બહુમત મેળવવામાં નિષ્ફળ ભાજપની નજર હવે કેન્દ્રીય બજેટ પર, જાણો કયા વર્ગ પર કરાશે ફોકસ
Budget 2024-25: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર આગામી મહિને નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. હજી સુધી બજેટ રજૂ કરવાની તારીખ જાહેર થઈ નથી. પરંતુ સરકારી સુત્રો અનુસાર, નાણા મંત્રી 18 જુલાઈના રોજ બજેટ રજૂ કરી શકે છે. અગાઉ અપેક્ષા હતી કે, સંપૂર્ણ બજેટ મધ્ય જુલાઈમાં આવી શકે છે.
18 જુલાઈના રોજ બજેટ જારી થશે
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, નાણા મંત્રી નિર્મલા સિતારમણ બજેટ 2024 18 જુલાઈના રોજ રજૂ કરી શકે છે. સસંદીય કાર્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે, 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનના રોજ થશે અને 3 જુલાઈએ સમાપન થશે. સંસદનું ચોમાસુ સત્ર જુલાઈ માસના ત્રીજા સપ્તાહમાં શરૂ થવાનું છે અને 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
20 જૂનના રોજ પ્રિ-બજેટ મિટિંગ થશે
નિર્મલા સીતારમણે 12 જૂનના રોજ રચાયેલી નવી એનડીએ સરકારના નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી સ્વરૂપે કાર્યભાર સંભાળ્યો છે. હવે તેઓ સંપૂર્ણ બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે. તે અગાઉ મહેસૂલ સચિવની સાથે સત્તાવાર બેઠક કર્યા બાદ નાણા મંત્રી આજે ઉદ્યોગ જગતના સ્ટેકહોલ્ડર્સ સાથે બજેટ-પૂર્વે બેઠક (પ્રિ-બજેટ મિટિંગ) કરશે. નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું.
બજેટમાં આકર્ષણનું કેન્દ્ર મધ્યમવર્ગ રહેશે
આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી. અને એનડીએ ગઠબંધનની સરકાર બનાવવામાં આવી છે. જેના લીધે ત્રીજી ટર્મના પ્રથમ બજેટમાં સામાન્ય નાગરિકથી માંડી કરદાતાઓ અને પગારદારો માટે મોટી જાહેરાત થવાનો આશાવાદ છે. આ વખતે સરકારનું મુખ્ય ફોકસ મધ્યમવર્ગ રહી શકે છે. જેના પગલે કર રાહતમાં જાહેરાત સંભવ છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ જુલાઈમાં જારી થનારા બજેટમાં નિયમોમાં ફેરફાર કરી શકે છે. અત્યારસુધી ટેક્સ કપાત મર્યાદા 3 લાખ હતી, તે મર્યાદા વધારી રૂ. 5 લાખ થઈ શકે છે.
બજેટ રજૂ કરતાં સીતારમણ ઇતિહાસ રચશે
નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકાર 3.0નું પ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કરી સતત સાત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવવા તૈયાર છે. તેઓએ અત્યારસુધી છ બજેટ જારી કર્યા છે, જેમાં એક વચગાળાનું બજેટ સામેલ છે. અગાઉ નાણા મંત્રી મોરારજી દેસાઈએ 1959-1964 દરમિયાન પાંચ વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યુ હતું.