બજેટ રજૂ કરતા જ નાણા મંત્રી સીતારમણ રચશે ઈતિહાસ, ઈન્દિરા ગાંધી સાથે જોડાશે નામ
નાણા મંત્રી નિર્મલા સીતારમણે 2019માં પહેલું બજેટ રજૂ કર્યું હતું
Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્ર સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરશે. નાણામંત્રી છઠ્ઠું બજેટ રજૂ કરશે. આગામી લોકસભા ચૂંટણીને કારણે આ વખતે બજેટ પણ મહત્ત્વનું છે અને લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરતાની સાથે જ રચશે કેટલાક નવા ઈતિહાસ, ઈન્દિરા ગાંધી સાથે તેમનું નામ જોડાશે.
Budget 2024 live updates : અહીં ક્લિક કરો
અરુણ જેટલીના અવસાનથી સીતારમણને મળી તક
દરેક સરકારમાં નાણા મંત્રાલય સૌથી મહત્ત્વનું મંત્રાલય માનવામાં આવે છે. જેથી અનુભવી નેતાને જ આ જવાબદારી સોંપવામાં આવે છે. પીએમ મોદીની પ્રથમ વખતની સરકાર સમયે આ જવાબદારી અરુણ જેટલીને સોંપવામાં આવી હતી. પરતું તેમના મૃત્યુ બાદ આ જગ્યા ખાલી પડતા મોદી સરકારે વર્ષ 2019 માં નિર્મલા સીતારમણ પર વિશ્વાસ દર્શાવ્યો.
વર્ષ 2019માં મળી નાણા મંત્રાલયની જવાબદારી
નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલા પણ ઘણા અનોખા રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે. એવામાં વર્ષ 2019માં તેઓ ભારતના ઈતિહાસના પ્રથમ મહિલા નાણામંત્રી બન્યા હતા. તેમણે 2019માં જ પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું અને પ્રથમ બજેટ સાથે કેટલાક નવા રેકોર્ડ પણ બન્યા હતા. પાંચમી જુલાઈ 2019ના રોજ સીતારમણે પહેલીવાર બજેટ રજૂ કર્યું હતું. એ સાથે જ તેઓ ઈન્દિરા ગાંધી પછી બજેટ રજૂ કરનારા બીજા નાણા મંત્રી બન્યાં હતાં.
બજેટ રજૂ કરનાર બીજા મહિલા બન્યા સીતારમણ
1970 માં ઈન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું. ત્યારે ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે કોઈ મહિલાએ બજેટ રજૂ કર્યું હોય. 1970માં ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન હતા અને નાણા મંત્રાલયની જવાબદારી પણ સંભાળતા હતા કારણ કે, તત્કાલીન નાણા મંત્રી મોરારજી દેસાઈએ રાજીનામું આપી દીધું હતું. એ રીતે તેમણે નાણા મંત્રી તરીકે સંપૂર્ણ નાણા મંત્રાલય સંભાળ્યું ન હતું. તેથી સીતારમણ બજેટ રજૂ કરનાર બીજા મહિલા બન્યા છે.
પ્રથમ બજેટમાં જ તેઓએ બદલી દાયકાઓ જૂની પ્રથા
સીતારમણે 2019 માં નાણામંત્રી તરીકે જયારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે બ્રીફકેસની દાયકાઓ જૂની પ્રથાનો અંત લાવ્યા હતા. નિર્મલા સીતારમણ ખાતાવહીના રૂપમાં બજેટ લાવ્યા. ત્યારથી, બજેટ ફક્ત લાલ કપડાની ખાતાવહીમાં આવે છે, જેના પર રાષ્ટ્રીય પ્રતીક રહે છે.
પ્રથમ વખત મહિલા દ્વારા વચગાળાનું બજેટ
ત્યારથી નિર્મલા સીતારમણ સતત નાણા મંત્રાલય સંભાળી રહી છે અને મોદી સરકારના તમામ બજેટ રજૂ કરી રહી છે. 2019 પછી, તેમણે 2020, 2021, 2022 અને 2023 માં બજેટ રજૂ કર્યું છે. હવે આ વર્ષે તે પોતાનું છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ ચૂંટણી વર્ષ હોવાથી, આ વર્ષનું બજેટ વચગાળાનું બજેટ હશે. આ રીતે નિર્મલા સીતારમણ પ્રથમ વખત વચગાળાનું બજેટ રજૂ કરશે. આ સાથે ઈતિહાસ રચાશે કે પહેલીવાર કોઈ મહિલા વચગાળાનું બજેટ રજૂ કરશે.
પાંચ-પાંચ બજેટ રજૂ કરવાની તક મળી હોય તેવા મંત્રીઓ
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કુલ 38 નાણામંત્રી રહ્યા છે. આઝાદી પછી ઈતિહાસમાં ઘણા ઓછા એવા નાણામંત્રી છે જેમને પાંચ-પાંચ બજેટ રજૂ કરવાની તક મળી હોય. આ યાદીએ નિર્મલા સીતારમણની નામ સામેલ છે. આ ઉપરાંત મનમોહન સિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંત સિંહા એકમાત્ર એવા નાણામંત્રી છે જેમણે પાંચ વખત બજેટ રજૂ કર્યું છે. તેમજ છ બજેટ રજૂ કરનાર મંત્રીમાં મોરારજી દેસાઈનું નામ મોખરે હતું. મોરારજી દેસાઈએ પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષે બજેટ રજૂ કરતાની સાથે જ નિર્મલા સીતારમણ મોરારજી દેસાઈની બરાબરી પર આવી જશે.
સૌથી લાંબુ બજેટ ભાષણ
નિર્મલા સીતારમણના નામે બજેટ સંબંધિત કેટલાક રેકોર્ડ પણ નોંધાયેલા છે. ભારતના ઈતિહાસમાં વર્ષ 2020 માં સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ તેમના નામે છે. તે વર્ષે નિર્મલા સીતારમણે 2 કલાક 42 મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું. આ રીતે તેણે પોતાનો એક વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 2019માં તેમણે 2 કલાક 7 મિનિટનું રેકોર્ડ બજેટ ભાષણ આપ્યું હતું.