સુધારા માટે સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, બોન્ડ્સ અને ઈક્વિટી શેર્સમાં લાંબા ગાળાની બચતને પ્રોત્સાહન આપવા ભલામણો કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મીટિંગમાં નાણા સચિવ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) સચિવ, આર્થિક બાબતો અને નાણાકીય સેવાઓ વિભાગના સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર પણ સામેલ થયા હતા. બેંકોએ સરકારને કહ્યું છે કે જો તમે બેંકમાં પૈસા જમા કરો છો તો તેના પર ટેક્સ ઓછો હોવો જોઈએ કારણ કે શેરબજારમાં પૈસા રોકવા પર ઓછો ટેક્સ લાગે છે. લોકો બેંકમાં વધુને વધુ પૈસા જમા કરે તે માટે આ સૂચન આપવામાં આવ્યું હતું.

મધ્યમવર્ગને ઇન્કમ ટેક્સમાં ગુડ ન્યૂઝ મળવાની અટકળો

બજેટમાં દર વર્ષે દેશના નોકરિયાત વર્ગ તરફથી આવકવેરામાં રાહતની માંગ કરવામાં આવે છે. ગયા વર્ષે પણ લોકોએ નાણામંત્રી પાસે ટેક્સ સ્લેબમાં ફેરફારની માંગ કરી હતી. પરંતુ આ વખતે સરકાર તરફથી ટેક્સ નિયમોને લઈને મોટી જાહેરાત થવાની આશા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર મધ્યમ વર્ગને કરમાં મોટી રાહત આપવાનું વિચારી રહી છે. એવા લોકોને બજેટમાં આ રાહત આપવાની યોજના છે, જેમની વાર્ષિક આવક 15 લાખ રૂપિયા સુધી છે. આવકવેરામાં મોટી રાહત આપવાનો નિર્ણય અર્થતંત્રને વેગ આપવા અને લોકોને વધુ ખર્ચ કરવા પ્રોત્સાહિત કરવાની યોજના છે. જો સરકાર આ પગલું ભરશે તો ભવિષ્યમાં મોંઘવારીનો સામનો કરવો સરળ બનશે.

આ પણ વાંચો : ટેક્સ સ્લેબમાં થશે ફેરફાર, સિનિયર સિટીઝનને છૂટની શક્યતા, બજેટમાં થઈ શકે ઘણાં મોટા એલાન

બજેટમાં મધ્યવર્ગ-ખેડૂતો, પેટ્રોડ-ડીઝલની કિંમતોમાં રાહતની માંગ

ટેક્સ મુક્તિની માંગ

ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયાના સરવેમાં પણ લોકોએ ટેક્સ મુક્તિની માંગણી કરી છે. સરવે અનુસાર, દેશના 57% વ્યક્તિગત કરદાતા ઇચ્છે છે કે સરકાર આગામી બજેટમાં ટેક્સમાં ઘટાડો કરીને તેમને રાહત આપે. 25% લોકોએ મહત્તમ ટેક્સ સ્લેબમાં છૂટછાટની માંગ કરી છે. 72% વ્યક્તિગત કરદાતાઓએ નવી ઇન્કમટેક્ષ સિસ્ટમ પસંદ કરી હોવા છતાં, 63% લોકો જૂની સિસ્ટમ હેઠળ પ્રોત્સાહનો વધારવાની તરફેણમાં છે. નવી ટેક્સ સિસ્ટમ પ્રત્યે આકર્ષણ વધારવા માટે લગભગ 46% લોકોએ ટેક્સ રેટ ઘટાડવાનું સૂચન કર્યું છે. 47% લોકો ઈચ્છે છે કે જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ 'સેટ-ઓફ' મર્યાદા વધારવી જોઈએ અથવા 2 લાખ રૂપિયાની મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવે. 

નવી ટેક્સ વ્યવસ્થા અંગે થઈ આ માંગ

ભારતમાં વધતાં સ્વાસ્થ્ય સેવા ખર્ચને ધ્યાનમાં રાખતાં કલમ 80TTB અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 50000ની વર્તમાન મર્યાદા વધારી ઓછામાં ઓછી રૂ. 1 લાખ કરવી જોઈએ. આ મર્યાદા સંશોધિત આરબીઆઈ દ્વારા અપેક્ષિત રેપો રેટમાં ઘટાડાના કારણે વ્યાજદરોમાં સંભવિત અછતને સંતુલિત કરવામાં મદદ કરશે. આ ફેરફારોથી વધુને વધુ લોકો નવી ટેક્સ વ્યવસ્થા સાથે જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ઘટાડો અને ITમાં રાહતની માંગ

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)એ પણ કેન્દ્ર સરકાર સમક્ષ પેટ્રોલ, ડીઝલ અને ઈન્કમ ટેક્સ પર રાહતો મુદ્દે માગ કરી છે. જો આ માંગણીઓ સ્વીકારવામાં આવશે તો દેશના તમામ લોકોને તેનો સીધો ફાયદો થશે. સીઆઈઆઈએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની માગ કરી છે કે, હાલમાં પેટ્રોલની કિંમતના 21 ટકા અને ડીઝલની કિંમતના 18 ટકા એક્સાઈઝ ડ્યૂટી લાગુ છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 40 ટકા ઘટ્યા હોવા છતાં તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી. જેમાં ફોકસ કરવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે. ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈએ જણાવ્યું કે, નિમ્ન અને મધ્યમ વર્ગને રાહત આપવા ઈનકમ ટેક્સમાં ઘટાડો કરવા વિચારણા કરવી જોઈએ. ખાસ કરીને જેમની વાર્ષિક આવક 20 લાખ રૂપિયા સુધી છે તેમને ઈનકમ ટેક્સમાં રાહતો મળવી જોઈએ.

મનરેગા જેવી યોજનામાં ફાળો વધારવા સલાહ

CIIએ મનરેગા અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવા અંગે પણ સલાહ આપી છે. પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે પાત્ર ખેડૂતોને કુલ 6 હજાર રૂપિયાની રકમ સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. PM કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : બજેટમાં મિડલ ક્લાસને મોટી રાહતની શક્યતા! FDના વ્યાજ પર લાગતાં ટેક્સ મુદ્દે થઈ શકે છે જાહેરાત


Google NewsGoogle News