ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર નહીં, બજેટમાં કરદાતાઓને કોઈ રાહત નહીં, જાણો કોને થશે ફાયદો
Interim Budget 2024 - Tax Slab : નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતા કેન્દ્રની મોદી સરકારે તેમની સિદ્ધિઓ ગણાવી. આ દરમિયાન નાણા મંત્રીએ કરદાતાઓને કોઈ રાહત ન આપતા ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કર્યો. નાણા મંત્રીએ કહ્યું કે, ટેક્સ રેટ યથાવત્ રખાયા છે. જો કે કેટલાક જૂના ટેક્સ મામલા પરત લઈશું. પરત લેવાથી એક કરોડ કરદાતાને ફાયદો થશે. છેલ્લા પાંચ વર્ષમાં કરદાતાઓ માટે સુવિધા વધારાઈ છે. જીએસટીના કારણે ઈન્ડસ્ટ્રી પર કમ્પ્લાયન્સનો ભાર ઘટ્યો છે. આ ઉપરાંત સરેરાશ જીએસટી કલેક્શન બમણું થયું છે.
નિર્મલા સીતારામનના વચગાળાના બજેટ 2024માં સૌને આવકવેરામાં છૂટની આશા હતી. કરવેરાના ભારને ઓછો કરવા સરકાર કોઈ જાહેરાત કરશે એવી કરદાતાઓને આશા હતી. જો કે નાણામંત્રીએ કોઈ રાહત ન આપી. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર ન થવાથી કરદાતાઓની આશા તૂટી છે. સ્લેબ અને ટેક્સ રીજિમમાં કોઈ ફેરફાર નથી કરાયો. તેનો અર્થ છે કે તમે જે રીતે કરવેરા ભરી રહ્યા છો, તે જ રીતે આવકવેરો ભરતા રહેવું પડશે. દેશમાં આઠ કરોડથી વધુ એવા કરદાતા છે, જેમણે નાણાકીય વર્ષ 2023-24માં રિટર્ન ફાઈલ કર્યું હતું, જેમને ભારે નિરાશા હાથ લાગી છે.
બજેટ 2023-24માં રજૂ કરાયેલો ટેક્સ સ્લેબ (જે હાલ પણ યથાવત્ રહેશે)
- 0 થી 3 લાખ પર 0 ટકા
- 3 થી 6 લાખ સુધી 5 ટકા
- 6 થી 9 લાખ પર 10 ટકા
- 9 થી 12 લાખ પર 15 ટકા
- 12 થી 15 લાખ પર 20 ટકા
- 15 થી વધુ લાખ પર 30 ટકા
જૂનો ઈન્કમ ટેક્સ સ્લેબ
- 2.5 લાખ સુધી 0 ટકા
- 2.5 લાખથી 5 લાખ સુધી 5 ટકા
- 5 લાખથી 10 લાખ સુધી 20 ટકા
- 10 લાખથી વધુ લાખ પર 30 ટકા
એક કરોડ કરદાતાઓને થશે લાભ
જો કે આમ છતાં એક કરોડ લોકોને ટેક્સથી જોડાયેલા લાભ મળશે કારણ કે નાણામંત્રીએ વર્ષોથી પેન્ડિંગ બાકી પ્રત્યક્ષ ટેક્સ માંગોને પરત લેવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 1962થી જેટલા જૂના ટેક્સથી જોડાયેલા વિવાદ કેસ ચાલી રહ્યા છે, જે વર્ષ 2009-10 સુધી પેન્ડિંગ રહેલા પ્રત્યક્ષ કર માંગોથી જોડાયેલા 24 હજાર રૂપિયા સુધીના વિવાદિત મામલા પરત લેવામાં આવશે. એજ રીતે 2010-11થી 2014-15 વચ્ચેના પેન્ડિંગ પ્રત્યક્ષ કર માંગોથી જોડાયેલા 10 હજાર રૂપિયા સુધીના મામલાઓને પરત લેવાશે. તેનાથી ઓછામાં ઓછા એક કરોડ કરદાતાને ફાયદો થશે. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરોની સાથો સાથ ઈમ્પોર્ટ ડ્યૂટી માટે પણ સમાન દરોને યથાવત્ રખાયા છે. સ્ટાર્ટઅપ્સ અને સોવરેન વેલ્થ અને પેન્શન ફંડ્સમાં રોકાણ કરનારાને ટેક્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.