જમીન સુધારા અંગે બજેટમાં જાહેરાત, શહેરોમાં જીઆઈએસ મેપિંગ સાથે ડિજિટલાઈઝેશન કરાશે
ગ્રામીણ વિસ્તારની તમામ જમીનને યુનિક પ્લોટ આઇડેન્ટિફિકેશન નંબર અપાશે
UNION BUDGET 2024: આ વખતના બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જમીનને લગતા કેટલાક સુધારાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, 'સરકાર આર્થિક નીતિઓનું માળખું તૈયાર કરશે. જેથી આવનારી પેઢીનો પણ ઝડપી વિકાસ થઈ શકે. આ માટે ઉત્પાદન, જમીન, શ્રમ અને મૂડીના તમામ પરિબળોને આવરી લેવા જરૂરી છે. આ માટે કેન્દ્ર અને રાજ્યો બંનેનો સહયોગ જરૂરી છે.'
ગ્રામીણ જમીન સંબંધિત ફેરફારોમાં તમામ જમીન માટે યુનિક આધાર, નકશાનું ડિજિટલાઈઝેશન, જમીનનો સર્વે અને નોંધણી જેવા પગલાં લેવામાં આવશે.
જમીન સંબંધિત મુખ્ય સુધારા
- જમીન સુધારાની દિશામાં શહેરી વિસ્તારોમાં જીઆઈએસ મેપિંગ સાથે ડિજિટલાઈઝેશન કરાશે
- શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જમીન પ્રશાસન, શહેરી નિયોજન અને મકાન સંબંધિત નિયમોમાં ફેરફાર
- ગ્રામીણ વિસ્તારની તમામ જમીનને યુનિક પ્લોટ આઇડેન્ટિફિકેશન નંબર અપાશે.
- ગ્રામીણ વિસ્તારોમાં જમીન નોંધણી કાર્યાલયની સ્થાપન કરવામાં આવશે.
નોંધનીય છે કે, સરકાર જમીનની નોંધણીને લગતા વિવાદોના ઉકેલ લાવવા તરફ અગ્રેસર છે. જમીન નોંધણીનું ડિજિટલાઈઝેશન થાય અને પ્લોટ આઇડેન્ટિફિકેશન થાય એ જરૂરિયાતને ઓળખીને એ તરફ પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: Union Budget 2024: કિસાન ક્રેડિટ કાર્ડ અંગે મોટી જાહેરાત, એગ્રિ રિસર્ચ માટે સરકાર કરશે આર્થિક મદદ
ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાતો
- કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડની ફાળવણી
- બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરાશે
- તેલિબિયાંના ઉત્પાદન, સ્ટોરેજ અને માર્કેટિંગ માટે 10,000 બાયો ઈનપુટ સેન્ટરની સ્થાપના કરાશે
- કૃષિ અને બાગાયતી પાકની 109 વધુ ઉપજ આપતી અને આબોહવા અનુકુળ જાત લૉન્ચ કરાશે
- દેશના વધુ પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરાશે