બજેટમાં આ સુધારા કરવામાં આવે તો ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થશે, ઉત્પાદનને પણ વેગ મળશે
Union Budget 2024 Expectations: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર ત્રીજી ટર્મનું પ્રથમ કેન્દ્રીય બજેટ આવતીકાલે રજૂ કરવા જઈ રહી છે. બજેટ પૂર્વે આજે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નાણાકીય વર્ષ 2023-24માં સરકારની કામગીરી પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આવતીકાલે રજૂ થનારા બજેટમાં કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સ અંગે નીતિઓમાં સુધારા કરે તેવી અપેક્ષા ઉદ્યોગ જગત વ્યક્ત કરી રહ્યું છે.
આ બજેટ ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને અનુરૂપ હશે. વડાપ્રધાન મોદીએ પણ સંકેત આપી દીધો છે કે, અમે કાલે મજબૂત બજેટ રજૂ કરીશું. જે વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર રૂપે રજૂ કરવા પર કેન્દ્રિત હશે. ઓટો સેક્ટરને પણ બજેટમાં ઘણી અપેક્ષાઓ છે.
અગાઉ 1 ફેબ્રુઆરીએ સરકારે રજૂ કરેલા વચગાળાના બજેટમાં જણાવાયું હતું કે, અમારી સરકાર દેશમાં સારી ઈલેક્ટ્રિક વ્હિકલ ઈકો સિસ્ટમ ડેવલપ કરવા પર કામ કરી રહી છે. આગામી સમયમાં અમારી સરકાર ઈ-વ્હિકલ્સનું વિસ્તરણ અને વૃદ્ધિ પર ફોકસ કરશે. ઈલેક્ટ્રિક વ્હિકલ્સના ઉત્પાદન અને ચાર્જિંગ સપોર્ટ કરતી ઈકો સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. જાહેર પરિવહન માટે ઈલેક્ટ્રિક બસોને અપનાવવામાં આવશે. તેમજ તેના નેટવર્કને વિસ્તિરત કરવા માટે પ્રોત્સાહનો આપવામાં આવશે.
ફેમ-3 લોન્ચ થાય તેવી અપેક્ષા
દર વખતની જેમ આ વખતે પણ ઓટો સેક્ટર ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રની ફોસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ (FAME) યોજનાના આગામી તબક્કાની અપેક્ષા રાખી રહ્યું છે. FAME-2ની ડેડલાઈન 31 માર્ચે પૂરી થઈ હતી. આ સમય દરમિયાન, જ્યારે દેશની સરકાર ચૂંટણીમાં જવાની હતી, ત્યારે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશનલ સ્કીમ (EMPS) 4 મહિના માટે અસ્થાયી યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી, જેની માન્યતા જુલાઈમાં સમાપ્ત થઈ રહી છે. હવે આવી સ્થિતિમાં ફેમ સ્કીમનો ત્રીજો તબક્કો 'FAME-3' લોન્ચ થવાની આશા છે.
આ પણ વાંચોઃ Budget 2024-25: શેરબજાર મારફત થતી કમાણીમાં ટેક્સ છૂટ મામલે જાહેરાત થવાની અપેક્ષા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, FAMEના આ ત્રીજા તબક્કામાં 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ આપવામાં આવી શકે છે. જે દેશમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર તેમજ સરકારી બસોને આર્થિક મદદ કરશે. જો કે હજુ સુધી આ સ્કીમમાં ઈલેક્ટ્રિક કારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. FAME-3 સંપૂર્ણપણે નવી સ્કીમ હોવાથી વાહન ઉત્પાદક કંપનીઓએ તેના માટે ફરીથી અરજી કરવી પડશે. આ સિવાય આ સ્કીમ 2 વર્ષના સમયગાળા માટે શરૂ કરી શકાય છે. નોંધનીય છે કે FAME-2 યોજના 5 વર્ષ સુધી ચાલી હતી.
PLIનું વિસ્તરણ:
પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ દેશના ઘણાં વિવિધ ક્ષેત્રો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ છે. ઓટોમોબાઈલ ઉત્પાદકોને આશા છે કે સરકાર આ ક્ષેત્ર માટે PLI સ્કીમનું વિસ્તરણ કરશે. જેથી ઝડપથી ફંડ એકત્ર કરવા અને ઇલેક્ટ્રિક વાહનોની નિકાસને પ્રોત્સાહિત કરવાના પગલાં ઓટોમોટિવ ઉદ્યોગ માટે મુખ્ય હકારાત્મક પગલાં હશે.
EV બેટરીના ટેક્સમાં ઘટાડોઃ
ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ACMA)એ થોડા દિવસો પહેલા કેન્દ્રીય બજેટ 2024-25 માટે તેની ભલામણો મોકલી હતી. જેમાં ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનમાં વપરાતા ઘટકો પર જીએસટી દર ઘટાડવાની માંગ કરવામાં આવી હતી. ઉદ્યોગે સરકારને વિનંતી કરી છે કે ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બેટરી પરનો જીએસટી દર ઘટાડીને 18% કરવામાં આવે, જેથી ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો કરી શકાય. સામાન્ય રીતે, કોઈપણ ઇલેક્ટ્રિક વાહનમાં બેટરીની કિંમત લગભગ 40 થી 45 ટકા હોઈ શકે છે.
હાઇબ્રિડ વાહનો પર કર મુક્તિ:
એક તરફ, ઈલેક્ટ્રિક વાહનો પર 5%ના લઘુત્તમ GST ટેક્સનો લાભ મળી રહ્યો છે. બજેટમાં હાઈબ્રિડ કાર પર પણ ટેક્સ રેટ ઘટાડવાની અપેક્ષા છે. હાલમાં, ભારતમાં હાઇબ્રિડ વાહનો પર મહત્તમ ટેક્સ 43% છે, જે નિયમિત ICE (પેટ્રોલ-ડીઝલ) વાહનો પરના 48% કર કરતા માત્ર 5% ઓછો છે. આવી સ્થિતિમાં ઓટો સેક્ટરને આશા છે કે આ વખતના બજેટમાં હાઇબ્રિડ વાહનો પર ટેક્સમાં છૂટ મળશે.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે તેમણે નાણા મંત્રાલયને હાઇબ્રિડ વાહનો પર ટેક્સ રેટ ઘટાડીને 12 ટકા કરવા વિનંતી કરી હતી. ગડકરીએ કહ્યું હતું કે હાઇબ્રિડ વાહનો પર GST ઘટાડીને 5 ટકા અને ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન પર 12 ટકા કરવાનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયને વિચારણા માટે મોકલવામાં આવ્યો છે.