રહેઠાણ ભાડાની આવકને બિઝનેસ ઈન્કમ તરીકે નહીં બતાવી શકાય, બજેટમાં મોટી જોગવાઈ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
રહેઠાણ ભાડાની આવકને બિઝનેસ ઈન્કમ તરીકે નહીં બતાવી શકાય, બજેટમાં મોટી જોગવાઈ 1 - image


Budget 2024 | નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નવી જોગવાઈ કરીને રહેઠાણના ભાડાંની આવકને બિઝનેસ ઈન્કમ તરીકે દર્શાવનારા પર બ્રેક લગાવી દીધી છે. ભાડાંની આવકને હાઉસ પ્રોપ્રટીની આવકના શીર્ષક હેઠળ બતાવવાની હોય છે, પરંતુ કરદાતા તેને ધંધાકીય આવક તરીકે દર્શાવીને મકાન માલિકો તેના પરનો કરવેરો ભરવાનું ટાળવા આવક ઓછી દર્શાવતા હતા.

રહેઠાણના ભાડાંની આવકને બિઝનેસની આવક તરીકે નહિ ઓળખાવી શકાય તે માટે પહેલી એપ્રિલ 2024થી જ આ જોગવાઈને લાગુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક કરદાતાઓ તેમની ભાડાંની આવકમાંથી આવકવેરો બચાવવા માટે તેને બિઝનેસ ઈન્કમ તરીકે ઓળખાવતા હતા. તેમાંથી માણસોના પગાર, ગાડી, કોમ્પ્યુટર વગેરેના ઘસારા, ટ્રાવેલિંગ ખર્ચ સહિતના જુદાં જુદાં ખર્ચાઓ બાદ મેળવી લઈને આવક ઓછી દર્શાવતા હતા. 

આ રીતે આવકવેરાની મોટી ચોરી કરતાં હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકિત મહેતાનું કહેવું છે કે ઓનલાઈન રિટર્નને કારણે છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાને પરિણામે આ હકીકત નાણાં મંત્રાલયના ધ્યાનમાં આવી ગયું હતું. આ જ રીતે રૂ. 50 લાખથી વધુના મૂલ્યની સ્થાવર મિલકતના વેચાણના કિસ્સામાં ખરીદનારે કલમ 194 આઈએ હેઠળ કુલ વેચાણની રકમના એક ટકા મુજબ ટીડીએસ કાપવો ફરજિયાત છે. પરંતુ કેટલાક કરદાતાઓ એક જ પ્રોપર્ટી બે કે વધુ વ્યક્તિના નામે હોય અને તેમને ચૂકવવા પાત્ર રકમ રૂ. 50 લાખથી ઓછી હોય તેવા કિસ્સાઓમાં તેમને ચૂકવવા પાત્ર રકમમાંથી ટીડીએસ કરતાં નહોતા.

ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો કોઈ મિલકત રૂ. 60 લાખમાં વેચવામાં આવે છે. આ મિલકતના બે હક્કદાર છે. તેથી તેમને 30-30 લાખ ચૂકવવામાં આવે છે. આ પ્રકારના સોદાઓમાં કેટલાક કરદાતાઓ વ્યક્તિગત રકમ 50 લાખથી ઓછી હોવાતી કરકપાત કરતા જ નહોતા. કાયદાની આ છટકબારીને બૂરી દેવાના ઈરાદા સાથે પ્રોપ્રટી દીઠ કિંમત રૂ. 50 લાખથી વધુ હોય તો તેવા કિસ્સાઓમાં પ્રોપર્ટી દીઠ એક ટકાનું ટીડીએસ કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. 

રહેઠાણ ભાડાની આવકને બિઝનેસ ઈન્કમ તરીકે નહીં બતાવી શકાય, બજેટમાં મોટી જોગવાઈ 2 - image



Google NewsGoogle News